ટ્રેકિંગ કે કેમ્પિંગને વનસ્નાન કહી શકાય?

‘આવો સરદાર આવો. હું તો તમારી જ રાહ જોતો હતો. તમે ફોરેસ્ટ બાથિંગ વિશે કહેલું ત્યારથી મારા મનમાં વન-સ્નાન વિશે વિચારો ચાલતા હતા. બહુ મજાની અને અત્યંત લાભપ્રદ બાબત છે આ.’ ગાંધીજીનો ગીતા પાઠનો સમય પૂરો જ થયો ત્યાં સરદાર ચોક્કસ સમયે તેમની પાસે પહોંચી ગયા. ‘સાચી વાત છે બાપુ. પરંતુ આજનો આ આધુનિક માણસ સમજે તોને? તેને તો બસ શહેરોમાં રહેવું છે અને પ્રકૃતિ સાથે કોઈ નાતો જ નથી રાખવો. બાકી, પ્રકૃતિ સાથે નાતો રાખવો એ તેના જ લાભમાં છે. એમાંય આ ફોરેસ્ટ બાથિંગ તો અત્યંત વ્યસ્ત અને આધુનિક જીવનશૈલી જીવતા માણસ માટે શારીરિક અને માનસીક રીતે અત્યંત મહત્ત્વનું છે.’ સરદારે બાપુને પ્રણામ કરતા કહ્યું. ‘આમ તો આજના યુવાનો હિમાલય તરફ ઘણા જાય છે અને ટ્રેકિંગ પણ કરતા થયા છે. તો એ પણ ફોરેસ્ટ બાથિંગ તો થયું જને?’ ગાંધીજીએ આજના યુવાનોના ટ્રેકિંગના શોખ અંતર્ગત કહ્યું. ‘ના ના બાપુ. એને તો ટ્રેકિંગ જ કહેવાય. ભલે પછી ઘટાટોપ જંગલમાં કેમ ટ્રેકિંગ કેમ ન થતું હોય…’ સરદાર પણ આજના યુવાનોની તમામ હરકતો અને ટ્રેન્ડ્સથી માહિતગાર હતા. ‘અચ્છા? તો જંગલમાં થયેલા ટ્રેકિંગ અને કેમ્પિંગ ફોરેસ્ટ બાથિંગથી જુદા કઈ રીતે પડે?’ ગાંધીજીએ ઉત્સુક્તા દાખવી. ‘કેમ્પિંગ અને ટ્રેકિંગમાં લોકો પોતાની સાથે અનેક બાબતો લઈને જાય છે. આ તો ઠીક એક ધ્યેય સુદ્ધાં લઈને જાય છે. પરંતુ વનસ્નાનમાં એવું કશું જ નથી. ટ્રેકિંગ અને કેમ્પિંગ બંનેમાં ટ્રેકર્સ પોતાના ખભે દુનિયાભરનો સામાન લાદીને નીકળતા હોય છે. કપડાં, બુટ્સ, ફૂડ પેકેટ્સ અને બીજીય કેટલીક બાબતો. અને પછી ટ્રેકિંગમાં તેઓ એક ધ્યેય નક્કી કરે કે રોજ આટલા કિલોમિટર ચાલવાનું છે કે અમુક સ્પોટ્સ સુધી સાયક્લિંગ કરવાનું છે હાઈકિંગ કરવાનું છે. કેમ્પિંગમાં પણ લોકો જંગલમાં જઈને ડેરા-તંબુ તાણીને બેસે અને પછી ત્યાં ખાવા-પીવાની મજા માણે….’ સરદારે કહ્યું. ‘બરાબર છે.’ ગાંધીજી સરદારના મુદ્દાને ઉંડાણપૂર્વક સમજવા માગતા હતા. ‘હું એમ નથી કહેતો કે જંગલોમાં ટ્રેકિંગ કે કેમ્પિંગ એ અયોગ્ય છે. એનાથી પણ માણસ પર હકારાત્મક અસરો તો થાય જ. પરંતુ ટ્રેકિંગ- કેમ્પિંગમાં એક બાબત તો ખરી જ કે લોકોએ જંગલમાં ઘર લઈને જવું પડે. એ ઉપરાંત તેઓ મિત્રો સાથે ગપ્પાં મારવામાં કે ટ્રેકિંગના પોતાના લક્ષ્યોને પામવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ જંગલની મૂળ મજા તો માણવાનું જ ચૂકી જાય છે. જંગલમાં હોવા છતાં તેઓ મિત્રો સાથે મશગૂલ થઈ જતા હોય છે અને તેમની સાથે આનંદ માણતા હોય છે. છોગામાં તેઓ જંગલોમાં કચરો કરે એ વધારાનો.’ સરદાર એક શ્વાસે બોલી ગયા. સહેજ અટકીને તેમણે ફરી કહ્યું, ‘પરંતુ વન સ્નાનનો કન્સેપ્ટ જુદો છે. વનસ્નાનમાં મિત્રો કે સ્વજનોની સાથે નહીં, પરંતુ માત્ર ને માત્ર જંગલની સાથે આનંદ માણવાની વાત છે. વનસ્નાનમાં પાણી સિવાય સાથે કશું જ લઈને જવાનું નથી. મોબાઈલ સુદ્ધાં નહીં. અરે વસ્તુઓ તો ઠીક, વનસ્નાનમાં માણસે પોતાના મનમાં કોઈ ધ્યેય અથવા વિચાર પણ લઈને જવાનું નથી. માણસે શૂન્ય થઈને વનમાં જવાનું છે અને પ્રકૃતિના સહવાસમાં રહીને તરબતર થઈને પાછા આવવાનું છે. ત્યાં શાંત ચિત્તે બેસવાનું કે ચાલવાનું છે ત્યાંના માહોલને, ત્યાંની પ્રકૃતિને કે ત્યાંની હકારાત્મક્તાને પોતાની અંદર ભરવાની છે. વિચારશૂન્ય થઈ, મનની બધીય ચિંતાઓ કે આયોજનોને ખંખેરીને પોતાની અંદર ઊર્જા ભરવાની છે. પરંતુ કમનીસીબી એ છે કે માણસ મોબાઈલનો કે પોતાના વિચારોનો એટલો બધો ગુલામ થઈ ગયો છે કે તે અડધો કલાક શૂન્યવત્ થઈને બેસી સુદ્ધાં નથી શકતો. બાકી, જો વનસ્નાનની આદત કેળવવામાં આવે તો આજના માણસે ક્યારેય અમુક ગોળીઓ ગળવી ન પડે એ વિજ્ઞાને સિદ્ધ કરીને આપ્યું છે.’ ‘એમ?’ ગાંધીજીએ કહ્યું. ‘હા. બાપુ આપણે તો આજે વનસ્નાનના શારીરિક-માનસિક, સામાજિક કે અધ્યાત્મિક ફાયદા વિશે જ જાણવાના હતા. પરંતુ હવે તમારો સમય થયો હશે એટલે આપણે ફરી મળીએ ત્યારે હું વનસ્નાનના ફાયદાઓ વિશે જણાવીશ. જે ફાયદા વિશે બીજું કોઈ નહીં, પરંતુ વિજ્ઞાન અને જગતભરના શ્રેષ્ઠ ડૉક્ટર્સ કહી રહ્યા છે.’ ‘હમમમ’ ગાંધીજીનો સમય થઈ ગયો એટલે તેઓ કામમાં પરોવાયા. સરદારને ખબર હતી કે બાપુ તેમના સમય પાલન બાબતે કેટલા કડક હતા એટલે તેમણે બાપુની રજા માગી અને તેઓ પણ પોતાના કામે વળગવા નીકળી ગયા.

Join our Movement