એક અન્ય વિવાદાસ્પદ વૃક્ષ એટલે સપ્તપર્ણી

એક સવારે ગાંધીજી અને સરદાર તેમની રાબેતા મુજબની શેર કરવા ગયેલા ત્યારે બાપુએ એકાએક પ્રશ્ન કર્યો. ‘સરદાર, તમે કોનોકાર્પસના વિવાદ વિશે તો કહ્યું. પરંતુ કોનોકાર્પસ સીવાય એવા કોઈ વૃક્ષો છે? જેમને લઈને બે વિરુદ્ધ છેડાના મત હોય? અને લોકો કે તજજ્ઞો એ વૃક્ષને લઈને આમને સામને થઈ ગયા હોય?’ ‘હા છેને બાપુ. જેમ કોનોકાર્પસે પશ્ચિમ એશિયાના દેશોના શહેરોના લોકોને બે ભાગમાં વહેંચી દીધા છે એમ શહેરનું એક બીજું વૃક્ષ છે સપ્તપર્ણી, જેને લઈને લોકોમાં પાર વિનાની સામસામી દલીલો થઈ રહી છે.’ સરદારે કહ્યું. ‘એમ ? સપ્તપર્ણી? એટલે જે વૃક્ષ પર સાત પાંદડાના ઝૂમખા બેસતા હોય એ?’ બાપુએ વૃક્ષનું નામ સપ્તપર્ણી નામ શું કામ પડ્યું હશે એ વિશે તાગ મેળવ્યો. ‘હા. બિલકુલ એમ જ બાપુ. ગુજરાતી અને હિન્દીમાં તેને સપ્તપર્ણી કહેવાય છે. તો અંગ્રેજીમાં તેને ‘ડેવિલ્સ ટ્રી’ પણ કહેવાય છે!’ ‘શું વાત કરો છો… ડેવિલ્સ ટ્રી? કેમ એક વૃક્ષનું આવું નામ પડ્યું?’ ગાંધીજીએ પૂછ્યું. ‘સપ્તપર્ણીનું નામ ‘ડેવિલ્સ ટ્રી’ કેમ પડ્યું એ સંદર્ભની કોઈ લોકકથા કે મિથ હોય એવું તો કંઈ ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ મારું માનવું છે કે રાત્રિના સમયે તેની અત્યંત તેજ અને ક્યારેક તો અકળામણ કરાવી દે એવી ગંધને કારણે તેનું નામ ડેવિલ્સ ટ્રી પડ્યું હશે. કારણ કે ડેવિલ્સનો નાતો રાત સાથે હોય છે અને સપ્તપર્ણી રાત્રે જ તેનું પોત પ્રકાશે છે! વળી, એમ પણ બનવાજોગ છે કે સપ્તપર્ણીના કેટલાક ગેરલાભો – જે પુરવાર થયા છે- એને કારણે પણ લોકોએ તેનું નામ ડેવિલ્સ ટ્રી નામ રાખ્યું હશે….’ સરદારે તળની માહિતી આપી. ‘વાહ સરદાર. તમે તો હવે બોટનીના પણ જાણકાર થઈ ગયા લાગો છો. તમારા તો તર્કમાં પણ તથ્ય જણાય એવી તમે વાત કરી દીધી.’ બાપુને સરદારે આપેલી જાણકારીથી બહુ આનંદ થયો. ‘હા બાપુ. એનું કારણ એ છે કે આ સપ્તપર્ણીને લઈને આજકાલ આપણા દેશના શહેરોમાં ધમસાણ મચ્યું છે. એક તરફ દેશભરના શહેરી તંત્રો શહેરભરમાં ચાળીથી પચાસ ટકા જેટલું વાવેતર સપ્તપર્ણીનું જ કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરોમાં વસતો એક વર્ગ સપ્તપર્ણીનો છડેચોક વિરોધ કરી રહ્યો છે કે જ્યાં માનવવસ્તી વધુ હોય એવા વિસ્તારોમાં સપ્તપર્ણી રોપવાનું ટાળો.’ ‘તો શું શહેરોના તંત્રો લોકોની આ દલીલોને સ્વીકારી રહ્યા છે?’ ગાંધીજીને વાતમાં રસ પડ્યો. ‘ના. અંગ્રેજોના સમયથી આપણે ત્યાં તો આ પ્રણાલી છે. તંત્રો કંઈ લોકોની દલીલો સાંભળે? એ તો એમ જ કરે જે તેમણે કરવું હોય… અને એય દેશભરના શહેરોમાં અને હવે તો શહેરોમાં શું, હાઈવેઝ પર પણ કિનારે કિનારે ક્યાં તો કોનોકાર્પસ દેખાય છે અથવા તો સપ્તપર્ણી દેખાય છે.’ ‘અરે અરે… પણ લોકો શું કામ સપ્તપર્ણીને કાઢવાની વાત કરી રહ્યા છે? તેઓ કારણો શું આપી રહ્યા છે?’ બાપુએ કહ્યું. ‘લોકોનું સૌથી મોટું કારણ તો એ જ રાતથી લઈ વહેલી સવાર સુધી આ વૃક્ષની અત્યંત તીવ્ર અને અકળાવનારી ગંધ આવતી હોય છે. વળી, એમાંય શહેરોમાં સપ્તપર્ણી અત્યંત મોટા પ્રમાણમાં છે. એટલે સ્વાભાવિક છે કે ગંધનું એ પ્રમાણ વધુ હોય. તો બીજું એક તારણ એ આવ્યું છે કે જે લોકોને શ્વાસની બીમારી હોય એમને આ સપ્તપર્ણી બેચેન કરી દે છે અને તેમની બીમારીમાં વધરો કરે છે. તો જેમની રોગપ્રતિકારક્તા ઓછી હોય એવા લોકોને શ્વાસની બીમારી ન હોય તોય સપ્તપર્ણી દમની બીમારીની ભેટ આપી શકે છે. વળી, સામાન્ય માણસને પણ દેખાય તેવી બાબત એ કે સપ્તપર્ણીના પાન પર આખું વર્ષ કંઈક ને કંઈક બીમારી રહે છે. જે બીમારી વિશે એમ કહેવાય છે કે મનુષ્યોને પણ ચામડીના રોગો કરી શકે છે.’ સરદારે સમજાવ્યું. ‘ઓહો… આ તો ગંભીર કહેવાય સરદાર.’ ‘હા. પરંતુ ઉપર જે વાતો કરી એમાં તો તર્કો અને માન્યતા પણ ખરી. પરંતુ એ સીવાય બીજી પણ અનેક વાતો છે જે સપ્તપર્ણી વિશેના સંશોધનોમાં પુરવાર થઈ છે.’ ‘એમ? મારે એ વાતો પણ જાણવી છે. આપણે આવતીકાલે સવારે ફરી મળીએ. મારે હવે નવજીવનનો અગ્રલેખ લખવાનો છે અને પત્રોના જવાબો આપવાના છે.’ સમયના અત્યંત પાબંદ ગાંધીજીએ અડધેથી વાત અટકાવી અને દિવસના બીજા કામોમાં વ્યસ્ત થઈ ગયા.

Join our Movement