જો શહેરો હવે નહીં જાગ્યા તો…

એક સવારે સરદાર અત્યંત ચિતિંત ચહેરે ગાંધીજીને મળ્યાં. સરદારના ચહેરા પરની ચિંતા બાપુ પામી ગયા. એટલે સરદાર પાસે બેસે એ પહેલાં તેમણે પૂછ્યું, ‘કેમ આજે ચહેરો ઉતરેલો?’ ‘કંઈ નહીં બાપુ. આજે સંશોધન કરતો હતો તો એક વિચિત્ર આંકડો મારા ધ્યાનમાં આવ્યો અને એ આંકડાને કારણે મન ખિન્ન છે.’ સરદારે કહ્યું. ‘કેમ? એવો તે શું આંકડો છે?’ બાપુએ પૂછ્યું. ‘બાપુ, આંકડો કંઈક એવો છે કે ભારતમાં દર વર્ષે ૭.૫ મિલિયન લોકો ગ્રામ્ય ભારત છોડીને શહેરો તરફ જઈ રહ્યા છે. અને વર્ષ ૨૦૫૦ સુધીમાં આ રીતે ૯૧૫ મિલિયન લોકો શહેરોમાં જઈને વસવાના છે.’ ‘અચ્છા. તો આમાં તમને કઈ બાબતે ચિંતા છે? ગામડાં ભાંગી રહ્યા છે અને આપણું ગ્રામ સ્વરાજનું સ્વપ્ન તૂટી રહ્યું છે એ બાબતે કે કોઈ અન્ય બાબતે?’ બાપુએ સરદારને ગ્રામસ્વરાજનો વિચાર ફરી યાદ અપાવ્યો. ‘એ બાબત તો ખરી જ. કારણ કે આપણે ગ્રામસ્વરાજના માધ્યમથી ભારતની સ્વનિર્ભતાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ એ સ્વપ્ન તો ક્યારયનું ભાંગીનો ભૂક્કો થઈ ગયું છે. મને તો જે બાબતે ચિંતા છે તે પર્યાવરણ બાબતે અને ભારતના નાગરીકોના સ્વાસ્થ્ય બાબતની છે.’ સરદારે કહ્યું. ‘એમ? મને એ ચિંતા વિશે વિસ્તૃતપણે સમજાવો.’ બાપુએ બાળકની જેમ શીખવાની તૈયારી દર્શાવી. ‘એ ચિંતા એટલા માટે છે બાપુ, કે ભારતના શહેરો હાલમાં જ વસ્તી વિસ્ફોટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એ વસ્તીની સામે શહેરોમાં વૃક્ષોની સંખ્યા સાવ નજીવી છે તો બીજી તરફ વસ્તીને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, જમીન અને નદીઓનું પ્રદૂષણ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. શહેરોમાં કાર્બનનું ઉત્સર્જન એ હદે વધી ગયું છે કે હાલમાં શહેરોની વસ્તી સૌથી વધુ પ્રમાણમાં કેન્સર, હવાજન્ય રોગો, ચામડીના રોગો અને આંખો સંબંધીત સમસ્યાઓ સૌથી વધુ પ્રમાણમાં છે.’ સરદારે ગંભીર સ્વરે કહ્યું. ‘સાચી વાત.’ બાપુએ માત્ર હકાર આપ્યો. ‘એવામાં જો દર વર્ષે દેશની ૭.૫ મિલિયન આબાદી જો શહેરો ભણી જતી હોય તો એનો મતલબ એ થયો કે શહેરોનો વિસ્તાર પણ વધી રહ્યો છે. કારણ કે એમ તો કંઈ બનવાનું નથી કે એ બધી વસ્તી કંઈ શહેરોની મૂળભૂત જગ્યામાં સમાઈ જશે. એ વસ્તીને રહેવા, તેમના કામ માટે, તેમના મનોરંજન માટે કે તેમને માટેની અન્ય વ્યવસ્થાઓ કરવા માટે શહેરોના આઉટર એરિયાઝને શહેરોમાં ભેળવવા જ પડશે.’ સરદારે સહેજ પોરો ખાધો. ‘તો એનો અર્થ એ થયો કે શહેરોની આસપાસના વિસ્તારમાં જે ગ્રીન કવર છે, જે કવર શહેરની વસ્તીને થોડો ઘણો લાભ આપી રહ્યો છે એ ગ્રીન કવરનો પણ નાશ થશે. તો પછી શહેરો તેમની વસ્તીને આધારે વૃક્ષોની અછતને પહોંચી કઈ રીતે વળશે? કારણ કે એક તો આમેય વૃક્ષો ઓછા છે, એમાં જે વૃક્ષો કે લીલોતરીનો શહેરોનો લાભ મળી રહ્યો હતો એમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. એનો અર્થ એ થયો કે શહેરોમાં વસતા લોકોએ દિવસે ને દિવસે અત્યંત મોટી શારીરિક બીમારો અને પ્રદૂષણનો સામનો કરવો પડશે.’ સરદારે કહ્યું. ‘બિલકુલ સાચી વાત છે.’ બાપુએ કહ્યું. ‘વળી બાપુ, આ ગ્રહ પર વૃક્ષો જ એકમાત્ર એવી બાબત છે, જે કુદરતી રીતે અત્યંત મોટા પ્રમાણમાં કાર્બન શોષી લે છે અને તેની સામે શુદ્ધ ઑક્સિજન આપે છે. બીજી તરફ કાર્બન ઉત્સર્જનમાં શહેરો મોખરે છે. તો પછી આ દાખલો સાચો પડશે કઈ રીતે?’ સરદારે કહ્યું. ‘બરાબર. તો એના માટે કરવું શું?’ બાપુએ કહ્યું. ‘એ વિશે આપણે પહેલાં ચર્ચા કરી જ છે કે હવે આપણા શહેરોને બગીચાની નહીં, પરંતુ અર્બન ફોરેસ્ટ્સની સૌથી વધુ જરૂર છે. વળી, અર્બન ફોરેસ્ટની સાથે અર્બન ફોરેસ્ટના સંદર્ભની પોલીસીઓની પણ એટલી જ જરૂર છે, જેથી દરેક શહેરોમાં ચોક્કસ જગ્યા અર્બન ફોરેસ્ટ માટે અનામત રખાય અને એ અનામત જગ્યામાં રોપાયેલા વૃક્ષોનું પણ સંરક્ષણ થાય. અને જો નજીકના ભવિષ્યમાં આમ નહીં થયું તો આવનારા વર્ષોમાં દાટ વળવાનો છે એ વાત નક્કી છે.’ સરદારે કહ્યું. ‘સાચી વાત છે. એ હિસાબે હવે અર્બન ફોરેસ્ટ એ જ શહેરો માટે એકમાત્ર એવો વિકલ્પ છે, જે શહેરોને અનેક સમસ્યાઓમાંથી ઉગારી શકે એમ છે.’ બાપુએ પણ એમાં હામી ભરી.

Join our Movement