આપણી આસપાસ કોનોકાર્પસ સારાં કે નરસા?

લૈંટાના કૈમરાથી થતી હાની વિશે જાણ્યા પછી ગાંધીજી વ્યથિત હતા. તેમના મન પરથી લૈંટાના કૈમરા કબ્જો છોડતું નહોતું. સાથે જ તેમને મનમાં એ પણ પ્રશ્ન થયો કે જેમ લૈંટાના કામરા જીવસૃષ્ટિ માટે હાનીકારક છે એમ શું બીજી પણ કોઈ વનસ્પતિ હશે ખરી? જેને વિશે લોકોને જાણકારી ન હોય અને એ વનસ્પતિ આસપાસમાં અત્યંત મોટા પ્રમાણમાં હોય! ગાંધીજીએ નક્કી કર્યું કે તેમના મનમાં આવેલો એ પ્રશ્ન તેઓ સરદાર સમક્ષ રજૂ કરશે. શું ખબર સરદારને એ વિશે જાણકારી હોય? એટલે સરદારના આશ્રમા આવતા જ તેમણે પૂછ્યું, ‘સરદાર તમારી જ રાહ જોતો હતો. મનમાં એક પ્રશ્ન ઘણીય વારનો મૂંઝવી રહ્યો હતો.’ ‘જી બાપુ. એવો તે કયો પ્રશ્ન છે, જે આપને મૂંઝવી રહ્યો છે.’ સરદારે કહ્યું. ‘આ લૈંટાના કૈમરા જેવી અન્ય વનસ્પતીઓ પણ હશેને? જે જીવસૃષ્ટિ માટે કોઈક રીતે હાનીકારક થતી હશે?’ ‘ખરી જને? એ રીતે તો આપણે ઘણી વનસ્પતીઓ ગણાવી શકીએ, જે વત્તેઓછે અંશે જીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડતી હોય. પરંતુ મારે તમને વાત કરવી છે કોનોકાર્પસ વિશે, જે વનસ્પતી આજકાલ અત્યંત ચર્ચામાં છે અને ઠેરઠેર અત્યંત મોટા પ્રમાણમાં જોવા મળે છે.’ ‘એમ? એ શું છે કોનોકાર્પસ? આ વૃક્ષ ભારતનું હોય એવું તો લાગતું નથી.’ ગાંધીજીએ કહ્યું. ‘બીલકુલ બાપુ. એ વૃક્ષ ભારતનું છે જ નહીં. આપણા સમયમાં તો એ ક્યાંય જોવા પણ ન મળતું. પરંતુ હવે એવું થઈ ગયું છે કે કોનોકાર્પસે ઠેરઠેર સામ્રાજ્ય ઊભું કર્યું છે અને શહેરોમાં તો ઠેર ઠેર માત્ર કોનોકાર્પસ જ જોવા મળી રહ્યા છે.’ ‘અચ્છા. તો શું એ કોનોકાર્પસ હાનીકારક છે?’ ગાંધીજીને ઉત્સુક્તા થઈ. ‘એ જ મોકાણ છે બાપુ. એક વાત નક્કી છે કે કોનોકાર્પસ એ નેટિવ સ્પિસિસનું વૃક્ષ નથી એટલે ભારત જેવા દેશમાં તેનું કોઈ પ્રાકૃતિક મહત્ત્વ નથી. કે નથી એ વૃક્ષ જીવસૃષ્ટિ માટે કોઈ લાભનું. કોનોકાર્પસ પર ક્યારેય ભમરા ઉડ્યા હોય કે ત્યાં પક્ષીઓએ ફળ ખાધા હોય એવું બન્યું નથી. એટલે એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે કોનોકાર્પસને જે પાગલપનની હદે પ્રોત્સાહન મળ્યું છે એ કંઈક વધારે પડતું છે…’ સરદારે કહ્યું. ‘બરાબર. તો મોકાણ શું છે?’ ‘મોકાણ એ જ છે કે કોનોકાર્પસ બાબતે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને બંને તરફના લોકોનું વલણ અંતિમવાદી છે.’ સરદારે કહ્યું. ‘એમ? અંતિમવાદી વલણ કઈ રીતે?’ ‘અંતિમવાદી વલણ એ રીતે કે એક વર્ગ એવો છે, જે વર્ગ આંખો મીંચીને કશુંય વિચાર્યા વિના કોનોકાર્પસને ઠેરઠેર રોપવા મચી પડ્યો છે. એવું કરવા પાછળ આમ તેમનો કોઈ પ્રકૃતિપ્રેમ કે કોનોકાર્પસ પ્રેમ ઝળકતો નથી. પરંતુ એની પાછળ એમનો સ્વાર્થ રહેલો છે. કારણ કે કોનોકાર્પસ એ એવી પ્રજાતી છે, જે પ્રજાતી ઓછી કાળજીમાં વધુ પ્રમાણમાં થાય છે. આ તો ઠીક વાડ કરવા માટે પણ આ વૃક્ષ કામ આવે એવું છે. એને કારણે લોકો પોતાની સોસાયટીઓની ફરતે કે રસ્તાની ધારે માત્ર આ વૃક્ષ જ રોપી રહ્યા છે. બાપુ, તમને હેરત તો ત્યારે થશે કે એક જમાનામાં આપણે ખેતરની ધારે તુવર જે મરચા રોપતા, પરંતુ હવે લોકો હવે કોનોકાર્પસ રોપી રહ્યા છે. જેથી ખેતરમાં ઢોર-ઢાંખર ન આવે.’ સરદારે કહ્યું. ‘હે ઈશ્વર… તુવર અને મરચા તો ઘરમાં કેટલા ખપમાં આવે… એને મૂકીને લોકો આ કોનોકાર્પસને રોપે છે, જે કોઈને ખપમાં નથી… મને તો આશ્ચર્ય થાય છે.’ ગાંધીજીની ચિંતામાં વધારો થયો. ‘હા. અને દુઃખની વાત એ છે કે આ કોનોકાર્પસ રોપવામાં સરકારી તંત્ર પણ જાણ્યે અજાણ્યે અવ્વલ રહ્યું છે. મોટા શહેરોમાં નગરપાલીકાઓ ઠેરઠેર કોનોકાર્પસ રોપી રહી છે, આ કારણે થઈ એ રહ્યું છે કે શહેરો લીલા તો દેખાઈ રહ્યા છે, પરંતુ એ લીલોતરી ખપ વિનાની છે.’ ‘બરાબર. તો બીજો વર્ગ શું કહી રહ્યો છે સરદાર?’ ‘બીજો વર્ગ સોય ઝાટકીને એમ કહી રહ્યો છે કે કોનોકાર્પસ માનવોના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે અને તેનાથી અત્યંત મોટી ખુંવારી થાય છે. એ કારણે કોનોકાર્પસ કોઈ પણ સંજોગમાં રોપાવા ન જોઈએ એવો તેઓ આગ્રહ કરી રહ્યા છે અને મામલા કોર્ટ સુધી લઈ જાય છે. કેટલાક શહેરોમાં કોનોકાર્પસને હટાવવા માટે ઝૂંબેશ ચલાવાઈ રહી છે અને એ દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે. પરંતુ એ બધામાં સામાન્ય લોકો છે કે, જેમને કશી જ ખબર નથી તેઓ કોનોકાર્પસ રોપવા કે ન રોપવા એ બાબતે ગૂંચવાતા રહે છે.’ સરદારે કહ્યું. ‘એમ? બીજો વર્ગ એમ કહે છે કે કોનોકાર્પસથી સ્વાસ્થ્ય પર આડ અસર થાય છે?’ બાપુએ કહ્યું. ‘હા… એવું એક વર્ગ તીવ્રતાથી કહી રહ્યો છે, જેને પગલે કેટલીક જગ્યાએ તો કોર્ટે પણ આદેશ આપ્યા છે કે કોનોકાર્પસ હટાવવામાં આવે.’ ‘અરે અરે… આ તો ગંભીર કહેવાય. મારે આ વિશે વિગતે જાણવું છે સરદાર. કાલે ફરી તમે આવો. મારે માત્ર આ કોનોકાર્પસ વિશે જ જાણવું છે.’ બાપુનો પત્રો લખવાનો સમય થઈ ગયો હતો એટલે તેમણે સરદારને વિદાય આપી. પરંતુ કોનોકાર્પસની વાતથી તેઓ અત્યંત ચિંતામાં મૂકાયા હતા. (ક્રમશઃ)

Join our Movement