શહેરોમાંથી કોનોકાર્પસ દૂર થાય એમાં ખોટું નથી

કોનાકાર્પસને લઈને ગાંધીજીને ચિંતા હતી. સરદારે તેમને કહ્યું હતું કે કોનોકાર્પસને લઈને બે વર્ગો છે અને એ બંને વર્ગો અત્યંત વિરુદ્ધ છેડાની વાત કરી રહ્યા છે. કોનોકાર્પસનો સમર્થક વર્ગ કહે છે કે કોનોકાર્પસ જરાય નુકસાનકારક નથી અને તે ઝડપથી વધે છે એટલે શહેરોનો ગ્રીન બેલ્ટ પણ ઝડપથી વધે છે. વળી તે વાડ કે ફેન્સિંગ કરવામાં પણ અત્યંત ઉપયોગી છે. તો બીજો વર્ગ કોર્ટ સુધી પહોંચી ગયો અને ત્યાં દલીલ કરી રહ્યો છે કે કોનોકાર્પસ એ નેટિવ સ્પિસિસનું વૃક્ષ નથી, વળી તેનાથી અસ્થમા, ખરજવું કે અન્ય શ્વાસોશ્વાસની બીમારી સુદ્ધા થઈ શકે એવી શક્યતાઓ છે. તો તાત્કાલિક અસરથી તેને દૂર કરવામાં આવે. આ બાબતને લઈને ગાંધીજીએ સરદારને ફરી તેમને મળવા બોલાવ્યા હતા. કે આખરે આ કોનોકાર્પસની માથાકૂટ છે શું? અને તે ખરેખર હાનિકારક છે કે નહીં? સરદારના આવતા જ ગાંધીજી ચપ્પલ પહેરીને તૈયાર થઈ ગયા અને તેઓ સાબરમતીને કિનારે ચાલવા ગયા. ‘સરદાર, તમે કહ્યું એમ કોનોકાર્પસ નેટિવ સ્પિસિસનું વૃક્ષ નથી એટલે આપણી ઈકો સિસ્ટમ અને બાયોડાવર્સિટીમાં તેનું ઝાઝું મહત્ત્વ નથી. પરંતુ જે લોકો એમ કહી રહ્યા છે કે કોનોકાર્પસ કામના નથી એમની દલીલ શું છે અને તેમણે પગલાં શું ભર્યા?’ ગાંધીજીએ કહ્યું. ‘બાપુ, જે લોકો કોનોકાર્પસનો વિરોધ કરી રહ્યા છે એ લોકો દાવો કરી રહ્યા છે કે કોનોકાર્પસ જમીનને અત્યંત મોટાપાયે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ છોડ જમીનની ફળદ્રુપતાનો નાશ કરે છે. તો આ છોડ જમીનમાંથી વધુ પ્રમાણમાં પાણી પણ શોષે છે, જેને કારણે આજુબાજુના નેટિવ સ્પિસિસના વૃક્ષોનો વિકાસ રૂંધાઈ જાય છે.’ સરદાર સહેજ અટક્યા. ‘એ કારણે જ જેઓ કોનોકાર્પસનો વિરોધ કરી રહ્યા છે તેઓ તો ત્યાં સુધી દાવો કરી રહ્યા છે કે અત્યંત વધુ પ્રમાણમાં ઠેર ઠેર રોપાઈ રહેલા આ કોનોકાર્પસ નજીકના ભવિષ્યમાં ગ્રાઉન્ડ વોટરની ક્રાયસિસ ઊભી કરશે!’ સરદારે કહ્યું. ‘એમ? જો ખરેખર એવું હોય તો તો અત્યંત ચિંતાજનક કહેવાય.’ ગાંધીજીએ ચિંતા વ્યક્ત કરી. ‘હા. જોકે ગ્રાઉન્ડ વોટર ક્રાયસિસ કોનોકાર્પસથી ઊભી થશે કે નહીં થાય એ તો સંશોધનનો વિષય છે. પરંતુ મારું અંગત મંતવ્ય તો એ જ છે કે કોનોકાર્પસના વાવેતર બાબતે અતિ જરૂર થઈ રહી છે. આ કારણે આ વૃક્ષ નેટિવ સ્પિસિસના વૃક્ષોની જગ્યા મોટાપાયે ખાઈ જાય છે. કોનોકાર્પસને કારણે નેટિવ સ્પિસિસ જેટલા ઓછા રોપાશે એટલી ઘેરી અસર ઈકો સિસ્ટમ પર પડશે એ વાત તો નક્કી જ છે.’ સરદાર સહેજ અટક્યા. ‘કોનોકાર્પસના વિરોધીઓ એક મહત્ત્વની દલીલ એમ પણ કરી રહ્યા છે કે કોનોકાર્પસને કારણે શહેરોના પક્ષીઓને માઠી અસરો થાય છે.’ ‘શહેરોના પક્ષીઓને માઠી અસરો કઈ રીતે થાય છે?’ ગાંધીજીએ પૂછ્યું. ‘એ લોકોની દલીલ છે કે શહેરોમાં એક તો આડેધડ, કોઈ પણ પ્રકારના વિચાર વિના કોનોકાર્પસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કોનોકાર્પસ પર બેસતા ફળો પક્ષીઓ સુંઘતા પણ નથી. હવે જો કોનોકાર્પસ જ જ્યાં ને ત્યાં રોપવામાં આવશે તો શહેરોમાં વસી શકતા પંખીઓ ખાશે શું? તેમનો કુદરતી ખોરાક તો રહેતો જ નથી! આ કારણે થઈ એ રહ્યું છે કે એક તો આમેય શહેરોમાં પક્ષીઓ ઓછા છે એમાં વળી કોનોકાર્પસને કારણે પક્ષીઓનો કુદરતી ખોરાક અલભ્ય થઈ રહ્યો છે, જેને કારણે શહેરના પક્ષીઓ માઈગ્રેટ થઈ રહ્યા છે. જે પક્ષીઓ માઈગ્રેશન માટે સર્જાયા જ નથી એ પક્ષીઓએ જો માઈગ્રેશન કરવું પડે તો એની સીધી અસર પક્ષીઓના અસ્તિત્વ પર ઊભી થાય છે.’ ‘વાતમાં તર્ક તો છે. પક્ષીઓએ તેમના કુદરતી ખોરાક માટે સંઘર્ષ કરવો પડે તો સ્વાભાવિક જ તેઓ વિનાશના આરે આવીને ઊભા રહે.’ ગાંધીજીએ કહ્યું. ‘અરે બાપુ, આવા અનેક કારણોને લીધે જે લોકો કોનોકાર્પસને ધિક્કારી રહ્યા છે તેઓ કોર્ટ સુધી પહોંચ્યા છે, જેને કારણે દિલ્હીથી લઈ પાકિસ્તાનના લાહોર સુધીના અનેક શહેરોમાં એવું બન્યું છે કે ત્યાંના તંત્રએ મોટાપાયે કોનોકાર્પસ હટાવી દીધા છે અને તેમની જગ્યાએ નેટિવ સ્પિસિસના વૃક્ષો રોપવાનું શરૂ કર્યું છે.’ ‘અરે અરે. આમ તો કોનોકાર્પસને હટાવીને નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર થાય એમાં કશું ખોટું નથી. કેમ?’ ગાંધીજીએ કહ્યું. ‘હા, જરાય ખોટું નથી. કોનોકાર્પસ હાનીકારક છે કે નહીં એ ચર્ચા તો બહુ પછી આવે. સૌથી પહેલો મુદ્દો એ જ છે કે કોનોકાર્પસ નેટિવ સ્પિસિસ નથી એટલે તેનું આપણી ઈકો સિસ્ટમમાં લગભગ નહીંવત યોગદાન છે. અને એ દલીલને આધારે પણ જો શહેરોમાંથી કોનોકાર્પસ દૂર કરાય છે તો એમાં કશું ખોટું નથી.’ સરદારે કહ્યું.

Join our Movement