જાહેર સ્થળના ફૂલો તોડવા એ નૈતીક કહેવાય ખરું?

એક સવારે ગાંધીજી અને સરદાર શહેરમાં લટાર મારી રહ્યા હતા. ચાલતા ચાલતા ગાંધીજીને એક વાતે હેરત થયું કે સવાર સવારમાં કેટલાક લોકો લાકડી લઈને શું કામ નીકળ્યા છે? આખાય વિસ્તારમાં ક્યાંય કૂતરાનો ત્રાસ નહોતો કે ન તો જે લોકો લાકડી લઈને નીકળ્યા હતા એ બધાને લાકડીના ટેકાની ખરેખર જરૂર હતી. એટલે બાપુએ સરદારને પૂછ્યું, ‘સરદાર, આ બધા લાકડી લઈને નીકળ્યા છે સવાર સવારમાં? શું એમને કોઈ વાતનો ભય છે?’ બાપુનો પ્રશ્ન સાંભળીને સરદાર ખડખડાટ હસી પડ્યા. ‘ના ના બાપુ. આ લોકોને કોઈનો ભય નથી. બલ્કે એમ કહી શકાય કે કોઈને આ લોકોથી ભય છે…’ ‘એમ? કોને એમનો ભય છે?’ બાપુએ પૂછ્યું. ‘આપણી પ્રકૃતિને…’ સરદાર હજુ હળવા મૂડમાં હતા. ‘એમ? આપણી પ્રકૃતિને તે વળી આ લોકોથી શો ભય?’ ‘ચાલો પહેલા તો હું આ લોકો કોણ છે એમનો પરિચય આપુ.’ સરદારે વિગતે વાત માંડી. ‘બાપુ, આ લોકો સવાર સવારમાં લાકડી લઈને એટલે નીકળ્યા છે કે એમને દેવસ્થાને ચઢાવવા માટે કે પછી અન્ય કોઈ પણ કામ માટે ફૂલો જોઈએ છે. અને ફૂલો કંઈ હાથવગા તો હોય નહીં! એટલે આ લોકો લાકડી લઈને નીકળે છે, જ્યાં ફૂલ નજરે ચઢે ત્યાં એ ફૂલોને લાકડીથી પીંખીને નીચે પાડે છે.’ ‘ઓહો ઓહો… તો આ બધા ફૂલો તોડવા લાકડી લઈને નીકળ્યા છે એમ? આ કેવો જમાનો આવ્યો સરદાર. હવે ફૂલોને પણ લાકડીનો ભય!’ બાપુને તો ફૂલો પ્રત્યે પણ કરુણા થઈ. ‘હા, એ વાત તો સાચી બાપુ. પરંતુ આ લોકો જ્યારે લાકડીઓથી ફૂલોને ઝૂડે છે ત્યારે ફૂલોની સાથે કેટલીક કૂમળી ડાળીઓ અને કૂંપળો પણ ખરી પડે છે. આ તો ઠીક તેઓ મોટા પ્રમાણમાં ફૂલોની તસ્કરી કરે છે એને કારણે ફૂલોનો રસ ચૂસીને કે ફૂલોની રજ અહીંથી તહીં પહોંચડતા જીવડા કે ભમરાનો ખોરાક પણ છીનવે છે. જેને કારણે પોલિનેશનની પ્રક્રિયાને અસર થાય છે.’ સરદારે તર્ક આપ્યો. ‘અચ્છા. આ તો તમારો વૈજ્ઞાનીક મુદ્દો થયો. પરંતુ સરદાર આ બાબતને હું ધાર્મિક દૃષ્ટિકોણથી પણ જોઉં છું.’ આ વખતે બાપુએ સરદારને તર્ક આપ્યો. ‘એમ? એ કઈ રીતે બાપુ?’ ‘તે એ રીતે કે જો તમે આ રીતે જાહેર સ્થળો પરથી ફૂલોને લાકડીએ ઝૂડીને લઈ જાઓ છો. વળી પાંચ ફૂલ તોડવામાં તમે બીજી અનેક કૂંપળો અને કૂમળી ડાળીઓને તોડી પાડો છો તો એ તો પ્રકૃતિ સાથેની હિંસા થઈ. તો શું ઈશ્વર હિંસાના માધ્યમથી મેળેવાયેલા ફૂલોનો સ્વીકાર કરે ખરો? અને જો સ્વીકારતો પણ હોય તો શું એ ભક્તિનું ફળ ફૂળ ચઢાવનારને મળતું હશે ખરું? મને તો લાગે છે કે એ ભક્તિનું ફળ ફૂલોના એ ઝાડને રોપનારને મળતું હશે. કારણ કે પૂણ્યનો ખરો હકદાર તો એ થયો, જેણે શહેરની જાહેર જગ્યાએ એ છોડ આવ્યો હશે!’ સરદારને બાપુના આ તર્ક બાબતે અત્યંત માન થઈ આવ્યું. તેમણે પણ બાપુની વાતમાં એક ઉમેરો કર્યો, ‘બિલકુલ સાચી વાત છે બાપુ. વળી, આ રીતે જાહેર જગ્યાએથી ફૂલો તોડી જતા લોકો એક નાનાં માણસની રોજી પર પણ તો તરાપ મારે જ છેને? ફૂલોની કિંમત શું છે? અને બીજી તરફ ફૂલો વેચવાનો એક આખો વેપાર છે. તો એ નજીવી રકમથી ફૂલો ખરીદીને ઈશ્વરને ચઢે કે ઘરના કોઈ અન્ય ખપમાં આવે તો શું ઈશ્વર એમાં રાજી ન થાય? આખરે એ રીતે આવેલા ફૂલો કોઈકના પેટનો ખાડો પૂરવામાં મદદગાર થાય છે!’ ‘વાહ સરદાર વાહ. આ રીતે તો તમે ધર્મ અને અર્થશાસ્ત્ર એ બેને એકસાથે જોડી દીધા.’ સરદારની વાત સાંભળીને બાપુ અત્યંત ખુશ થયા. ‘વળી બાપુ, મેં તો જોયું છે કે વિદેશોમાં તો જાહેર સ્થળોએ રોપાયેલા વૃક્ષો પરના ફૂલો તોડવા કે એ વૃક્ષોને હાની પહોંચાડવી એ કાયદાકીય ગુનો પણ બને છે. તો રીતે લોકો આવું કરીને કાયદાને પણ તોડે છે.’ સરદારે બીજો ઉમેરો કર્યો. ‘વળી, બાપુ જો ફૂલની જરૂરિયાત હોય જ તો અમુક છોડ ઘરે જ રોપવામાં આવે તો? આખરે ઘરે પણ અમુક છોડ તો થઈ જ શકેને? જો આવું થાય તો ઘરે છોડ હોવાને કારણે બાળકોને પ્રકૃતિનું સામીપ્ય પણ મળે છે, જેને કારણે તેઓ પ્રકૃતિને ચાહતા થાય. વળી, એ છોડવા ઘરની સુંદરતામાં પણ વધારો કરે! અને ઘરના સભ્યોને ઑક્સિજન આપે એ? એ પણ લાભ તો ખરો જને?’ ‘બિલકુલ સાચી વાત સરદાર. એનો અર્થ એ થયો કે જાહેર જગ્યાએ રોપાયેલા વૃક્ષો કે એ વૃક્ષો કે છોડ પરના ફૂલો એ તોડવું એ ધાર્મિક, આર્થિક, નૈતિક, પ્રાકૃતિક અને કાયદાકીય રીતે અયોગ્ય છે. આ રીતે ફૂલો તોડવા એ પણ સુક્ષ્મ અથવા પરોક્ષ હિંસા જ છે અને જ્યાં હિંસા કોઈ પણ સ્વરૂપે હોય ત્યાં ઈશ્વર રાજી રહેતો નથી.’ બાપુએ કહ્યું અને બંને મહાનુભાવો પોતપોતાના કામે વળગવા પોતપોતાના સ્થાને ગયા.

Join our Movement