લૈંટાના કૈમરા ઈકો સિસ્ટમ પર પ્રશ્ચાર્થ ઊભો કરે છે?

ગાંધીજીએ સરદારને લૈંટાના કૈમરા વિશે વધુ જાણવા સાંજે ફરી બોલાવેલા એટલે સરદાર બાપુની સાંજની શેરના ચોક્કસ સમયે બાપુ પાસે પહોંચી ગયા. સમયના અત્યંત પાકા બાપુ પણ ચોક્કસ સમયે આશ્રમના ઓટલે હાજર હતા એટલે બંને જણા ફરી આશ્રમની બહાર લટાર મારવા નીકળ્યા. બાપુ સીધા વિષય પર જ આવી ગયા. ‘તો જણાવો સરદાર. પેલી સત્યાનાશી વિશે બીજી શું માહિતી છે?’ ‘માહિતી તો ઘણી છે બાપુ. પણ સમસ્યા એ છે કે લૈંટાના કૈમરા બાબતે સરકારો દ્વારા વિશેષ પગલાં લેવાય અને તેને ધરમૂળમાંથી દૂર કરાય. કારણ કે આ વનસ્પતી એટલી બધી જિદ્દી છે કે ન પૂછો વાત. તેના જિદ્દી સ્વભાવ અને કોઈ પણ વાતાવરણમાં ટકી શકવાની તેની ક્ષમતાને કારણે આ વનસ્પતી દિવસે ને દિવસે વિસ્તરી રહી છે અને એમાંય ઉત્તર ભારતના જંગલોમાં તો એ વન્ય સૃષ્ટિ માટે પડકારજનક બની ગઈ છે.’ સરદારે કહ્યું. ‘એમ?’ બાપુએ એકાક્ષરી જવાબ આપ્યો. ‘હા બાપુ. દેખાવમાં સુંદર હોવાને કારણે આ છોડની હવે શહેરોમાં પણ ભારે બોલબાલા છે. પરંતુ આ છોડની સૌથી મોટી મર્યાદા એ છે કે આ છોડ જરા અમસ્તી આગ પણ ઝડપથી પકડી શકે છે અને થોડા જ સમયમાં ભડભડ કરીને બળી શકે છે. આવા સમયે શહેરોમાં તો ઠીક, પરંતુ જંગલોમાં જ્યાં આ વનસ્પતી મોટાપાયે વિસ્તરી છે ત્યાં દાવાનળ ફેલાવવામાં અને અન્ય વન્યસૃષ્ટિને નુકસાન પહોંચાડવામાં આ વનસ્પતી માધ્યમ બની શકે છે.’ ‘ઓહ. આ તો ચિંતાજનક કહેવાય.’ બાપુએ કહ્યું. ‘એટલે જ તો કહું છું બાપુ, કે ભલે આ વનસ્પતીના વત્તાઓછા લાભ હોય, પરંતુ મોટેભાગે તો આ વનસ્પતી નુકસાન જ પહોંચાડે છે અને એ નોન-નેટિવ છે એટલે કોઈ પણ સંજોગમાં આ વનસ્પતીને પ્રોત્સાહન આપી શકાય નહીં.’ સરદારે વધુ વિગત આપતા કહ્યું, ‘બોટનીના સંશોધકો સુદ્ધાં કહી રહ્યા છે કે આ વનસ્પતીએ જંગલોમાં કુદરતી રીતે ઉગતા ઘાસને અત્યંત મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. જંગલોમાં થતું એ ઘાસ વન્યજીવો અને વનની ઈકો સિસ્ટમ માટે અત્યંત જરૂરી છે, પરંતુ નફ્ફટની જેમ આગળ વધતા લૈંટાના કૈમરા ઘાસની જગ્યા પર અતિક્રમણ કરે છે. અને એ વનસ્પતી મૂળે તો એવી વિચિત્ર છે કે એની આસપાસ પ્રાણીઓ રહેવાનું પણ પસંદ નથી કરતા. આ કારણે લૈંટાના કૈમરાથી બાયોડાયવર્સિટી પર અત્યંત ગંભીર અસરો થઈ છે.’ ‘તો પછી સરકારો અને પર્યાવરણ માટે કામ કરનારા સંગઠનો કરી શું રહ્યા છે? શું તેમને આ બાબતે કોઈ ચિંતા નથી?’ બાપુએ ઊભરો ઠાલવ્યો. ‘સરકારો આ બાબતે કંઈક અંશે જાગૃત છે. ઉત્તર ભારતના, ખાસ કરીને હિમલયના જંગલોમાં આ માટે પગલાં પણ લેવાઈ રહ્યા છે. પરંતુ તકલીફ એ થઈ છે કે જેમ દરેક મુદ્દા અને બાબતો માટે એક ચોક્કસ વર્ગ વકીલાત કરવા નીકળી પડે છે એમ લૈંટાના કૈમરાના હિમાયતીઓ પણ ઓછા નથી. આ લોકો એવી દલીલ કરી રહ્યા છે કે અઢીસો-ત્રણસો વર્ષ પછી હવે આપણી જીવ સૃષ્ટિએ એ વનસ્પતી સાથે અનુકૂલન સાધી લીધું છે અને અનેક પ્રાણીઓ એ વનસ્પતી સાથે જીવતા શીખી ગયા છે.’ સરદારે કહ્યું. ‘અનેક પ્રાણીઓમાં બધા પ્રાણીઓ આવે ખરા?’ ગાંધીજીએ ચોકસાઈની આગવી આદતથી પૂછ્યું. સાથે જ બાપુ આશ્રમની દિશામાં પાછા ફર્યા. ‘ના. બધા જીવો તો ક્યાંથી લૈંટાના કૈમરા સાથે અનુકૂલન સાધે?’ ‘તો આ તો બહુ સરળ વાત થઈ. જેમાં બધાનું હીત ન સચવાતું હોય હોય એ વનસ્પતીની તે વળી શું હિમાયત કરવાની?’ બાપુએ કહ્યું. ‘બિલકૂલ ખરી વાત છે બાપુ. અને તમને વધુ આંચકાજનક વાત તો હવે કહીશ કે ઉત્તરભારતનાં જીમ કોર્બેટ અભ્યારણ્યમાં તો આ સત્યાનાશીએ કહેર મચાવ્યો છે. એક તર્ક તો એમ પણ કહી રહ્યો છે. આ લૈંટાના કૈમરા રાષ્ટ્રીય પ્રાણી વાધના અસ્તિત્વ સાથે પણ ચેડાં કરી રહ્યું છે. એ કારણે જ ત્યાંની સરકારો આ સત્યાનાશીને દૂર કરવા કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરિણામમાં કંઈક હકારાત્મક્તા દેખાતી નથી.’ સરદારે આ વાત કરી ત્યાં સુધીમાં બાપુ આશ્રમના દરવાજે આવી પહોંચ્યા હતા. ‘શું વાત કરો છો?’ બાપુએ કહ્યું. પણ આશ્રમ આવી ગયો હતો એટલે બાપુએ વાતને વિરામ આપવાનું વિચાર્યું. પણ સરદાર પાસે તેમણે બીજા દિવસની સવારની શેરનું વચન લીધુ કે આવતીકાલે સવારે ફરી સરદાર આવશે અને જીમ કોર્બેટ અને વાઘના અસ્તિત્વને લૈંટાના કૈમરાએ કઈ રીતે હાની પહોંચાડી છે એ વિશે તેઓ જાણશે. (ક્રમશઃ)

Join our Movement