પ્રકરણ પાંચ | ડાયરી ઓફ અ ગ્રીનમેન

મારી સ્મરણકથાના પાંચમા પ્રકરણની શરૂઆત હું મારા બાળપણના એક કિસ્સાથી કરીશ. કારણ કે હું એવું માનું છું કે એ કિસ્સાએ મારા જીવન અને મારી માન્યતાઓ પર ઘણી ઊંડી અસરો કરી છે. હું લગભગ દસેક વર્ષનો હોઈશ ત્યારની આ વાત છે. એક દિવસ અમારા ઘરના રેફ્રિજટરેટર પાસે સહેજ પાણી ઢોળાયું હતું, જેની અમને કોઈને ખબર નહોતી. અમને સૌને ખબર તો ત્યારે પડી જ્યારે મારા ડેડીનો પગ એ પાણીમાં સ્લીપ થઈ ગયો અને ડેડી અચાનક ફસડાઈ પડ્યા. દેખીતી રીતે નાનકડો લાગો એવો આ અકસ્માત અમારા આખા પરિવાર માટે દાયકાઓની મુશ્કેલી અને ડેડી માટે અપાર પીડાની ભેટ આપી ગયો. કારણ કે એ અકસ્માત પછી ડેડીને સ્લિપ ડિસ્ક થયું, જેને કારણે થોડા થોડા સમયે ડેડીને પીઠમાં અત્યંત દર્દ થતું. ક્યારેક તો પેઈન એ હદે ડેડીને પરેશાન કરતું કે ડેડીથી દિવસો સુધી ઑફિસ પણ નહોતું જવાતું. જોકે જેમ મેં અગાઉના ચેપ્ટર્સમાં આલેખ્યું છે એમ મારા ડેડી એટલે ભારોભાર પોઝિટિવ પર્સનાલિટી અને તેઓ જીવનની કોઈ પણ સ્થિતિમાં હાર ન માને એવા. એટલે આજીવન તેઓ જ અમારા પરિવારની સ્ટ્રેન્થ રહ્યા અને લાઈફમાં સતત નવું નવું ટ્રાય કરવા અમને મોટિવેટ કરતા રહ્યા. પરંતુ એ અકસ્માત બાદ ડેડીના પોતાના જીવનમાં કેટલાક લિમિટેશન્સ જરૂર આવી ગયા હતા. ચીસો પાડી ઊઠે એવું પેઈન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે માણસ પાસે બેડરેસ્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહે. એટલે એ પણ એટલું જ સ્વાભાવિક છે કે પછી ડેડીથી ઘરની બહારના કામો ન થાય. બહારના કેટલાક કામો તો એવા હોય કે ત્યાં પુરૂષ જ માથાફોડી કરી શકે, પરંતુ ડેડી સરખી રીતે ચાલી કે બેસી ન શકાતું હોય એવા કપરા સંજોગો હોય ત્યાં તેઓ એ બધી પળોજણો ક્યાં કરે? સરવાળે થતું એ કે મમ્મીએ એ બધા કામો આટોપવા માટે બહાર દોડાદોડ કરવી પડે. એક તો આમેય મમ્મી ઘરના અને પપ્પાની દવા તેમજ તેમની સંભાળ રાખવાના કામોમાં નીચોવાઈ જતી હતી. જોકે ડેડીએ જ એ તાલીમ આપેલી કે લાઈફમાં રડવા કરતા પડકારો સામે લડવાનું વધુ મહત્ત્વનું હોય છે. મમ્મીને આ રીતે નીચોવાઈ જતી જોઈને મેં મનમાંને મનમાં ગાંઠ બાંધેલી કે હું પોતે ઑલવેઝ સિન્સિયર રહીશ અને મારા તરફથી મમ્મી માટે કોઈ ફરિયાદ નથી આવવા દઉં કે જેથી તેના કામમાં વધારો થાય. બીજી તરફ મારો ભાઈ કુણાલ પણ મારાથી પાંચ વર્ષ નાનો હતો એટલે નાદાન હોવાને કારણે એ ઘણું બધુ નહોતો સમજી શકતો, જે હું મમ્મી- ડેડીની સ્થિતિ જોઈને સમજી શકતો હતો. એ કારણે મારા ભાઈ બાબતે હું આપોઆપ ઑવર પ્રોટેક્ટિવ થઈ ગયો અને જાણે હું જ તેનો ડેડી હોઉં એમ તેની નાનામાં નાની વાતનું ધ્યાન રાખવા માંડ્યો, જેથી ડેડી કે મમ્મી પર કુણાલને સાચવવાની જવાબદારી ઓછી આવે અને તેઓ એટલી જવાબદારીમાંથી ફ્રી રહી શકે. એ સિવાય ઘરના કે ઘરની બહારના કેટલાક