પ્રકરણ દસ I ડાયરી ઓફ અ ગ્રીનમેન

આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક વાર કહેલું કે ‘ઈમેજીનેશન એટલે કે આપણી કલ્પના એ આપણી આવતીકાલનું પૂર્વાલોકન છે.’ હું મારી સ્મરણકથાના આ દસમાં પ્રકરણની શરૂઆત પણ ત્યાંથી જ કરીશ કે આપણા સપનાં કે લક્ષ્યો પામતા કે પૂરા કરતા પહેલાં આપણે એ સપનાં કે લક્ષ્યો વિશે ધારવું પડે કે અત્યંત તીવ્રપણે તેની ઝંખના કરવી પડે. એ વાત તો સો ટકા સાચી છે કે જ્યારે આપણે કશુંક પામવું હોય ત્યારે આપણે એ વિશે સ્ટ્રોંગ વિઝ્યુઅલાઈઝ કરવું પડે. ત્યારે જ જઈને આપણી એ દિશામાં માન્યતા દૃઢ થાય અને એ પછી જ તમે ધાર્યું સપનું પામી શકો. પરંતુ મારે આ પ્રકરણમાં કંઈક જુદા પ્રકારની વાત કરવી છે. મારે વાત કરવી છે એ વિશે કે તમે જોયેલા સપનાં જો તમારા પોતાના સપનાં હોય તો એને સાકાર કરવા માટેની જે કિંમત હોય એ કિંમત તમારે એકલાએ જ ચૂકવવી! કારણ કે ઘણીય વાર એવું બનતું હોય છે કે આપણે જોયેલા સપનાં બીજા કોઈના ખભાનો ભાર બની જતા હોય છે. એ બીજા કોઈએ જ એને માટે કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. આ વિશે વિગતે વાત કરીએ એ પહેલાં નજર કરીએ મારા જીવનના કેટલાક કિસ્સા વિશે. આજે હું બિસનેઝમેન તરીકે સ્થાપિત થયો છું, પરંતુ એક સમયે મેં કૉલ સેન્ટરમાં નોકરી કરી હતી. એ સીવાય એક સમયે હું એલઆઈસીનો એજન્ટ બન્યો હતો. એક સમયે મેં સાયબર કાફેમાં નોકરી કરી હતી. આ તો ઠીક એક સમયે મેં યાર્નના બ્રોકર તરીકે પણ કામ કર્યું હતું અને એક સમયે હું ડીજે તરીકે પણ કામ કરતો હતો. જીવના જુદા જુદા તબક્કે મેં જુદા જુદા કામો કર્યા છે અને કામો પણ પૂરા દિલથી, હંડ્રેડ પર્સન્ટ એફર્ટ્સ આપીને કર્યા છે. કારણ કે કામ મારે માટે ક્યારેય નાનું કે સામાન્ય રહ્યું નથી. મારા મનમાં હંમેશાં એક જ બાબત રહી છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને પરિશ્રમે જ સિદ્ધિ (સક્સેસ) મેળવી શકાય છે. પરંતુ કોઈને એમ થશે કે મેં સમયાંતરે આવા કામો શું કામ કર્યા? તોકે એનો જવાબ આ ચેપ્ટરના પહેલા ફકરાના એક સવાલમાં છે. એનો જવાબ એ છે કે મારા જોયેલા સપનાં કોઈ બીજા માટે બોજો ન બનવા જોઈએ એવી મારી માન્યતા પહેલેથી દૃઢ હતી. આમાં કોઈ બીજું એટલે અન્ય કોઈ નહીં, પરંતુ મારા મમ્મી-પપ્પાની જ હું વાત કરું છું. કારણ કે ઘણીય વાર એવું બનતું હોય છે કે સંતાનોના સપનાં પૂરા કરવામાં માતા-પિતાની આખી ઉંમર ઘસાઈ જતી હોય છે. અને તોય છેવટે માતા- પિતાના ભાગ્યમાં જશ તો હોતો જ નથી. આમ જોવા જઈએ તો એ સમયે અમે સરસ રીતે