પ્રકરણ અગિયાર Iડાયરી ઓફ અ ગ્રીનમેન

દિવાળીનો માહોલ હોય ત્યારે અમસ્તા જ મારા દિલના દરવાજે દસ્તક દે અને દરવાજો ખોલું ત્યાં તો સ્મરણો ટોળેબંધ મારા દિલનો કબજો લે. એનું કારણ છે મારા ડેડી. એક સમયે મારા ડેડી ટેક્સટાઈલના ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વના પદ પર કામ કરતા હતા. એ સમયે ડેડી નિરલોન ગ્રુપ ઑફ ઈન્ડસ્ટ્રીમાં મહત્ત્વના પદ પર હતા. નિરલોન ત્યારે આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી ધરાવતી હતી અને રવિ શાસ્ત્રી કે સુનિલ ગવાસ્કર જેવા લેજેન્ડરી ક્રિકેટર્સ પણ આ કંપની સાથે સંકળાયેલા હતા. એ સમયે ડેડીનું ચલણ એવું કે દિવાળી આવવાની હોય એ પહેલાંથી ગિફ્ટરેપ કરેલા બોક્સ અમારે ઘરે આવવા માંડે. અને પછી શરૂ થાય અમારી ગેસિંગ ઘ ગેસની રમત. હું અને મારો ભાઈ પહેલા તો અવનવા રેપર્સ વાળા બોક્સિસને ધરાઈને જોઈ લઈએ અને પછી એ બોક્સમાં શું હશે એની અટકળો શરૂ કરીએ. અલબત્ત, એ ધારણા ચોકલેટ્સ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, વોલ ક્લોક્સ કે કટલરી પુરતી જ સીમિત રહેતી. એથી વિશેષ અમે ક્યારેય કશું ધાર્યું નથી. કોઈને આ બાબત અત્યંત સામાન્ય લાગી શકે એમ છે. કે ‘એથી વિશેષ અમે ક્યારેય કશું ધાર્યું નથી.’નો શું અર્થ હોઈ શકે? પરંતુ અમારે મન એનું અત્યંત મહત્ત્વ હતું. એનું કારણ હતું અમારા ડેડીનો એક સિદ્ધાંત. કે ભેટમાં પણ અમુક હદથી વધુ કિંમતી વસ્તુઓ સ્વીકારવી નહીં. કારણ કે એવી વસ્તુઓ સ્વીકારીને તમે ભેટ નથી સ્વીકારતા, પરંતુ ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરો છો! જોકે ત્યારે તો ડેડીનું એ વલણ અમને બંને ભાઈઓને નહોતું સમજાતું. પરંતુ ડેડીએ પોતાના જીવનમાં એ બાબત દૃઢપણે અમલમાં મૂકી હતી એટલે મેં પણ એ બાબતને અમલમાં મૂકી હતી. આખરે ત્યારેય અને આજેય મારા સુપર હીરો તો મારા ડેડી જ રહ્યા છે! આ સંદર્ભે હું એક કિસ્સો શેર કરવાનું પસંદ કરીશ. ત્યારે અમે જીવનભારતી પાસે કદમપલ્લીમાં રહેતા અને આવી જ એક દિવાળી વખતે પપ્પાની ગેરહાજરીમાં એક મોટા યાર્ન ડિલર અમારે ત્યાં આવી અમને એ ભાઈ અમને નજીકની એક મોટી ગિફ્ટ શોપમાં લઈ ગયા. ત્યાં જઈને અમને કહે કે તમને અહીંથી જે જોઈએ એ લઈ લો, હું તમને અપાવી દઉં છું. ત્યારે મારી ઉંમર પણ ત્યારે કંઈ એવી મોટી નહીં, પરંતુ થોડી સમજણ જરૂર કેળવાઈ ગયેલી. પરંતુ મારો ભાઈ કુણાલ એ વખતે ઉંમરમાં ઘણો નાનો. એટલે હું પેલા ભાઈને