સપ્તપર્ણીના લાભો તો છે, પણ તેનો અતિરેક નહીં ચાલે

ગાંધીજીને સપ્તપર્ણીના લાભો વિશે જાણવું હતું એટલે તેમણે સરદારને સાંજે ફરી બોલાવ્યા હતા. સરદાર પણ પોતાના ચોક્કસ સમયે ગાંધીજી પાસે હાજર હતા એટલે બંને જણા સાબરમતી આશ્રમની બહારના રસ્તા પર ચાલવા નીકળ્યા. ‘તો સરદાર, મને સપ્તપર્ણીના લાભો વિશે જણાવો.’ બાપુએ વાતની શરૂઆત કરી. ‘જી બાપુ. પણ એ પહેલાં તમને સપ્તપર્ણીનું બોટનીકલ નામ જણાવું. વનસ્પતીશાસ્ત્રના જાણકારો કહે છે કે સપ્તપર્ણીનું વૃક્ષ અપોસિનૈસીયાએ ફેમિલીમાંથી આવે છે અને તેનું વૈજ્ઞાનિક નામ અલસ્ટોનિયા સ્કોલૈરિસ છે. આ વૃક્ષ દક્ષિણ એશિયામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે તો ભારતમાં હિમાલયન રેન્જમાં યમુના નદીના પૂર્વિય તટના વિસ્તારોમાં પ્રાકૃતિક રીતે આ વૃક્ષ અત્યંત મોટા પ્રમાણમાં ઊગે છે. એ સીવાય ઓસ્ટ્રેલિયા અને આફ્રિફાના કેટલાક વિસ્તારોમાં પણ આ વૃક્ષ મોટા પ્રમાણમાં જોવા મળે છે.’ સરદારે બાપુને માહિતી આપી. ‘સરદાર તમે તો હવે ભારતના નામાંકિત વનસ્પતીશાસ્ત્રી તરીકે પણ ઓળખાશો એવું લાગે છે.’ બાપુએ વિનોદ કર્યો અને તેમની આગવી શૈલીમાં બાળકની જેમ હસી પડ્યા. ‘જી બાપુ. મને હવે વનસ્પતીઓ વિશે જાણવું, સમજવું અત્યંત ગમે છે. આ સપ્તપર્ણી વિશે પણ મેં જાણ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વૃક્ષ આમ લાભદાયી પણ છે, પરંતુ છતાંય એ વૃક્ષની સાથે ગેરમાન્યતાઓ એટલી બધી જોડાયેલી છે કે એ વૃક્ષને લઈને વિવાદો થયા કરે છે અને લોકો બે વર્ગનાં વહેંચાઈને તેની તરફેણમાં કે તેની વિરુદ્ધમાં એમ સામસામી દલીલો કરી રહ્યા છે.’ ‘હમમ’ બાપુએ કહ્યું. ‘સપ્તપર્ણીનો ઉપયોગ એલોપથીમાં તો છે જ, પરંતુ આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ લખાયો છે. આ વૃક્ષના પાંદડા, તેની છાલ અને તેનાં ફૂલ એમ ત્રણેય વસ્તુઓ વિવિધ રોગોમાં દવા દરીકે વપરાય છે.’ ‘એમ?’ બાપુએ પૂછયું. ‘હા, સપ્તપર્ણી ડાયેરિયા અને મેલેરિયામાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તો ગ્રામ્ય વિસ્તારમાં શરીર પર થયેલા ઊંડા ઘા ભરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ તો ઠીક કેટલાક કેન્સરની દવાઓમાં પણ તેનો ઉપયોગ કરાય છે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.  તો ચામડીના રોગો અને સર્પદંશમાં પણ આ વૃક્ષના પાંદડા, ફૂલ અને છાલનો ઉપયોગ થાય છે.’ સરદારે માહિતી આપી. ‘જો આ વૃક્ષના આટલા બધા લાભો હોય તો પછી વિવાદનું કારણ શું છે? રાત્રે આ વૃક્ષની જે વિચિત્ર સુગંધ આવે છે એને લીધે ? કે એ સુગંધની સાથે જે લોકવાયકાઓ જોડાઈ ગઈ છે એ માટે?’ બાપુએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. ‘ગ્રામીણ વિસ્તારોમાં તો લોકવાયકાઓનું જોર છે બાપુ. પરંતુ શહેરી વિસ્તારમાં કેટલાક જાણકારો તર્ક આપે છે કે જો એ વૃક્ષ જેતે પ્રદેશનું મૂળ વૃક્ષ ન હોય તો તેને વધુ માત્રામાં ન રોપવું જોઈએ. મોકાણ ત્યાં થઈ છે કે અનેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ જ્યાં ને ત્યાં આંખ મીંચીને સપ્તપર્ણી રોપી દીધા છે. કેટલાય બગીચાઓ તો આખેઆખા સપ્તપર્ણીથી ઊભરાઈ રહ્યા છે. તો કેટલાય વિસ્તારોમાં કિલોમિટર્સ લાંબી ફૂટપાથો પર માત્ર સપ્તપર્ણી અને કોનોકાર્પસ ઝૂલી રહ્યા છે.’ ‘અચ્છા.’ ‘એને કારણે થઈ એ રહ્યું છે બગીગાઓ અને રસ્તાઓ મોડી રાતથી લઈ સવાર સુધી સપ્તપર્ણીની વિચિત્ર ગંધથી ખદબદતા રહે છે. એ વૃક્ષની ગંધ લોકોને ન ગમે એ સ્વાભાવિક છે. તો જેમને શ્વાસની તકલીફ છે એમને એ તકલીફ વધુ વકરે અને બેચેની થાય. એટલે એક કારણ તો એ થયું. તો જાણકારો બીજું કારણ એ પણ આપી રહ્યા છે કે શહેરોના તંત્રો જ્યારે સપ્તપર્ણી જેવા વૃક્ષોનું જ મોટાપ્રમાણમાં વાવેતર કરવાનો આગ્રહ રાખે છે ત્યારે બાયોડાવર્સિટી અને ઈકોસિસ્ટમ પર ઘેરી અસરો થાય છે.’ સરદારે કહ્યું. ‘હા… વાત તો સાચી. ગીતામાં પણ ભગવાને આ જ તો કહ્યું છે કે કોઈ પણ બાબતની અતિ કરવી યોગ્ય નથી.’ બાપુએ કહ્યું. ‘જી. એ જ તો બાબત છે. શહેરોમાં સપ્તપર્ણી અને કોનોકાર્પસ બાબતે અતિરેક થઈ રહ્યો છે. એ અતિરેકને કારણે આંબો, આંબલી, પીપળો, વડ, સરગવો, લીમડા, જમરૂખ કે અન્ય ફળ આપનારા નેટિવ સ્પિસિસના વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, જેને કારણે શહેરોની ઈકો સિસ્ટમ અને બાયોડાવર્સિટી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આખરે શહેરોમાં વિવિધતાભર્યા વૃક્ષો ન હોય તો સ્વાભાવિક જ પક્ષીઓ અને અન્ય જૈવ સૃષ્ટિ પર અસર થાય અને એ અસરના માનવજીવન પર પણ પ્રત્યાઘાત તો પડે જ.’ ‘ઓહ… વાત તો સાચી અને ગંભીર છે સરદાર. અમુક જ પ્રકારના વૃક્ષોનો આગ્રહ રાખવો એ પણ બાયોડાવર્સિટી અને ઈકો સિસ્ટમને તો નુકસાન જ છે.’ બાપુએ કહ્યું. ‘જોકે વિદેશમાં તો કેટલીક જગ્યાએ એવું પણ છે કે લોકોને ખાવામાં કે ખપમાં આવે એ રીતે જાહેર જગ્યાએ વૃક્ષો રોપવામાં આવે.’ સરદારે કહ્યું. ‘એમ? મારે તો એ વિશે પણ જાણવું છે. આ તો પાછું નવું લાવ્યા તમે.’ બાપુએ કહ્યું. ‘જરૂર ક્યારેક લાગ આવશે તો એ વિશે પણ આપણે ચર્ચા કરીશું.’ એમ સરદારે કહ્યું અને તેઓ છૂટા પડ્યા. 

Join our Movement