પ્રકરણ આઠ | ડાયરી ઓફ અ ગ્રીનમેન

અગાઉ મેં જે વાતો શેર કરેલી એમાં મેં સાયન્સ સ્ટ્રીમમાંથી હું કૉમર્સ સ્ટ્રીમમાં શું કામ આવ્યો એ વિશેની વાતો અહીં આલેખેલી. સ્પોર્ટ્સ માટેનું મારું જે પેશન હતું એ પેશનને કારણે જ મેં સાયન્સ સ્ટ્રીમ છોડવાનો નિર્ણય કરેલો અને સેન્ટ ઝેવિયર્સમાંથી એક અન્ય સ્કૂલમાં ઍડમિશન લીધેલું. પરંતુ થોડા જ સમયમાં મારું સ્પોર્ટ્સ પાછળનું પેશન મેં સાવ જુદા પ્રકારની બાબતમાં ટ્રાન્સલેટ કર્યું અને હું મૉડેલિંગમાં મારી કરિઅર બનાવવા તરફ વળ્યો હતો. એ વિશે અગાઉના એક ચેપ્ટરમાં હું કહી ગયો છું કે મને બહુ જલદી રિયલાઈઝ થઈ ગયું હતું કે સ્પોર્ટ્સમાં કોઈ કરિઅર નથી. કારણ કે હું જે સમયની વાત કરી રહ્યો છું ત્યારે હજુ એવો ટ્રેન્ડ સેટ થયો હતો કે ક્રિકેટથી લઈને બેડમિન્ટન કે ટેનિસ સુધીના સ્પોર્ટ્સને ખેલાડી કરીઅર તરીકે પસંદ કરી શકે એના માધ્યમથી પૈસા કમાઈ શકે. અને મને જેમાં અત્યંત પેશન હતું એ બાસ્કેટબોલમાં તો આજે પણ કોઈ કરિયર નથી. જોકે સ્પોર્ટ્સને છોડીને મૉડેલિંગમાં જવા પાછળનું સૌથી નક્કર કારણ મને મળ્યું ઝેવિયર્સમાંથી બીજી સ્કૂલમાં ઍડમિશન લેતી વખતે. યસ, મેં જ્યારે સાયન્સમાંથી કૉમર્સમાં જવાનું નક્કી કરેલું ત્યારે એક- બે સ્કૂલો બાબતે મને એવું હતું કે સ્પોર્ટ્સના સર્ટિફિકેટ્સ અને ડિસ્ટ્રીક્ટ લેવલના મારા પરફોર્મન્સિસને આધારે એ સ્કૂલો પ્રાઉડલી મને ઍડમિશન આપશે અને હું એ સ્કૂલ્સ વતી વિવિધ કૉમ્પિટિશન્સમાં રમીશ! પરંતુ એવું જરાય નહીં થયું બલ્કે સ્કૂલ્સના ઈન્ટરનલ પૉલિટિક્સને કારણે સ્પોર્ટ્સ ક્વોટા હોવા છતાંય મને ઍડમિશન નહોતું મળ્યું! એ કારણે મને ત્યારે જ ખ્યાલ આવી ગયેલો કે સ્પોર્ટ્સ પેશન અને જોય સુધી તો ઠીક છે, પરંતુ તેની બીજી ઝાઝી પ્રોડક્ટિવિટી નથી. હા, સ્પોર્ટ્સને કારણે મારામાં કેટલીક ક્વોલિટીઝ જરૂર ડેવલપ થઈ છે. અને એ વિશે મારે વિગતે વાત કરવી જ રહી. સ્પોર્ટ્સનો મને સૌથી મહત્ત્વનો ફાયદો એ થયો કે જીવનની દરેકેદરેક બાબત માટે મારા સ્ટાન્ડર્ડ્સ અત્યંત ઊંચા થયા. ત્યારે મને ભલે ખ્યાલ નહીં હોય, પરંતુ હવે મને સમજાય છે કે ત્યારથી મને સ્પોર્ટ્સનું ખેંચાણ મને એટલે જ હતું કે મને ચેમ્પિયનશીપ હંમેશાં