અપર મીડલ ક્લાસ લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા હતા. અને એવું પણ નહોતું કે મારા સપનાં પૂરા કરવા માટે મારા પપ્પા સક્ષમ નહોતા. પરંતુ મારા અવનવા ડ્રીમ્સને પૂરા કરવા માટે જો મમ્મી-પપ્પાએ તેમના કોઈ શોખ પર કાપ મૂકવો પડે કે તેમણે એ બાબતે વધુ મહેનત કરવી પડે એ મને મંજૂર નહોતું. કારણ કે અપર મીડલ ક્લાસ લાઈફમાં લક્ઝરીને તો સો ટકા સ્થાન નહોતું અને મારા જે સપનાં કે શોખ હતા એ બધા લક્ઝરીને લગોલગ કહી શકાય એવા હતા. બીજું એક મહત્ત્વનું કારણ એ પણ હતું કે એક અકસ્માતને કારણે મારા ડેડીએ આજીવન કેટલાક લિમિટેશન્સ અને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડેલો, જેને લીધે અનેક વાર તેમણે ઑફિસમાં રજાઓ પાડવી પાડવી પડતી. અલ્ટિમેટલી એની અસર મારા ડેડીની કરિયર પર પડતી. જોકે એ વાતો વિશે હું આવતા પ્રકરણમાં વિગતે લખવાનો છું. પરંતુ સમજણો થયો છું ત્યારથી જ્યારે જ્યારે મેં કંઈક અસામાન્ય મેળવવાનું સપનું જોયું છે ત્યારે મેં અસમાન્ય મહેનત પણ કરી છે. મારા અગિયારમા ધોરણના વેકેશનમાં મેં પેજલિંક નામના પેજર કૉલ સેન્ટરમાં પીએસઓ તરીકે નોકરી કરી હતી. એ સમયે એ નોકરી માટેની મિનિમમ રિક્વાયર્મેન્ટ કૉલેજ હતી, પરંતુ કામ પ્રત્યેની મારી ધગશ તેમજ મારા આત્મવિશ્વાસને લીધે મેં ત્યાં મારી ઉંમર છૂપાવી હતી. ત્યાં મારા કામની શિફ્ટ સાંજે આઠથી સવારના આઠ વાગ્યાની હતી, જેને લીધે મારું ભણતર, વર્કઆઉટ અને ગેમ્સ કોઈ અસર પડતી ન હતી. આ એ જ સમય હતો જ્યારે મેં પર્સનાલિટી ટ્રાન્સફોર્મેશન પણ શરૂ કર્યું હતું. એવા સમયે જીમના પૈસાથી લઈ મારા થોકબંધ પુસ્તકોના પૈસા હું મારી એ જોબમાંથી મેનેજ કરતો હતો. આજે મારા વ્યક્તિત્વમાં એ પુસ્તકોનો પણ એટલો જ ફાળો છે! જોકે એવું પણ નહોતું ત્યારે મને પોકેટ મની કમાવામાં જ કે માત્ર મારા ડેડીનો આર્થિક બોજો ઓછો કરવામાં જ હતો. એ સમયે મને સ્કિલ્સ ડેવલપમેન્ટમાં પણ એટલો જ રસ હતો. એનું એક ઉદાહરણ આપું તો આમ તો હું ઝેવિયર્સનો વિદ્યાર્થી, એટલે ઈંગ્લિશ સ્વાભાવિક રીતે જ મારું પાવરફૂલ હોય. પરંતુ તોયે એ સમયે કૉલ સેન્ટરમાં કામ કરવાનો એક આશય એવો હોય કે મારી કોઑર્ડિનેશનની સ્કિલ સુધરે, કૉરપોરેટ એટિકેટ્સ ઈમ્પ્રુવ થાય અને મારું ઈંગ્લિશ જુદા લેવલ પર અપડેટ થાય. અગાઉ કહ્યું એમ મેં સાયબર કાફેમાં પણ જોબ કરી હતી. સાયબર કાફેમાં હું મેનેજર તરીકે કામ કરતો હતો. આ એ સમય હતો, જ્યારે અડધો કલાક સર્ફિંગ કરવાના સિત્તેરથી એંસી રૂપિયા લેવાતા હતા. અને એ સમયે મેનેજર તરીકે મને ઈન્ટરનેટ સર્ફિંગ કરવા વિશે કે ઈન્ટરનેટને લગતી કેટલીક બેઝિક બાબતો વિશે જાણકારી હોવી જરૂરી હતી. એટલે અગેઈન શીખવાવાળી વાત આવી અને સ્કિલ્સ ડેવલપ કરવાની વાત આવી. આ રીતે એક આખો વર્ગ જ્યારે ઈન્ટરનેટ નામની ટર્મથી પરિચિત થઈ રહ્યો હતો ત્યારે હું એમાં ડૂબકી લગાવી રહ્યો હતો અને અવનવું શીખી રહ્યો હતો. અલબત્ત, એ સમયે મેં અનલિમિટેડ ઈન્ટરનેટ એક્સેસના બદલામાં દોસ્તો સાથેની મજાની સાંજો જતી કરી હતી. આવા બધા અનેક કામો મેં મારા વેકેશન્સમાં કે નવરાશના સમયમાં કર્યા છે. એવું પણ નથી કે મેં મારા એજ્યુકેશનના ભોગે આ બધું કર્યું. પરંતુ એ સ્ટુડન્ટ લાઈફ હતી અને એ સમયમાં સ્પેર ટાઈમ અઢળક મળતો હતો એટલે મેં એ અઢળક સમયને વેડફવા કરતા પ્રોડક્ટિવ બનાવવાનું નક્કી કરેલું. આજે હવે પાછા વળીને જોઉં છું ત્યારે સૌથી વધુ આભાર હું ભગવાન ક્રિષ્નાનો માનીશ. નહીંતર ઈશ્વરના આશીર્વાદ વિના આ સમજણ મારામાં કઈ રીતે કેળવાઈ હોય? આજે ભલે હું એક મેચ્યોર્ડ પુરુષ છું, પરંતુ મારી ટીનએજમાં જો મને એવું સૂઝે કે મારા સપનાંનો બોજ મારે મારા માતા-પિતાને નથી આપવો તો એ તો પ્યોર બ્લેસિંગ્સ જ છે. જીવનમાં જુદા જુદા સમયે કરેલા એ બધાય કામોએ મારી સ્કિલ્સ અને કુશળતાને સમૃદ્ધ કરી છે. હું એ દરેક અનુભવોમાંથી કંઈક ને કંઈક નવું અને જીવનભર ખપમાં આવે એવું શીખ્યો છું. એ બધા અનુભવોને લીધે જ હું શીખ્યો છું કે પડકારોનો કઈ રીતે સામનો કરવો અને કઈ રીતે એમાંથી બહાર આવવું. અત્યાર સુધીના દરેક કાર્યો અને અનુભવોએ મને સતત પ્રેરણા આપી છે અને એ કારણે જ હું વધુ ને વધુ સપનાં જોતો થયો છું. કારણ કે એ બાબત મને આસાનીથી સમજાઈ ગઈ હતી કે અથાક પરિશ્રમ, અત્યંત ફોક્સ અને હારના ડરને અવગણીને તમે કોઈ પણ સપનું સાકાર કરી શકો છો. હા, આ પ્રક્રિયા દરમિયાન ભઠ્ઠીમાં તમારી જાત શેકાતી હોય એવો તમને સતત અહેસાસ થાય, પરંતુ જ્યારે એ ભઠ્ઠીમાંથી તમે બહાર આવો છો ત્યારે તમારી જાતનું જુદું જ વર્ઝન તમને મળે છે. એ વર્ઝન જ તમને સક્સેસ અપાવે છે અને તમારા સપનાં પૂરા કરાવે છે. આમેય એક બાબત હું વર્ષો પહેલાં સમજી અને શીખી ગયો છું. કે ‘મારાથી આ ન થાય’ કે ‘આ બાબત મારા માટે અશક્ય છે.’ એ માત્ર એક માન્યતા છે અથવા તો પલાયનવાદ છે. પરંતુ ‘આ તો હું પણ કરી જ શકું.’ અથવા ‘આ કામ મારે માટે અશક્ય નથી.’ એ વાસ્તવ છે. અલબત્ત, પલાયન અને વાસ્તવ વચ્ચે એક અત્યંત મહત્ત્વનું સ્ટેપ આવે છે અને એ સ્ટેપ છે, ‘પરિશ્રમ’નું. યેસ, મહેનત બધી જ અશ્ક્યતાઓને શક્યતામાં પરિવર્તિત કરી દે છે!

Join our Movement