પ્રકરણ નવ | ડાયરી ઓફ અ ગ્રીનમેન

કેવો પવિત્ર જોગાનુજોગ છે આ. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને મારી સ્મરણ યાત્રા ‘ડાયરી ઑફ અ ગ્રીનમેન’નું પણ આ નવમું પ્રકરણ છે. એવે ટાણે શું કામ શક્તિની ઉપાસનાની જ વાત ન કરાય? આખરે સ્ત્રીના સન્માનનો કે સ્ત્રીના વ્યક્તિત્વના સર્વાંગી સ્વીકારનો આનાથી પવિત્ર પર્વ કયો હોઈ શકે? આ વાત છે એ દિવસોની જ્યારે હું કૉલેજ કરી રહ્યો હતો. સુરતની એસપીબી કૉલેજમાં હું બીકોમ થઈ રહ્યો હતો અને લગભગ મારા ગ્રેજ્યુએશનનું ત્રીજું વર્ષ હશે. આ એ વર્ષો પણ હતા, જે વર્ષોમાં હું મારા બાહ્ય દેખાવ અને પર્સનાલિટી બાબતે અત્યંત સજાગપણે ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો હતો. અને એ જ વર્ષોમાં ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયાને કારણે મારા દેખાવ પર ઠીક ઠીક ઈમ્પેક્ટ શરૂ થઈ ગઈ અને એ વર્ષોમાં હું રિમલેશ ચશ્મા પણ પહેરતો. જેને કારણે ત્યારે લોકો મને રિતિક રોશન કહીને બોલાવતા હતા. એ સિવાય એ દિવસોમાં મને એલકે એટલે કે લેડી કિલર તેમજ લૉર્ડ ક્રિષ્ના તરીકે પણ લોકો બોલાવતા હતા. એનું કારણ એ હતું કે એ સમયે અનેક છોકરીઓ મારી બેસ્ટ ફ્રેન્ડ્સ હતી અને એ કારણે મારી સાથે ભણતા છોકરાઓ મને એ નામોથી સંબોધતા. અરે, એ વર્ષોમાં હું કૉલેજમાં ચોકલેટ બોય કે રોઝ બોય તરીકે પણ જાણીતો હતો. કેટલીક વાર તો મારા બાઈક પર કોઈ મોંઘી ગિફ્ટ પણ કોઈક મૂકી જતું. મારી એ પૉપ્યુલારિટીને લઈને કૉલેજમાં ઘણીય વાર કૉલેજના કેટલાક છોકરા કહેતા કે તારે આ તક જવા દેવી ન જોઈએ! પરંતુ હું તેમને સામેથી પૂછતો કે તક એટલે શું? શેના માટેની તક ભાઈ? આ મેમોયરમાં મારે એ બાબત તો કબૂલ કરવી જ જોઈએ કે એવુંય નથી કે ત્યારે મારી કોઈ ગર્લફ્રેન્ડ્સ નહોતી. ત્યારેય સમયાંતરે મારી ગર્લફ્રેન્ડ્સ રહી છે, પરંતુ એ મૈત્રી પણ ચોક્ક્સ મર્યાદામાં રહેતી. એ મૈત્રીનો ગેરલાભ મેં ક્યારેય નથી લીધો. એને કારણે જ અનેક છોકરીએ ત્યારે મારી સાથે પ્રોટેક્ટિવ ફીલ કરતી. હાલમાં સોસાયટીમાં જે સ્થિતિ છે એ જોતા મારે મારા જ જીવનનો એક કિસ્સો ગર્વપૂર્વક કહેવો છે. કારણ કે જો એ કિસ્સાથી કોઈ એક વ્યક્તિને પણ મોટિવેશન મળશે તો એક સ્ત્રીનું સન્માન થશે. અને મારે મન તો એ પૂણ્યકાર્ય છે! એ કિસ્સો એવો હતો કે એકવાર એક અજાણી છોકરી મારા મકાનની નીચે આવી અને અમારા વોચમેનને મારા વિશે કહ્યું. વોચમેને મને જાણ કરી અને હું નીચે આવ્યો તો મેં જોયું કે હું જે હેલ્થક્લબમાં જતો ત્યાં આવતી એક મારાથી ચાર-પાંચ વર્ષ નાની છોકરી ત્યાં ઊભી હતી. મારા બિલ્ડિંગ પાસે મેં એને જોઈ તો હું તો ડઘાઈ જ ગયો અને પાછળથી તેણે મને જે વાત કરી એનાથી વધુ ડઘાયો, કારણ કે એણે મને ડેટિંગ કરવાની ઑફર કરી! જોકે ત્યારે સમય પારખીને મેં તેને ફરીથી મળવાનું વચન આપ્યું અને તેને સમજાવીને રવાના કરી. એને આપેલા વચન મુજબ હું એને પાછળથી મળ્યો પણ ખરો, પરંતુ મેં તેને સમજાવી કે હું એવો કોઈ મોટો મૉડેલ નથી કે નથી હું ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં રાજ કરતો કે. વળી, હું ઉંમરમાં પણ તારા કરતા ઘણો મોટો છું અને તારી હજુ આ બધી બાબતો માટે ઉંમર નથી. બેટર ટુ ભણવામાં ધ્યાન આપ! એ દિવસે પણ એ છોકરીએ મને એનું સર્વસ્વ આપી દેવા તૈયાર હતી, પરંતુ મારા મનમાં માત્ર એક જ વાત હતી કે એ નાદાન છોકરી સમજી જાય અને તેના ભણતરમાં ધ્યાન આપે. એ દિવસે મેં તેને સમજાવી તો એ સમજી તો ગઈ, પરંતુ મોકાણ ત્યારે થયું જ્યારે થોડા દિવસો પછી તેણે ફરીથી મને કૉલ કર્યો અને તેના ઘરે બોલાવ્યો. તેણે કારણ એમ આપ્યું કે તે અત્યંત બીમાર છે અને તેને ડૉક્ટર પાસે લઈ જનારું કોઈ નથી. તેનો અવાજ પણ એવો તરડાયેલો હતો કે હું મારતે ઘોડે ત્યાં પહોંચ્યો અને જેવો એના ઘરે પહોંચ્યો કે પહેલેથી ઘરમાં હાજર રહેલી તેની ફ્રેન્ડે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તે બંને જણીઓ ફરીથી મને સમજાવવાની મથામણમાં પડી. મને થયું કે જો હું વધુ સમય રોકાઈશ તો અત્યંત મોટી મુશ્કેલી ઊભી થશે એટલે મેં મારું માથું અત્યંત દુઃખી રહ્યું છે અને ચક્કર આવી રહ્યા છે એવું બહાનું કર્યું અને અને એમને લીંબુ શરબત બનાવી લાવવા કહ્યું. એ બાપડીઓ પણ ભલા જીવની હશે એટલે મારી ચિંતા કરીને તરત રસોડામાં દોડી અને મને જેવી તક મળી કે હું તેમના ઘરનો દરવાજો ખોલીને બહાર ભાગી ગયો! આજે પણ આ કિસ્સા વિશે વિચારું તો મને વિચાર આવે છે કે મારી પણ એ કોઈ પરિક્વ ઉંમર નહોતી. હું પણ એક રીતે નાદાન જ હતો. પણ છતાંય એ ઉંમરે પણ મને એ વાતની સમજણ સજ્જડ હતી કે મારે સ્ત્રીઓનું સન્માન કરવાનું છે. આજે હું એક પોતે એક દીકરીનો પિતા છું, પરંતુ ત્યારેય હું એવું માનતો કે સ્ત્રી એ કુદરતનું અત્યંત સ્ટ્રોંગ ક્રિએશન છે, જેનો ગેરલાભ લેવામાં આવે તો કુદરત ક્યારેય છોડતી નથી. એક એન્ત્રપેનર કે અનુભવી પુરૂષ તરીકે હું આજે એ બાબત ભારપૂર્વક કહીશ કે તમારા જીવનની પ્રગતિ કે સફળતાનો આલેખ પણ તમારી એ બાબત પર આધાર રાખે છે કે તમે સ્ત્રીઓનો આદર કરો છો કે નહીં. જો તમે સ્ત્રીની અવહેલના કરશો કે સ્ત્રીને ઑબ્જેક્ટ તરીકે જોશો તો એ માનસિકતા સફળતા પર પણ ઈમ્પેક્ટ કરશે જ. ખબર નથી કેમ? પરંતુ એ ઉંમરે પણ મારી સાથેની છોકરીઓ સાથે મેં અમુક પ્રકારની છૂટછાટ ક્યારેય નથી લીધી. ત્યારે હું જ્યારે જ્યારે યંગ છોકરીઓના સંપર્કમાં આવતો કે મારી એમની સાથે ગાઢ મિત્રતા થતી ત્યારે મારા મનમાં હંમેશાં એક વાત સતત રહેતી કે એ સ્ત્રી પણ કોઈની દીકરી હશે, કોઈની બહેન હશે, કોઈની પત્ની બનશે કે કોઈની માતા થશે! અને એ હું હોઈ શકું એટલે સ્ત્રીને ઑબ્જેક્ટ તરીકે જોવાનું મને ક્યારેય આવડ્યું નથી. આફ્ટરઑલ સ્ત્રી કુદરતની વધુ નજીક એટલે પણ છે કે તેની પાસે કુદરત જેટલો જ પાવર છે અને એ પાવર ક્રિએશનનો! એવા સમયે સ્ત્રીની લાગણીનો કે તેણે આપણામાં મૂકેલા વિશ્વાસનો ગેરલાભ લઈ શકાય ખરો? આજેય હું હંમેશાં એ બાબતનું ખાસ ધ્યાન રાખું છું કે મારી આસપાસ રહેતી સ્ત્રીઓ, મારી સાથે સંકળાતી સ્ત્રીઓ કે મારી સાથે કામ કરતી સ્ત્રીઓ હંમેશાં મારી પ્રોટેક્ટિવ હૂંફનો અહેસાસ કરે. મને લાગે છે કે મર્દાનગીનું ખરું કામ જ આ છે! કે સ્ત્રીને પ્રોટેક્ટેડ ફીલ કરાવવું. આ અભિગમ એક પુરુષ પાસે હોય પછી મંદિરની માના દર્શને ન જાય તોય કંઈ ફરક પડે ખરો? या देवी सर्वभुतेषु शक्तिरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥

Join our Movement