આકર્ષતી હતી. શું કામ? કારણ કે ચેમ્પિયનશીપ એટલે કંઈ માત્ર વિજેતા જ થવું એવું નહીં, પરંતુ મારે માટે ચેમ્પિયનશીપ એ એક એવી સ્થિતિ છે, જે સ્થિતિ અનેક ક્વોલિટીઝથી ભરપુર હતી. અને મને એ બેસ્ટ ક્વોલિટીઝને આત્મસાત્ કરવું હંમેશાં વધુ આકર્ષ્યું છે. ચેમ્પિયન હોવું એ મારે માટે એક માઈન્ડ સેટ છે. એટલે એ મારે માટે એ જરૂરી નથી કે કોમ્પિટિશન હોય તો જ ચેમ્પિયન થઈ શકાય. હું માનું છું કે ઘરના નાનાં-મોટા કામોથી લઈ જીમ હોય કે પછી બિઝનેસ અથવા પોતાના કામથી લઈને ભણતર સુધીની બાબતમાં કોઈ ગોલ્ડમેડલિસ્ટ જે ઍફર્ટ્સ આપે એ ઍફર્ટ્સ આપવું. અને એ જ ખરી ચેમ્પિયનશીપ છે! ચેમ્પિયન્સ ક્યારેય કોઈ એક સક્સેસથી કે કોઈ એક ઊંચાઈથી સંતોષ માની લેતા નથી. કારણ કે અગાઉ કહ્યું એમ મારે માટે એ એક એટિટ્યુડ છે અને એટલે જ એ ઍટિટ્યુડ સતત કશુંક ને કશુંક અચિવ કરતા રહેવાની ઘગશ પૂરી પાડે છે. અને એટલે જ ચેમ્પિયન કોઈ એક સ્ક્સેસ સ્ટેજ પર પહોંચીને સંતોષ માની લેતા નથી. તેઓ કોઈ એક ગોલ પૂરો થાય એટલે ક્ષણનાય વિલંબ વિના ચેમ્પિયન તેનો બીજો ગોલ નક્કી કરી દે છે. અને ચેમ્પિયન એક પછી એક ગોલ શું કામ સેટ કરે છે ખબર? કારણ કે તેને કોઈ મટિરિયલ સક્સેસમાં રસ નથી હોતો. ચેમ્પિયનને દર વખતે એક જ બાબતમાં રસ હોય છે અને એ બાબત છે દર વખતે પોતાની જાતનું બેટર વર્ઝન ક્રિએટ કરવું. અને એટલે જ ચેમ્પિયન્સ ક્યારેય આઉટકમ્સની ચિંતા નથી કરતા. તેમના માટે એક જ બાબત મહત્ત્વની હોય છે, કે કોઈ પણ બાબતમાં તેમણે તેમનું બેસ્ટ આપ્યું કે નહીં! હું માનતો થયો છું કે આપણે જે કરીએ એ બેઝિક નહીં, પરંતુ બેસ્ટ જ હોવું જોઈએ, ધારો કે તમે ડ્રોઈંગ કરો છો તો તમારું ડ્રોઈંગ બેસ્ટ જ હોવું જોઈએ. અથવા તમે બાસ્કેટ બોલ રમો છો તો તમારા વિના ટીમની કલ્પના જ શક્ય ન હોય એ રીતનું તમારું પરફોર્મન્સ હોવું જોઈએ. હું આ એટિટ્યુડને ચેમ્પિયન્સ એટિટ્યુડ તરીકે ડિફાઈન કરું છું. જોકે આ એટિટ્યુડ બાબતે મારું એવું પણ માનવું છે કે આપણે એવું નથી ધારી લેવાનું કે આપણે લીધે જ કોઈ ગેમ ચાલે છે કે આપણે લીધે જ અમુક બાબતો ચાલે છે. પરંતુ આ એટિટ્યુડના માધ્યમથી આપણે આપણા બીઈંગને અનેક ઊંચાઈઓ પર લઈ જવાનું છે અને શ્રેષ્ઠતાની સાધના