તમે ‘શિનરિન યોકુ’ની મજા માણી છે?

એક સવારે પોતાના નિત્યક્રમમાંથી પરવારીને ગાંધીજી માટીનો લેપ લગાવીને સૂતા હતા ત્યાં સરદાર ત્યાં આવી પહોંચ્યા. બાપુ નિયમિત માટીનો લેપ લેતા હોય છે એટલે તેમને એ દૃશ્ય જોઈને આશ્વર્ય ન થયું. પરંતુ બાપુને માટીનો લેપ લેતા જોઈને તેમને એક બીજો વિચાર આવ્યો. ‘બાપુ, તમને આ રીતે માટીનો લેપ લગાવો છો એ એક પ્રાકૃતિક ઉપચાર છે. એ જ રીતે મને એક બીજા પ્રાકૃતિક ઉપચારનો વિચાર આવ્યો.’ સરદારે ઉત્સુક્તાથી કહ્યું. ‘એમ? બીજો કયો પ્રાકૃતિક ઉપચાર છે સરદાર?’ ‘એ ઉપચાર છે ફોરેસ્ટ બાથિંગ એટલે કે વન સ્નાનનો. જપાનમાં આ બાબતે એક આખું કલ્ચર ઊભુ થયું છે અને ત્યાંના લોકો વનસ્નાનના સૌથી વધુ લાભ લઈ રહ્યા છે.’ ‘એમ? પહેલા તો મને એ કન્સેપ્ટ વિશે જ સમજાવો સરદાર. જપાનમાં એ કન્સેપ્ટનો ઉદભવ કઈ રીતે થયો અને એનું ચલણ કઈ રીતે વધ્યું એ વિશે જણાવો.’ ગાંધીજીએ આજે વનસ્નાન વિશે બધુ જ જાણી લેવું હતું. ‘બાપુ, આમ જોવા જઈએ તો આ કન્સેપ્ટ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં હાજરાહજુર જ હતી અને આદિમયુગનો માનવ એ કન્સેપ્ટ પ્રમાણે જ તેનું જીવન જીવતો હતો. પરંતુ તોયે એંસીના દાયકામાં જાપાનમાં આ કન્સેપ્ટને ચોક્કસ નામ મળ્યું. એ નામ એટલે ‘શિનરિન યોકુ’, અહીં ‘શિનરિન’ એટલે વન અને ‘યોકુ’ એટલે નહાવું. એટલે કે અંગ્રેજીમાં એનો અર્થ થાય ‘ફોરેસ્ટ બાથિંગ’ અને ગુજરાતી કે હિન્દીમાં આપણે એને કહી શકીએ ‘વન સ્નાન.’’ સરદાર સહેજ થંભી ગયા. એટલામાં ગાંધીજીની માટી પણ પૂરી થઈ ગઈ હતી અને તેઓ તેમની કચેરીના કક્ષ તરફ જવા માંડ્યા. સરદાર પણ તેમની પાછળ તેમની કચેરીમાં ગયા. બાપુ જમીન પર પાથરેલી એક ચાદર પર બેસી ગયા અને રેંટિયો કાંતવાના કામમાં પરોવાઈ ગયા. એટલે સરદારે ફરી પોતાની વાત શરૂ કરી, ‘એંસીના દાયકામાં આ ટ્રેન્ડની શરૂઆત થઈ પછી તો લગભગ આખા જપાનમાં આ ટ્રેન્ડની બોલબાલા થઈ ગઈ અને જપાનના લોકોએ આ કન્સેપ્ટને તેમની સંસ્કૃતિ બનાવી દીધી. અને આજે વિશ્વના અનેક મનોવૈજ્ઞાનિકો એ બાબતને સમર્થન આપે છે કે જપાનની સમૃદ્ધિ અને ત્યાંના લોકોની હરણફાળ પ્રગતિનું એક કારણ ફોરેસ્ટ બાથિંગ છે.’ સરદારે કહ્યું. ‘વાહ. આ તો બહુ સારી વાત કહેવાય. માણસની જાતની કે એક આખા દેશની પ્રગતિ આવા કોઈ કોન્સેપ્ટ પર આધારિત હોય તો એનાથી મોટી બાબત તો હોઈ જ શું શકે? પરંતુ સરદાર, આ ફોરેસ્ટ બાથિંગમાં કરવું કઈ રીતે?’ બાપુએ બીજો પ્રશ્ન ઊભો કર્યો. ‘આમાં કશું જ અટપટું નથી બાપુ. માણસોએ બસ ગાઢ જંગલોમાં જવાનું છે. જો ગાઢ જંગલ તેમના રહેઠાણથી દૂર હોય તો જ્યાં વધુ પ્રમાણમાં વૃક્ષો હોય ત્યાં જવાનું છે અને અત્યંત શાંત ચિત્તે ત્યાંના માહોલને માણવાનો છે. માણસ જ્યારે વૃક્ષોની પાસે હોય ત્યારે તેણે એકદમ શાંત થઈ જવાનું છે. તેણે મનમાં કોઈ વિચાર નથી કરવાનો અને બસ આસપાસમાં પ્રકૃતિનું જે કંઈ છે, એને માણવાનું છે. દૂર દૂર સુધી પથરાયેલી વનરાજી, લીલોતરીને આંખોમાં ભરી લેવાની છે. ત્યાંના વૃક્ષોની ઊંચાઈ અને એ ઊંચાઈ સાથે નિરભ્ર આકાશને જોવાનું છે અને ત્યાંના માહોલમાં શ્વસતા પક્ષીઓ, તમરા કે પ્રાણીઓના અવાજો સાંભળવાના છે. ફોરેસ્ટ બાથિંગનો કન્સેપ્ટ તો એમ પણ કહે છે કે માણસે જંગલમાં કોઈ પણ એક વૃક્ષને પસંદ કરી લેવાનું અને એ વૃક્ષને ભેટવાનું અથવા તો તેના થડ પર જાણે માણસને સ્પર્શતો હોય એમ હાથ ફેરવવાનો છે.’ ‘અરે વાહ સરદાર. આ તો અત્યંત સરળ છે. આ બાબતો સાંભળતી વખતે જ મારું તો હ્રદય પ્રફુલિત થઈ ગયું. તો જો માણસ રૂબરૂ વનમાં જાય તો તેને કેવો આનંદ થતો હશે?’ સરદારની વાત સાંભળીને બાપુ ખુશ થઈ ગયા. ‘હા બાપુ. અને આ ફોરેસ્ટ બાથિંગ કે વનસ્નાનના તો જે ફાયદા છે એની તો વાત જ શું કરવી? માણસને અનેક રોગોમાંથી મુક્તિ મળે છે અને તેને તેના અસ્તિત્વનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ આજે મારે એક અગત્યની મિટિંગમાં જવાનું છે એટલે હું નીકળું છું. પરંતુ આવતીકાલે હું જરૂર તમને વનસ્નાનના ફાયદા વિશે જણાવીશ.’ સરદારે બાપુની રજા લીધી. ‘ચોક્કસ સરદાર. અને સાથે એ પણ જાણતા આવજો કે નજીકના ભવિષ્યમાં આપણે કયા જંગલોમાં જઈ શકીએ છીએ. મારે તો હવે ફોરેસ્ટ બાથિંગ કરવું જ છે.’ ગાંધીજી વનસ્નાનને લઈને અત્યંત ઉત્સાહીત થઈ ગયા.

Join our Movement