પ્રકરણ ત્રણ | ડાયરી ઓફ અ ગ્રીનમેન

મને ખબર નહોતી કે લોકોને મારી સ્મરણકથામાં આટલો બધો રસ પડશે. મને તો હતું કે લોકોને શું પડી હોય તમારા જીવનની વાતોમાં? પરંતુ ‘ડાયરી ઑફ અ ગ્રીનમેન’ના બે પાર્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને લિન્ક્ડઈન પર પબ્લિશ્ડ કર્યા તો એ ત્રણેય મીડિયમ અને વ્હોટ્સએપ પર સેંકડો લોકોનો પ્રતિભાવ આવ્યો ને મને આ સીરિઝ વધુ લખવા માટે પ્રોત્સાહિત કર્યો. તો ચાલો હવે સફર માણીએ ‘ડાયરી ઑફ અ ગ્રીનમેન’ના ત્રીજા ભાગની. બીજા ભાગના અંતમાં મેં લખ્યું હતું કે ગ્લેમર અને મૉડેલિંગની દુનિયામાંથી મારો ટેક્સટાઈલ અને એન્વાર્યમેન્ટની દુનિયામાં કઈ રીતે પ્રવેશ થયો એ વિશેની વાતો કરીશ. તો ચાલો ત્યાંથી જ શરૂ કરીએ. મૉડેલિંગમાં મને અસાઈન્મેન્ટ્સ મળતા થયા અને મુંબઈ તરફની દિશામાં મેં નજર દોડાવવા માંડી ત્યારે મારી મારા ડેડી સુધીર દેસાઈ સાથે ઘણી ચર્ચાઓ થતી. ડેડી મારા બેસ્ટ ફ્રેન્ડ હતા એ વાત વિશે હું લખી જ ગયો છું એટલે સ્વાભાવિક છે કે ડેડી સાથે મારા જીવનની ઝીણામાં ઝીણી બાબતો વિશે ચર્ચા કરું. મારા ડેડી એવા હતા કે તેઓ ક્યારેય પિતા તરીકે મારી ઉપર તેમની કોઈ અપેક્ષા થોપી નહોતા દેતા. ડેડીનો આગ્રહ એવો કે લાઈફમાં ક્ષેત્ર ભલે અમે ગમે તે પસંદ કરીએ, પરંતુ પોતે પસંદ કરેલા એ ક્ષેત્રમાં અમે ટોચ પર હોવા જોઈએ! વળી, એમાં પણ એક શરત એટલી કે પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની પ્રક્રિયામાં પ્રામાણિતા અને મહેનત ભારોભાર હોવા જોઈએ. કોઈકનું આંચકી પાડવામાં કે ચિટિંગ કરવાની તેઓ તરફેણ તો શું, પરંતુ એ વિશેના વિચારો સુદ્ધાં નહોતા કરતા! ખૈર, એ વખતે મેં ડેડીને કહેલું કે, ‘ડેડુ મારે મૉડેલિંગ કરવું છે…’ તો ડેડીએ મને એક જ વાક્ય કહેલું કે, ‘ભલે, તારે જે કરવું હોય એ કર… પરંતુ મારું સજેશન એવું પણ છે કે તું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર. તારી પાસે એક સરસ ડિગ્રી હશે તો સેડબેક આવશે તોય તું એના સહારે ઝઝૂમી શકીશ. અને મૉડેલિંગમાં પણ જો તને કાલ ઊઠીને સ્ટ્રગલ કરવાની આવશે તો તારા દિલમાં એક ધરપત હંમેશાં રહેશે કે તારી પાસે એક મહત્ત્વની ડિગ્રી છે!’ મને પણ ડેડીની વાત શીરાની જેમ ગળે ઉતરી ગઈ. કારણ કે મોડેલિંગમાં થોડા અસાઈન્મેન્ટ્સ કર્યા બાદ મને પણ એ ખ્યાલ તો આવી જ ગયો હતો કે આ ક્ષેત્રમાં જેટલી ચકાચૌંધ છે એટલી જ અનિશ્ચિતતાઓ પણ છે! એટલે મારા જેવા હાયર મિડલ ક્લાસ લાઈફસ્ટાઈલ જીવતા યુવાન પાસે એક મહત્ત્વની એજ્યુકેશન ડિગ્રી હોય એ વધુ યોગ્ય હતું. ડેડીની વાત માનીને મેં એમબીએ કરવાનું નક્કી કર્યું. આ એ જમાનો હતો, જ્યારે ભારતમાં એમબીએનું એજ્યુકેશન જસ્ટ શરૂ જ થયેલું અને ઘણા બધા લોકો આ પોસ્ટગ્રેજ્યુએશન કૉર્સથી અજાણ હતા ! આમેય મને માર્કેટિંગમાં અત્યંત ઈન્ટ્રસ્ટ હતો એટલે મેં નક્કી કર્યું કે મારે સુરતની બેસ્ટ કૉલેજમાંથી એમબીએ કરવું છે અને એ દરમિયાન હું મૉડેલિંગના અસાઈન્મેન્ટ્સ પર પણ કામ કરતો રહીશ! જોકે મને ખબર નહોતી કે ડેડીએ મને આપેલું એ સજેશન અને એમબીએ કરવાનો મારો નિર્ણય મારા જીવનનો ટર્નિંગ પૉઈન્ટ સાબિત થવાનો હતો. ત્યારે તો મને એમ જ હતું કે એમબીએ પર્સ્યુ કર્યા પછી પણ હું તો મૉડેલિંગમાં જ કામ કરીશ અને ઍડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રી પર રાજ કરીશ! એ જ સમયમાં એક બીજો કિસ્સો પણ બન્યો, જે કિસ્સાએ મને મૉડેલિંગના ક્ષેત્ર તરફથી મોઢું ફેરવી લેવા મજબૂર કર્યો હતો. કિસ્સો એમ હતો કે એક અત્યંત પ્રસિદ્ધ ફેશન ઈન્સ્ટિટ્યુટ સુરતમાં કોઈક શૉ માટે આવવાની હતી. એ શૉ માટે મને પણ ઑફર આપવામાં આવી હતી. પરંતુ ઑફર કેવી? તોકે ‘આટલી મોટી ઈન્સ્ટિટ્યુટના શૉમાં તમને મૉડેલિંગ કરવાની તક મળે છે એ કંઈ નાની વાત છે?’ ‘એ ઈન્સ્ટિટ્યુટ સાથે કામ કરવાના કંઈ પૈસા થોડા હોય?’ બસ, એ જ વાત મારી આંખો ઉઘાડી ગઈ કે આ ક્ષેત્રમાં કહેવાતી મોટી સંસ્થાઓ પણ મહેનતનું વળતર આપવાની વાત આવે ત્યારે આંખ આડા કાન કરતી હોય તો પછી બીજા પાસે તો અપેક્ષા જ શું રાખવી? જોકે હું બ્લેમ નથી કરતો કે આ ક્ષેત્રમાં શોષણ થાય છે. બટ યસ, મારી યુવાનીના સમયમાં મને એવું મહેસૂસ થયું કે રાત-દિવસ એક કરીને મહેનત કરી હોય અને એનું વળતર શૂન્ય હોય તો પછી એ ક્ષેત્રમાં આપણું હોવું વ્યર્થ છે. વળી એમ પણ નથી કે આ કિસ્સા પછી જ મેં મૉડેલિંગનું ક્ષેત્ર છોડવાનું નક્કી કર્યું. પરંતુ આ બધા એવા ડૉટ્સ હતા, જે ડૉટ્સને એક લાઈનથી જોડવામાં આવે તો એક મજાની ડિઝાઈન તૈયાર થતી હતી અને એ ડિઝાઈનમાં એક બિઝનેસમેનનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો! અલબત્ત, એ ડિઝાઈન આજે જ ઉકેલી શકાય છે. ત્યારે એ ડૉટ્સ સમજાતા નહોતા!

Join our Movement