પ્રકરણ ચાર | ડાયરી ઓફ અ ગ્રીનમેન

હવે જ્યારે આ સ્મરણકથા સંદર્ભે મારા વીતેલા જીવનના વિવિધ કિસ્સા યાદ કરું છું તો મને પોતાને એમ લાગે છે કે મારા જીવનમાં ચમત્કારો સતત થતા રહ્યા છે. જોકે એ વાત પણ એટલી જ સાચી છે એ ચમત્કારો પાછળ મારી પોતાની જાતમાંની મારી શ્રદ્ધા પણ જવાબદાર હતી! વળી, એ પણ એટલું જ સાચું છે કે મારા ગોલ્સને પામવાની મારી જર્ની ઘણી ટફ અને ધીરજની પરીક્ષા કરનારી હતી. પરંતુ મારી એ જર્ની અત્યંત થ્રિલિંગ રહી છે કારણ કે એ યાત્રા અનેક આશાઓ, આંસુઓ, પસીના, ધૈર્ય, અપાર સહનશક્તિ અને અંતમાં વિજયનું કૉકટેલ પણ રહી છે. હવે જ્યારે હું મારા બાળપણથી લઈ આજ સુધીના જીવન પર નજર કરું છું અને મારા ઍવોર્ડ્સથી લઈ મારા અચિવમેન્ટ્સ સુધીના ચમત્કારોની ગણતરી કરું છું તો મને અહેસાસ થાય છે કે માણસના જીવનની પ્રચંડ સફળતાઓમાં સંયોગ માત્ર એકાદ વાર જ હોઈ શકે. બાકી, દર વખતે તમે પસંદ કરેલા લક્ષ્યોને પામવું એ સંયોગ અથવા જોગાનુજોગ કઈ રીતે હોઈ શકે? કોઈને આ બધુ રહસ્યમયી લાગી શકે છે. પરંતુ આ સ્મરણકથા સંદર્ભે જ્યારે હું બધી જ બાબતો પર ઊંડો વિચાર કરું છું તો મને સમજાય છે કે મારી અંદર એક ઘગશ અને જુસ્સો સતત ધગધગતા રહ્યા છે, જેને કારણે મને ક્યારેય ધરવ નથી થતો અને એને કારણે જ મને સતત કોઈને કોઈ ચેલેન્જ લેતા રહેવાનું બળ પણ મળે છે. એ કારણને લીધે જીવનમાં હું સતત પડકારો ઝીલતો રહ્યો છું અને એ પડકારોના માધ્યમથી મારી જાતને ઈવોલ્વ અને ઈમ્પ્રુવ કરતો રહ્યો છું. મને હવે ખ્યાલ આવે છે કે મારી અંદર ગતિશિલતા અને પરિવર્તનની ભૂખ હંમેશાં રહી છે. એ ભૂખ જ મને સતત કંઈ ને કંઈ નવું કરવા પ્રેરતી રહી છે અને સતત નવી નવી સફળતાઓ પામવા માટેનું બળ આપતી રહી છે. જોકે હું એક વાત અત્યંત સ્પષ્ટરીતે કહીશ કે પરિવર્તન કે સફળતા માટેની મારી ભૂખ હંમેશાં નૉન મટિરિયલિસ્ટિક રહી છે. મને ભૌતિક સફળતાઓમાં ક્યારેય રસ પડ્યો નથી! હા, મને ક્યારેય એવા અભરખા નથી થયા કે હું ફલાણી લાઈફસ્ટાઈલ જીવું કે અમુક ચોક્કસ પ્રોપર્ટીઝનો માલિક બનું. અલબત્ત, જીવનમાં મેં ઘણું પ્રાપ્ત કર્યું છે. પરંતુ એ બધુંય મારા કામની બાયપ્રોડક્ટ છે. એ વાત ભલે અત્યંત આદર્શવાદી લાગે, પરંતુ આ સ્મરણકથામાં આ કબૂલાત કરવી મારો ધર્મ બની જાય છે. અને એટલે જ હું પ્રામાણિક થઈને કબૂલીશ કે જે ભૌતિક્તા કે લક્ઝરી હું પામ્યો છું એ મને મારા કામની બાયપ્રોડક્ટ તરીકે જ મળી છે. મેં ક્યારેય એ બધું પામવાને માટે થઈને ક્યારેય મારી લાઈફનાં ગૉલ્સ સેટ નથી કર્યા. હું યાદ કરું છું તો મારા ધ્યાનમાં આવે છે કે મારા ઉછેર વખતે મારા ડેડી મને હંમેશાં મને કેટલાક વર્લ્ડ લિડર્સના ઍક્સ્ટ્રાઑર્ડિનરી જીવન સંઘર્ષ વિશેની પ્રેરણાત્મક વાતો કરતા. સાથે જ તેઓ એ બાબતે પણ મારું ધ્યાન દોરતા કે દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે, જે લોકોએ એવું ઍક્સ્ટ્રા ઑર્ડિનરી જીવન પસંદ કર્યું છે. આ તો ઠીક ઇતિહાસે પણ એવા જ લોકોને યાદ રાખ્યા છે! સોનાની મહોર જેવા ડેડીના એ શબ્દો