કરવાની છે. આ સંદર્ભે મારે એક બીજી પણ વાત કહેવી છે, જે બાબત મારા જીવન અને મારા વ્યક્તિત્વ સાથે સજ્જડ બેસી ગઈ છે. મારા વિશે એવી મિથ છે કે વિરલ દેસાઈ ઍવોર્ડની પાછળ પાગલ છે અને તે ઍવોર્ડ્સ ખરીદી લે છે. કેટલીક વાર તો લોકો મને મોઢા પર પૂછી લે છે કે આ ઍવોર્ડ ખરીદવો હોય તો શું કરવાનું? એવા સમયે મને અત્યંત હસવું આવે, પરંતુ પછી મને એમ થાય કે એ લોકોને હું કહી રીતે એક્સપ્લેઈન કરું કે માત્ર નેશનલ ઍવોર્ડ્સ માટે ભારત સરકારના કેટકેટલા ક્રાયટેરિયા હોય છે અને એને માટે પીએચડીના રિસર્ચર્સ તૈયાર કરે એવડી મોટી થિસીસ કરવી પડતી હોય છે! જોકે આ મિથ બાબતે આજે આ મેમોયરમાં એટલું જ કહેવું છે કે મારી ઑફિસમાં ડિસ્ટ્રિક, સ્ટેટ, નેશનલ કે ઈન્ટરનેશલ લેવલના અનેક ઍવોર્ડ્સ હાજર છે એ ઍવોર્ડ્સ એટલા માટે જ હાજર છે કે મારે એ શ્રેષ્ઠતાના તમામ ધારાધોરણ જે દેશની સરકારે નક્કી કર્યા છે અથવા તો કોઈ મોટી ઑર્ગેનાઈઝેશન્સે નક્કી કર્યા હોય એને સર કરવા હતા. કોઈ પણ કેટેગરી માટે જે ટફ સ્ટાન્ડર્ડ્સ નક્કી કરાયા હોય છે એ સ્ટાન્ડર્ડ્સ પર મારે વિજય મેળવવો હોય છે. એ રીતે મારે બીજાને કશું બતાવવાનું નથી થતું, પરંતુ મારી જાતનું બેસ્ટ વર્ઝન ક્રિએટ કરવું હોય છે કે શ્રેષ્ઠતા માટે જે નિયમો નક્કી કરાયા છે કે જે ક્રાઈટેરિયા નક્કી થયા છે એ ક્રાઈટેરિયા અને નિયમોમાં હું બેસ્ટ પરફોર્મ કરું. કદાચ એ અભિગમને કારણે જ પાંચથી વધુ વાર ભારત સરકારના નેશનલ એવોર્ડ્સ ભારતના બે રાષ્ટ્રપતિઓ અને કેબિનેટ મંત્રીઓના હાથે સ્વીકારવાની તક મળી છે. માનનીય નરેન્દ્ર મોદીજીના હાથે પણ ઍવોર્ડ્સ સ્વીકારવાની મને તક મળી છે અને વાયબ્રન્ટ ગુજરાતના એક એવોર્ડ વખતે તો મારા જેવા નાના બિઝનેસમેનને મુકેશ અંબાણી કે રતન ટાટાજીની હરોળમાં બેસવાની તક મળી છે. બાકી, આમ જોવા જઈએ તો એક ટ્રોફી અથવા સર્ટિફિકેટની વેલ્યું શું? એ તો મેટલ અથવા પેપર જ છેને? પરંતુ એ એવોર્ડના માધ્યમથી જાતને પ્રૂવ કરવાનો જે સંતોષ મળે એ મારે માટે વધુ મહત્ત્વનો છે. કારણ કે અગાઉ કહ્યું એમ એ રીતે હું પેલા ચેમ્પિયન્સ ઍટિટ્યુડને પેમ્પર કરતો હોઉં છું અને એ રીતે હું શ્રેષ્ઠતાની સાધના કરતો હોઉં છું.

Join our Movement