વનસ્નાનના આ લાભો વિશે જાણો છો?

‘બાપુ તમારો ગીતાપાઠ પતી ગયો?’ વહેલી સવારે સરદાર ગાંધીજી પાસે આવી ગયા. સરદારને એ બાબતનો ખ્યાલ હતો જ કે વહેલી સવારના આ સમયે બાપુ ગીતાપાઠ કરીને ક્યાં તો ચાલવા નીકળે અથવા તેઓ પત્રોના જવાબ આપે. એટલે થોડી ચર્ચા થઈ શકશે એ હેતુથી તેઓ બાપુ પાસે આવ્યા. ‘સારું થયું સરદાર કે તમે હમણાં આવી ગયા. હું તમને કહેણ મોકલવાનો જ હતો. મારે કાલની અધુરી વાત પૂરી સાંભળવી હતી. હવે તમે મને જણાવો કે ફોરેસ્ટ બાથિંગ એટલે કે વનસ્નાનના વૈજ્ઞાનિકે લાભ શું છે?’ ‘જરૂર બાપુ.’ સરદારે તેમની વાત શરૂ કરી. ‘સૌથી પહેલાં શરૂઆત કરું શારીરિક લાભોથી. જે લોકો દર મહિને એકવાર અથવા દસ-પંદર દિવસના અંતરે નિયમિત વનસ્નાન કરે છે એ લોકો પર થયેલા સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે પ્રકૃતિની વચ્ચે વનસ્નાન કરનારાઓનું બ્લડ પ્રેશર, સ્ટ્રેસ લેવલ તેમજ પલ્સ રેટ અત્યંત મેન્ટેઈન અને સપ્રમાણ રહે છે. આ કારણે હાર્ટ એટેકનો શિકાર થવાના ચાન્સ અત્યંત ઘટી જાય છે. કુદરત અને વૃક્ષોની વચ્ચે રહેવાને કારણે શરીરમાં એડિપોનેક્ટિન સ્તર (adiponectin level) ઊંચું આવે છે અને એડિપોનેક્ટિન સ્તરને કારણે માણસ નકામી ચરબી, મેદસ્વીપણું કે ડાયાબિટિસ જેવા રોગોથી પણ માણસને છૂટકારો મળે છે.’ સરદારે કહ્યું. ‘લો બોલો. એટલે કે આજનો માણસ પ્રકૃતિની નજીક રહે અને તેને માણે તો હ્રદયરોગ, ડાયાબિટીઝ અને મેદસ્વીપણાથી દૂર રહી શકે. આ બીમારીઓ જ તો આજના શહેરના માણસની મુખ્ય બીમારીઓ છે. એમાંથી છૂટકારો મળતો હોય તોયે માણસે પ્રકૃતિની સમીપ જવું નથી?’ ગાંધીજીએ ખેદ વ્યક્ત કર્યો. ‘તો શું. સંશોધન તો એમ કહે છે કે કેટલાક ડાયાબિટિક દર્દીઓ, જેઓ વર્ષોથી દવાઓ ગળતા હતા તેમણે છ- સાત વર્ષ સુધી નિયમિત વનસ્નાન કર્યું તો એમનું ગ્લુકોઝ સ્તર પણ ઘટ્યું અને તેઓ દવા લેતા બંધ થયા. એનો અર્થ એ થયો કે વનસ્નાન એ માણસને માત્ર બીમારીઓથી દૂર જ નથી રાખતું, પરંતુ બીમારીને સારી પણ કરી શકે છે.’ સહેજ અટકીને સરદાર ફરી બોલ્યા, ‘અગાઉ કહ્યું એમ સ્ટ્રેસ્ટ લેવલ તો વનસ્નાન ઓછું કરે જ છે. એનું કારણ એ કે વૃક્ષોના સહવાસમાં રહેવાને કારણે ડોપામાઈન સ્તર ઘટે છે તેમજ કોર્ટિસોલ લેવલ વધે છે. આને કારણે માણસની આંતરિક ગડમથલો શાંત થાય છે અને તે આંતરિક રીતે શાંત થાય છે. તેમજ સ્ટ્રેસ લેવલ ઘટવાના કારણે તેને યોગ્ય રીતે ઊંઘ આવે છે. તો વનસ્નાનનો બીજો એક સૌથી મોટો ફાયદો એ થાય છે કે વધુ વૃક્ષોની વચ્ચે સમયાંતરે રહેવાને કારણે શ્વાસને લગતી કેટલીક બીમારીઓ છે એમાં પણ માણસને રાહત થાય છે. શહેરના માણસને તો બીચારાને શુદ્ધ હવા મળતી જ નથી. આ કારણે તેના શ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે અને તે અસ્થમા કે સીઓપીડીનો શિકાર થાય છે. પરંતુ જંગલની હવામાં ઑક્સિજન શુદ્ધ હોય છે. તેમજ વધુ વૃક્ષો હોય એ જગ્યાએ ડી-લિમોનેનની માત્રા વધુ જોવા મળી છે, જેનાથી ફેફસાંની બળતરા ઓછી થાય છે. ઑક્સિજનની માત્રા વધુ હોય અને ડિ-લિમોનેન વધુ હોય એવી જગ્યાએ જ્યારે માણસ વધુ રહે છે ત્યારે તેને શ્વાસને લગતી બીમારીઓમાંથી મુક્તિ મળે છે.’ ‘આ તો ઈશ્વરની કૃપા જ કહેવાય સરદાર. માત્ર વૃક્ષો અને પ્રકૃતિની વચ્ચે રહેવાથી જો આ લાભ મળતો આજના માણસે આ લાભ લેવો જ જોઈએ. શું કામ તે બધા લાભોથી વંચિત રહે છે અને નાહકની બાબતોમાં અટવાયેલો રહે છે?’ ગાંધીજીએ પ્રશ્ન કર્યો. ‘એ જ તો વાત છે બાપુ. દમ અને હ્રદયરોગ ઉપરાંત જેમને કમ્મરનો કે ગરદનનો દુખાવો હોય એમને પણ વનસ્નાનથી રાહત થયાનું સંશોધન જણાવે છે. એનાથી શરીર અત્યંત સ્મૂધ અને સ્ફૂર્તિલું થઈ જાય છે અને ચામડી પર પણ એની હકારાત્મક અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ તો માત્ર શારિરીક અસરોની વાત થઈ. એ સિવાય વનસ્નાનથી સાયકોલોજીક ફાયદા પણ થાય છે.’ ‘વાહ સરદાર વાહ. મારે એ માનસિક લાભો વિશે પણ જાણવું છે. સાથે જ એ પણ જાણવું છે જો જંગલો શહેરથી દૂર હોય તો આજનો વ્યસ્ત માણસ વનસ્નાનનો લાભ કઈ રીતે લઈ શકે? જો તમે એ વિશે જાણતા હો તો આવતીકાલે સવારે આપણે ફરી ચર્ચા કરીએ. ત્યાં સુધી હું મારા લેખો લખી દઉં અને કેટલીક મુલાકાતો પતાવી દઉં.’ ગાંધીજી સરદારને કહ્યું. સરદાર અને ગાંધી બંને તેમના સમય પાલન તેમજ તેમની અઢળક વ્યસ્તતા માટે જાણીતા હતા. એટલે જ તેઓ માત્ર થોડી મિનિટ માટે મળતા અને જરૂરી ચર્ચા કરીને છૂટા પડી જતા. આજે પણ સરદારે ગાંધીજીની રજા લીધી અને ગાંધીજી તેમના કામે વળગ્યા.

Join our Movement