પ્રકરણ એક | ડાયરી ઓફ અ ગ્રીનમેન

આ દિવસો આમ જોવા જઈએ તો ઘણા મજાના દિવસો છે. ક્વોરેન્ટાઈન થઈને આપણે આપણી જાતને ભલે ઘરોમાં પૂરી દીધી છે, પરંતુ આપણા વિચારો અને આપણી કલ્પનાઓને જાણે ખૂલ્લી લગામ મળી છે. આ સમયમાં સહેજ પાછળ ફરીને પણ જોઈ શકાય છે અને ક્ષિતિજને પેલેપાર વિસ્તરેલા ભવિષ્ય વિશે પણ વિચારી શકાય છે. આ સમયમાં પાછળ વીતી ગયેલું બધું ફરી યાદ કરી એ જૂની યાદો મમળાવી પણ શકાય છે અને જો એ સફરમાં ક્યાંક ભૂલો થઈ હોય કે આપણામાં કચાશ રહી ગઈ હોય તો એને સુધારીને ભવિષ્યને વધુ સક્ષમ પણ બનાવી શકાય છે. આજકાલ જ્યારે જાત સાથે સૌથી વધુ સમય પસાર કરવા મળે છે ત્યારે ઘણા બધા વિચારો એકસાથે આવે છે. મનમાં થાય છે કે આ જીવન કેવું મિરેકલ છે અને આપણી સાથે કેવા કેવા સંજોગો રચાય છે! આપણે જે પ્લાનિંગ્સ કર્યા હોય એ પ્લાનિંગ્સ ઘણીય વાર એમના એમ રહી જાય છે અને જીવન તેની આંગળી પકડીને આપણને સાવ જૂદા જ માર્ગે લઈ જાય છે. એટલે જ આખીય સફરને અંતે આપણે જે ડેસ્ટિની પર પહોંચીએ છીએ એ ડેસ્ટિની આપણને આનંદ તો જરૂર આપે છે, પરંતુ સાથે અઢળક આશ્વર્ય પણ આપે છે કારણ કે આપણને જે પ્રકારનું જીવન મળ્યું છે એ જીવન વિશે ખરેખર આપણે સપનાંમાં પણ વિચાર્યું નહીં હોય! કારણ કે આપણે તો આપણા જીવન વિશે કંઈક જૂદા જ વિચારો કરેલા! મને યાદ આવે છે એ દિવસો જ્યારે મારે મૉડેલિંગ કરતો. યસ, તમે આજે ભલે મને ગ્રીનમેન, એનવાર્યમેન્ટલિસ્ટ કે બિઝનેસમેન તરીકે ઓળખતા હશો, પરંતુ એક જમાનામાં હું માત્ર એક જ સપનું જોતો અને એ સપનું હતું મૉડેલિંગનું! અને મજાની વાત એ છે કે મારા લૂક્સ અને ફિઝિક ઍક્ટિંગ અને મૉડેલિંગ માટે એટલા બધા પરફેક્ટ પણ હતા કે મારી આસપાસના લોકો પણ મને હંમેશાં ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં જવા માટે પ્રોત્સાહન આપતા હતા. એ દિશામાં જ આગળ વધવું છે એમ માનીને એ માટે સાચા ડિરેક્શનમાં જે કોઈ પ્રયત્ન કરવાના હોય એ પ્રયત્નો પણ હું કરતો અને ભગવાનની મહેરબાની છે મેં થોડા અસાઈમેન્ટ્સ પર પણ કામ કરેલું! જોકે નાઈનટીઝમાં મૉડેલિંગ કરવાના સપનાં જોતો એ યુવાન એકવીસમી સદીમાં સફળ બિઝનેસમેન બનશે કે પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરીને ચાળીસ હજારથી વધુ વૃક્ષો રોપશે એની મને ખૂદનેય નહોતી ખબર. મને તો હતું કે હું મારા દેખાવને આધારે મારી કરિયર બનાવીશ, પરંતુ મારી ડેસ્ટિનીએ નક્કી કર્યું હતું કે હું મારા બ્રેઈન અને બિયોન્ડ હોરાઈઝન્સ જોઈ શકવાની મારી આવડતને લીધે મારી દિશાઓ ઉઘાડીશ… હવે એ વિશે વિચારું છું તો મને અઢળક આશ્ચર્ય થાય છે. પાછલા પચીસ જેટલા વર્ષોમાં મેં મારા જીવનમાં જે ચઢાવ- ઉતારો અને મુકામો જોયા છે એ ખરેખર અત્યંત સુંદર છે. એ વિશે વિચાર કરું છું તો મને રહી રહીને મારો ક્રિષ્ના જ યાદ આવે છે. કારણ કે મારી ડેસ્ટિની ભલે મને અહીં સુધી લઈને આવી હોય, પરંતુ મારા જીવનમાં મેં ક્રિષ્નાનો એક સિદ્ધાંત હંમેશાં યાદ રાખ્યો છે કે, ‘कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन’ આવી બીજી પણ અઢળક વાતો શેર કરવાની ઈચ્છા થાય છે. જોઈએ હવે કેટલું લખાય… કેવું લખાય…

Join our Movement