ધરાર ના પાડતો રહ્યો અને આખરમાં મેં ત્યાંથી કંઈ જ નહીં લીધું. પરંતુ મારા નાનાં ભાઈને તો તેની ઉંમરના હિસાબે આવા અવનવા રમકડાં જોઈને મજા પડી ગઈ અને તેણે એક મોટી ટોય ટ્રેન પસંદ કરી લીધી. કુણાલને માટે હું હંમેશાં ફાધર ફીગર રહ્યો છું એટલે તેને હું સમજાવતો રહ્યો કે આપણે આ લેવાની જરૂર નથી. પરંતુ કુણાલની ઉંમર સહેજ નાની એટલે એ ઝાઝું સમજી ન શક્યો અને પેલી ટ્રેન પર મોહી જ પડ્યો. આખરે એ ટ્રેન અમારા ઘરે આવી. પરંતુ જેવા પપ્પા ઘરે આવ્યા કે ટ્રેનનું સ્ટેશન પણ બદલાઈ ગયું! ઘરે આવીને પપ્પાએ પૂછ્યું કે આ ટ્રેન ક્યાંથી આવી? એટલે સ્વાભાવિક જ તેમને ખબર પડી કે યાર્નના એક ડિલરે આ લઈ આપી છે. એટલે પપ્પાએ પળનાય વિલંબ વિના એ ટ્રેન ફરી પેક કરાવી લીધી અને પેલા ભાઈને પરત આપી આવ્યા. વળી, તેમને બહુ પ્રેમપૂર્વક સમજાવ્યું કે આ ટ્રેનમાં તેમના કોઈ રિલેટીવને આપી દેજો, પરંતુ મારા બાળકોને જ્યારે પણ આવું કંઈક જોઈશે તો હું જ તેમને યોગ્ય સમયે લઈ આપીશ ! એ સમયે મારો ભાઈ ખૂબ રડ્યો હતો. કારણ કે એને માટે એ રમકડું જ એનું વિશ્વ બની ગયું હતું. મને તો હજુય એ દૃશ્ય સજ્જડ યાદ છે, કારણ કે ડેડીએ મારી પાસે જ ટ્રેન પેક કરાવડાવી હતી. પરંતુ પપ્પાના આવા આચરણથી અમને બંનેને એક વાત સજ્જડ સમજાઈ ગઈ હતી કે ભેટ રૂપે ક્યારેય કરપ્શનને સ્વીકારવું નહીં! અને પોતાને કંઈક લેવાનું મન થાય તો સ્વબળે એ લેવું! હવે એમ થાય છે કે ડેડી પાસે એ કેટલો મહત્ત્વનો ગુણ મને ભેટમાં મળ્યો. એ ગુણે મારી અંદરના સામાન્ય માણસને હંમેશાં જીવીત રાખ્યો છે અને એ ગુણને કારણે જ હું ભૌતીકતાની ભ્રામકતાથી અળગો રહી શક્યો છું. ભૌતીકતાની જ વાત કરું તો ડેડીને ક્યારેય પૈસા દ્વારા ખરીદી શકાતા સુખમાં રસ નહોતો પડ્યો. અલબત્ત, તેમણે જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સંઘર્ષનું કારણ પણ કંઈ જેવું તેવું નહોતું. એક જમાનામાં તો તેઓ શાહપોરની એકવીસ ઓરડાની હવેલીમાં પણ રહેલા તેમજ બાવન ગામમાં તેમની જમીનો હતી. જેમને સયાજીરાવ ગાયકવાડે દેસાઈગીરી સોંપી હતી! એ સમયે જ્યારે ઘરમાં સાયકલ હોવી પણ લક્ઝરી કહેવાતી ત્યારેય ડેડી એક સ્ટાન્ડર્ડ કારમાં ફરતા. પરંતુ સમય એવો બદલાયો કે ડેડી એલએલબી કરતા હતા ત્યારે મારા દાદા અત્યંત ગંભીર રીતે બીમાર પડ્યા. એ જ સમયમાં કેટલાક લોકોએ તેમની સાથે છેતરપીંડી કરી અને મારા દાદા પણ મૃત્યુ પામ્યા. આખરે જે થવાનું હતું એ જ થયું અને તેમણે દોમદોમ સાહ્યબી જતી કરવી પડેલી. ડેડી જ્યારે તેમના બાળપણની કે તેમણે જોયેલી સાહ્યબીની વાતો કરતા ત્યારે હું અહોભાવથી એ વાતોને સાંભળતો રહેતો. શાહપોરની એકવીસ ઓરડાની એ હવેલી જોવા તેઓ જ મને લઈ ગયા હતા અને એ જોઈને મને ખ્યાલ આવ્યો હતો કે ડેડીએ તેમના જીવનનાં કેવું સુખ ભોગવ્યું હતું! સાથે જ મને એવું પણ લાગ્યું હતું કે આ હવેલીમાં માત્ર મારો જન્મ જ નથી થયો. બાકી, હું પણ એવું જીવન જીવ્યો જ હતો! પરંતુ જીવનની રોલર કોસ્ટર રાઈડમાં તેઓ એક બાબત સજ્જડપણે સમજી ગયેલા કે ગજવામાં રહેલા પૈસા કાળજામાં રહેલી ખુમારીને ક્યારેય અસર કરી શકતા નથી. ખુમારી તો એક એવો ગુણ છે, જે ગજવું ખાલી હોય કે ભરેલું હોય, તોય આપણા અસ્તિત્વને ગર્વભેર ટકાવી રાખે છે! અને મેં હંમેશાં એ બાબત સાક્ષીભાવે જોઈ છે કે બીમારી હોય કે જીવનનો કોઈ બીજો સંઘર્ષ હોય, પરંતુ મારા ડેડીની ખુમારી ક્યારેય બુઝાઈ નથી. મેં ક્યારેય એવું નથી જોયું કે અભાવની સામે ડેડીએ ક્યારેય માથું નમાવ્યું હોય કે પ્રલોભવો સ્વીકાર્યા હોય. અભાવ તો એ માણસને ક્યારેય નડ્યો જ નહોતો, કારણ કે એ દિલનો રાજા હતો! પરંતુ તોયે સામેથી આવતી કેટલીક લપસણી ક્ષણોને પણ તેમણે અત્યંત સીફતપૂર્વક નકારી છે અને તેઓ ટટ્ટાર રહ્યા છે. હા, મારા ડેડીને સ્લિપ ડિસ્ક હતું, પરંતુ તોયે તેઓ આજીવન ટટ્ટાર રહ્યા હતા. જોકે ડેડી આજીવન ટટ્ટાર ઊભા રહી શક્યા એનું એક કારણ મારી મમ્મીનો સપોર્ટ પણ હતો. એક સમયે સરકારમાં ઑફિસર રહી ચૂકેલી મારી માએ ડેડી અને અમારા માટે થઈને ઘણું જતું કર્યું છે. પરંતુ એ વાતો તો અલાયદા પ્રકરણમાં, વિસ્તારપૂર્વક જ આલેખવી પડે. એક વાત મને પણ સમજાઈ ગઈ છે કે પૈસા કે ભૌતીકતા બાબતની ડેડીની અલિપ્તતા મને પણ હાડોહાડ પચી છે. આજેય હું અમુક કાર્યોમાં ખર્ચા નથી ગણતો. બસ, સામેનું માણસ ખુશ રહેવું જોઈએ. ડેડીએ જીવનભર આચરણમાં મૂકેલી કેટલીક બાબતોને કારણે જ મનેય કોઈ બાળકના સ્મિતમાં, કોઈ વૃદ્ધનાં સંતોષમાં, કોઈ બીમારની રાહતમાં કે કોઈ જરૂરિયાતમંદની ધરપતમાં જે આનંદ મળે છે એ આનંદ બીજી કોઈ બાબતમાં નથી મળતો. કદાચ એટલે જ ઘણીય વાર મારો પનો ટૂંકો પડી જાય છે તોય હું કેન્સરકેમ્પ્સથી લઈ વ્યસન મુક્તિ કે શિક્ષણની શિષ્યવૃત્તિ જેવા અનેક સામાજિક કાર્યોમાં ઝંપલાવી દઉં છું. આખરે જીવનના નિભાવ માત્ર પૈસાથી જ થોડો થાય? જીવન નભે છે કોઈના સ્મિતમાં, કોઈના સંતોષમાં અને કોઈને આપણે આપેલી હૂંફમાં.

Join our Movement