પ્રકરણ બે | ડાયરી ઓફ અ ગ્રીનમેન

લૉકડાઉનનો આ પીરિયડ થોડો પડકારજનક જરૂર છે, પરંતુ સાથે જ આ સમય ક્રિએટીવિટીને નીખારવાનો પણ સમય છે. અને નોસ્ટાલજિયાને માણવાનો સમય તો ખરો જ! હું આ સમયનો ક્વોલિટી યુઝ ગાર્ડનિંગ, પ્રાણાયામ, રીડિંગ અને મારી દીકરી જિયા સાથે ક્રાફ્ટિંગમાં કરું છું. અને ઘણો બધો સમય મારા ભૂતકાળને, અનેક યાદોને મમળાવવામાં પણ વીતાવું છું, જેથી વીતેલા સમય પર પાણી છાંટીને તેને ફરી જીવંત કરી શકાય અને જીવાઈ ગયેલા સમયની સુગંધ માણી શકાય! ઘણીય વાર મારી આંખો સમક્ષ એક દૃશ્ય દેખાય છે કે એક હીંચકા પર હું બેઠો છું અને મારી બાજુમાં બેઠેલું કોઈક રહી રહીને મારા ખભે અને માથે હાથ ફેરવી રહ્યું છે. એ કોઈ એટલે બીજું કોઈ નહીં, પરંતુ મારા ડેડી જ. મિસ્ટર સુધીર દેસાઈ, જેમણે મને જીવનમાં એક જ મંત્ર આપ્યો છે. અને એ મંત્ર છે, પ્રામાણિક્તા અને ધગશ! ડેડીનું એક વાક્ય હંમેશાં મારા કાનમાં ગૂંજે છે, ‘દીકરા, સફળતા ક્યારેય મળતી નથી, એ તો મેળવવી પડે છે. અથાક પ્રયત્નોથી… અત્યંત મહેનતથી… મારા ડેડી સાથેનો મારો નાતો અત્યંત યુનિક હતો. એ ખરા અર્થમાં મારા બેસ્ટ ફ્રેન્ડ હતા, જેમની સાથે હું દરેક વાત ડિસ્કસ કરતો. દરેક એટલે દરેક વાત… મારા પર કોઈ છોકરી ફીદા હોય એ વિશે પણ અને મને કોઈક ક્રેઝી આઈડિયા આવે તો એ વિશે પણ… મારે મૉડેલિંગમાં કરિયર બનાવવું છે એ પણ સૌથી પહેલાં મેં મારા ડેડી સાથે જ ડિસ્ક્સ કરેલું. અને મને યાદ છે કે ડેડીએ ત્યારે કહેલું કે, તને તારી જાતમાં શ્રદ્ધ હોય તો કર જ! જોકે ડેડીએ ત્યારે એ વાત પણ કહેલી કે લાઈફમાં કપરી સ્થિતિ આવે તો મીઠું અને રોટલો ખાઈને ચલાવી લેવું, પરંતુ કોઈનું શોષણ તો સહન નહીં જ કરવું! ડેડીના એ શબ્દો જ કદાચ મૉડેલિંગમાંથી બહાર નીકળા માટેનો મુખ્ય ફોર્સ બની રહ્યા હશે. કેમ? તો એની વાર્તા જરા વિગતે કહું. નાઈન્ટીઝમાં જ્યારે હું મૉડેલિંગ કરતો ત્યારે વિવિધ અસાઈન્મેટ્સની ફીઝ લેતો. સુરત જેવા નાના શહેરમાં ત્યારે મૉડેલિંગમાં પૈસા કમાવવું એ નાની વાત નહોતી. મને યાદ આવે છે કે એ સમયે બૉલિવુડ સ્ટાર ફ્રેડી દારૂવાલાએ પણ મૉડેલિંગની શરૂઆત જ કરેલી, જેઓ આજે બૉલિવુડમાં પોતાની એક ચોક્કસ જગ્યા બનાવી શક્યા છે. આ એ દિવસો હતા, જ્યારે નાના શહેરોના બેકગ્રાઉન્ડમાંથી આવતા મારા જેવા યંગસ્ટર્સે ફેશન ઈન્ડસ્ટ્રીમાં અત્યંત સ્ટ્રગલ કરવી પડતી. જોકે તોય મને ત્યારે સારી કહી શકાય એવી તકો મળેલી અને મેં નોમિનલ ફીઝમાં મુંબઈમાં કેટલાક અસાઈન્મેન્ટ્સ પણ કર્યા હતા. એ સિવાય પણ મને મુંબઈથી પણ ઘણી ઑફર્સ આવવા માંડી હતી અને એક પૉપ્યુલર ઈન્ડિપોપ બૅન્ડે તો તેમના મ્યુઝિક વીડિયોમાં મને સાઈન કરવાની પૂરેપૂરી તૈયારી સુદ્ધાં કરી રાખી હતી. ગ્લેમર વર્લ્ડમાં જે રીતે મને તકો મળી રહી હતી એ હિસાબે તો મને એમ જ હતું કે હું હવે આ જ ક્ષેત્રમાં કામ કરીશ અને ટોચ પર પહોંચીશ. પરંતુ જ્યારે તમારી ડેસ્ટીની સાવ જુદા કામ માટે તમને લઈ જવાની હોય છે ત્યારે તમે ભલે લાખ પ્રયત્ન કરો, પરંતુ તમે તમારું ધાર્યું નથી જ કરી શકવાના… મારી સાથે પણ કદાચ એ જ થઈ રહ્યું હતું કારણ કે એક તરફ મને સુરત – મુંબઈમાં કામ કરવાની ઘણી ઑફર્સ મળી રહી હતી અને બીજી તરફ મેં મારા પોસ્ટગ્રેજ્યુએશનની તૈયારીઓમાં મારું ધ્યાન પરોવ્યું અને અનાયાસે હું એ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારીઓમાં જોતરાઈ ગયો. વળી, એ સમયે મારું મન પણ મને રહી રહીને કહી રહ્યું હતું કે તારે ફ્લેશલાઈટ્સ કે સ્પોટ લાઈટ્સના તાપમાં નહીં, પરંતુ તારે શીતળતામાં રહેવાનું છે! પરંતુ ત્યારે ક્યાં ખબર હતી કે મારું નસીબ મને વૃક્ષોનાં છાંયડાની શીતળતા તરફ મને દોરી રહ્યું છે ! ત્યારે તો બધું અનાયાસે જ થઈ રહ્યું હતું અને હું એ ફ્લોમાં વહી રહ્યો હતો, જે ફ્લોમાં મને મારી માન્યતાઓ લઈ જઈ રહી હતી. એ ફ્લોને કારણે જ હું મૉડેલિંગની દુનિયાથી અચાનક દૂર થઈ ગયો અને ટેક્સટાઈલ અને એનવાર્યમેન્ટની દુનિયામાં આવી ગયો. અલબત્ત, એ દુનિયામાં મારો પ્રવેશ કઈ રીતે થયો એ વિશેની પણ એક થ્રિલર સ્ટોરી છે. એ વાતો પણ અહીં શેર કરીશ જ…

Join our Movement