કામો પણ મેં સ્વીકારી લીધા હતા, જેથી ડેડી અને મમ્મીનો લોડ ઓછો થઈ શકે. મારી દસ વર્ષની ઉંમરે પપ્પાના અકસ્માતને આમ તો પપ્પાને અપાર પીડાની જ ભેટ આપી છે, પરંતુ આજે હું પાછળ ફરીને જોઉં છું તો મને ખ્યાલ આવે છે કે એ અકસ્માતે અમને ચાર જણાને બેસ્ટ ફેમિલી લાઈફ જીવવાની પણ તક આપી. કારણ કે એ ઘટના પછી ડેડી દુઃખી ન થાય એ અમારા સૌનું લક્ષ્ય બની ગયું હતું અને એ કારણે મારા- મમ્મી અને કુણાલ વચ્ચે જબરદસ્ત અન્ડરસ્ટેન્ડિંગ બની ગયું હતું. ડેડીના એ એક્સિડન્ટે મને મેચ્યોર અને ધીરજવાન પણ ઘણો બનાવ્યો હતો કારણ કે ત્યાર પછી મેં મારું દરેક કામ અત્યંત મેચ્યોરિટી અને ધીરજથી કર્યું હતું. કેમ? તોકે એક તો મારે મમ્મીના કામનો ભાર હળવો કરવો હતો અને કુણાલનું સખત ધ્યાન રાખવું હતું. અને બીજું એ કે મારે મારા બેહૂદા વર્તન કે ધમાલ-મસ્તીને મમ્મી કે ડેડીને વધુ પરેશાન નહોતા કરવા. આ મેચ્યોરિટી અને ધીરજ મને આજીવન અત્યંત ખપમાં આવ્યાં છે. એક બિઝનેસમેન કે સોશિયલ વર્કર તરીકે મારે જ્યારે જ્યારે અમુક આંટીઘૂંટીઓનો સામનો કરવાનો આવ્યો છે જે જ્યારે જ્યારે મારી ટીમના લોકોને કોઈ કામ અશક્ય લાગ્યું છે ત્યારે મેં ધીરજ અને મેચ્યોરિટીથી જ દરેક પગલું ભર્યું છે અને ભગવાન કૃષ્ણની મહેરબાનીથી મને અશક્ય લાગતા નિર્ણયોમાં સફળતા પણ મળી છે. ડેડીના એ અકસ્માતે મારામાં સંવેદના અને પ્રેમનું પણ સીંચન કર્યું છે. નાનપણથી મને એક બાબત સજ્જડ સમજાઈ ગઈ છે કે જીવનમાં પરિવાર અને પ્રેમનું અત્યંત મહત્ત્વ છે. કદાચ એટલે જ આજે પણ હું કોઈને મળું છું કે કોઈકની મારી સાથે ઓળખાણ થાય છે તો મને મળનાર વ્યક્તિ દોસ્ત કે ઓળખાણ નહીં, પરંતુ મારા એક્સ્ટેન્ડેડ ફેમિલીનો ભાગ બની જાય છે. એટલે જ તો લાઈફમાં મારા દોસ્તોની સંખ્યા ઘણી ઓછી છે! એક બિઝનેસમેન તરીકે મેં ક્યારેય કેલ્ક્યુલેટિવ વેમાં બિઝનેસ નથી કર્યો. મેં બિઝનેસમાં પણ સંવેદના અને પ્રેમને પ્રાયોરિટી આપી છે. કારણ કે જે બિઝનેસમાં માત્ર પૈસો જ કમાવાનો હોય તો મારે એ બિઝનેસ ક્યારેય નહોતો કરવો. જે બેલેન્સસીટમાં માત્ર આંકડાઓ આઘાપાછા થાય એ બેલેન્સસીટ મારે માટે ક્યારેય કોઈ કામની નથી રહી. મારે માટે બિઝનેસ એટલે સોસાયટીમાં એક એવું રોટેશન ઊભુ કરવું, જે રોટેશનમાં પ્રેમ અને એકબીજાની સાથેનો સહકાર અને એકબીજા માટેની હૂંફ પણ રોટેટ થતી હોય. ઍની વે, આજના પ્રકરણમાં મારે ડેડીના ઍક્સિડન્ટ અને એ ઍક્સિડન્ટને કારણે અમારા જીવનમાં કે અમારા ઘડતરમાં આવેલા બદલાવ વિશેની જ વાતો કરવી હતી. હું એમ નથી કહેતો કે માત્ર ડેડીના એ ઍક્સિડન્ટને કારણે જ મારામાં મેચ્યોરિટી કે ધીરજ આવી હોય. પરંતુ હા, એ અકસ્માતનો મારામાં આ બે વેલ્યુઝ ક્રિએટ કરવાનો ઘણો મોટો ફાળો હતો, જે બે વેલ્યુઝ જીવન, બિઝનેસ અને એન્વાયર્મેન્ટનાં મારા કામમાં મને હંમેશાં ખપમાં આવી છે.

Join our Movement