મને આજે પણ યાદ છે કે, ‘કોઈને ભલે તારામાં લગીર વિશ્વાસ નહીં હોય, પરંતુ જો તને તારી જાતમાં શ્રદ્ધા હશે તો તારી અંદર એક આત્મવિશ્વાસ ડેવલપ થશે, જેનાથી તું જે ધારશે એ સફળતા પામી શકશે. કારણ કે લોકો પોતે જ્યારે કંઈક નથી કરી શકતા ત્યારે તેઓ તમને કહેવા માંડે છે તમે પણ કંઈક અચિવ નથી કરી શકતા. પરંતુ લોકોની વાતનું જીવનમાં ક્યારેય કોઈ મહત્ત્વ નથી હોતું. જો તેં કોઈક સપનું જોયું છે તો એ સપનાંનું જતન કર. જો તારે કંઈક પામવું છે તો એનો એક જ રસ્તો છે અને એ રસ્તો છે સાચી દિશામાં આગળ વધ અને પોતાના સપનાંને સાકાર કર.’ પપ્પાની એ વાત મને હાડોહાડ પચી ગઈ છે. અંતમાં, એક ઑર્ડિનરી લાઈફ ન જીવવાની મારી ધગશે મને સતત પરિવર્તનો તેમજ પડકારો ઝીલવાની ફરજ પાડી. જોકે એક વાત પણ સ્વીકારવી રહી કે નવી નવી ચેલેન્જીસ સ્વીકારવાની કે ક્યારેક તો સામે ચાલીને તોફાનોને છંછેડવાની મારી વૃત્તિએ મારા વ્યક્તિત્વના ઘડતરમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. એક બિઝનેસમેન તરીક મને આ પ્રક્રિયામાં ઘણો નફો જણાયો છે. કારણ કે પડકારો ઝીલતા રહેવાને કારણે મારી અંદર ઘણી સ્કીલ્સ ડેવલપ થઈ છે. આ તો ઠીક કશુંક નવું સ્વીકારવાનો મારી અંદરનો ભય પણ દૂર થઈ ગયો છે. અને એ બધાની સાથે મારી ધીરજ કેળવાઈ છે કે મારી અંદર રહેલા આક્રોશનું ક્રિએટીવિટીમાં રૂપાંતર થયું છે એ વધારાનું! શું એ નાનો ફાયદો છે? આખરે આ ફાયદો જ તો આપણી સફળતાઓની માસ્ટર ફોર્મ્યુલા છે. અને સફળતા એટલે શું? તોકે મારા મતે સફળતા એટલે એ સિદ્ધિ, જ્યાં તમારા જીવને પરમ સંતોષ, ઈનર જોય અને અલ્ટીમેટ પીસ મળતું હોય! એક સમય એવો પણ હતો કે લોકોને એ બાબતે શંકા રહેતી કે વિરલ કઈ રીતે કશુંક અચિવ કરી શકે? તો ક્યારેક એ પ્રશ્ન પણ તલવારની જેમ તોળાતો રહેતો કે એક સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઈઝ બિઝનેસ સફળતાના વિવિધ આયામો કઈ રીતે સર કરી શકે? પરંતુ મેં એ તમામ પ્રશ્નો કે શંકાઓને એક પડકારના રૂપમાં સ્વીકારી લીધા અને સમયાંતરે લોકોએ ચીંધેલી મારી વીકનેસને મારી ટ્રોફીઝ અને સન્માનોમાં પરિવર્તિત કરતો રહ્યો. હવે પાછળ ફરીને જોઉં છું તો ખ્યાલ આવે છે કે સ્કૂલ કે કૉલેજ ટાઈમમાં મેં જીતેલા સર્ટિફિકેટ્સ અથવા ગુજરાત સરકારના ચાર ઍવોર્ડ્સ કે ભારત સરકારની એનર્જી કન્સર્વેશનની ત્રણ ગૉલ્ડન ટ્રોફીઝ કે ઉધનામાં તૈયાર થયેલું ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફૉરેસ્ટ એ મેં સ્વીકારેલા એવા પડકારો છે, જે પડકારોએ મને માત્ર ટ્રોફીઝ જ નથી અપાવી, પરંતુ મને પરમ સંતોષ અને જૉય આપ્યો છે, જે જૉય જ કદાચ મારી લાઈફનો અલ્ટિમેટ ગોલ છે. કેમ? કારણ કે મને ઍક્સ્ટ્રાઑર્ડિનરી જીવન તરફ ગતિ કરવાનું ગમે છે! ઍની વે, મને મળેલા ઍવોર્ડ્સ વિશે તો મારે અલાયદા ચેપ્ટર્સ લખવાના છે. પરંતુ એ પહેલાં મારે મારી લાઈફના શરૂઆતના વર્ષોના મારા પેશન વિશે વાતો કરવી છે. પરંતુ એ બધુંય તબક્કાવાર થશે. એકસામટું બધું કહીશ તો તમને કંટાળો આવી જશે!

Join our Movement