લૈંટાના કૈમરા બાબતે જાગૃત થઈએ નહીં તો…

બાપુએ બીજા દિવસની સવારે આવવા કહેલું એટલે સરદાર ફરીથી આશ્રમ પહોંચ્યા. બાપુ તો સમયના અત્યંત ચોક્કસ એટલે તેઓ નિયત સમયે તૈયાર હતા અને સરદારના આવતા જ અન્ય કોઈ પણ ઔપચારિકા વિના વિષય પર આવ્યા. ‘તો કહો સરદાર, જીમ કોર્બેટમાં વાઘને માટે લૈંટાના કૈમરા કઈ રીતે વિનાશક સાબિત થઈ છે?’ ‘બાપુ, માત્ર વાઘ માટે જ નહીં, પરંતુ જીમ કોર્બેટની ઈકોલોજી પર જ આ વિનાશી વનસ્પતીએ કહેર મચાવ્યો છે. લૈંટાના કૈમરા આમ પાછી ઘાસની પ્રજાતિ કહી શકાય, પરંતુ મેં તમને અગાઉ કહેલું એમ ઘાસની એ પ્રજાતિ એટલી નફ્ફટ છે કે તે અન્ય પ્રજાતિના ઘાસને ઉગવા નથી દેતી અને પોતે યુદ્ધના ધોરણે આગળ વધે છે.’ ‘હમમ…’ ગાંધીજી માત્ર સાંભળવાના મૂડમાં હતા. તેમણે કશું બોલવું નહોતું. ‘એક તો આ વનસ્પતીનો પ્રાણીઓ ખોરાકમાં ઉપયોગ નથી કરતા અને બીજી તરફ તે યુદ્ધના ધોરણે જીમ કોર્બેટમાં આગળ વધી રહી છે, જેને કારણે થયું છે એવું કે ઘાસ ચરીને જીવતા હરણ અને સાબર જેવા પ્રાણીઓ ખોરાક માટે અન્ય જગ્યાએ માઈગ્રેટ થઈ રહ્યા છે અને એ પ્રાણીઓ શહેરો તરફ કે વધુ માનવવસ્તી તરફ આગળ વધી રહ્યા છે એટલે જંગલોમાં વાઘના ખોરાક પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ એક પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે વાઘ પણ એ પ્રાણીઓની પાછળ માનવ વસ્તી તરફ જઈ રહ્યા છે, જેને કારણે માણસો અને વાઘ વચ્ચે ઘર્ષણ ઊભું થઈ ગયું છે.’ સરદારે સહેજ પોરો ખાધો અને તેઓ ફરી બોલ્યા, ‘એક આંકડો તો એમ પણ કહે છે કે જીમ કોર્બેટમાં જ્યાં ટાઈગર રિઝર્વ છે ત્યાં સત્તર ટકા ભૂમિ પર ઘાસના મેદાનો છે. પરંતુ એ મેદાનો પર ત્રીસથી વધુ ટકા લૈંટાના કૈમરાએ કબજો જમાવ્યો છે, જેને કારણે વાઘના અસ્તિત્વ પર ખતરો ઊભો થવાની શક્યતાઓ અત્યંત વધી રહી છે.’ ‘અરે અરે… આ તો અત્યંત ગંભીર કહેવાય સરદાર. તો ત્યાંનું તંત્ર શું પગલાં ભરી રહ્યું છે?’ ગાંધીજીએ સવાલ કર્યો. ‘તંત્ર પગલાં તો ભરી રહ્યું છે બાપુ. લૈંટાના કૈમરાને દૂર કરવા માટે હવે તો ત્યાંની સ્થાનિક સરકાર દ્વારા વિશેષ બજેટ ફાળવવામાં આવે છે. તો હાથી, હરણ, સાબર જેવા શાકાહારી પ્રાણીઓને માટે યોગ્ય હોય એવું ઘાસ ત્યાં રોપવા માટે વિશેષરૂપે નર્સરીઝ તૈયાર કરવામાં આવી છે અને નવા ઘાસનું વાવેતર પણ થઈ રહ્યું છે…’ ‘તો પછી સમસ્યા હજુ સુધી કેમ ગંભીર છે?’ બાપુએ તેમની લાક્ષણિક શૈલીમાં પૂછ્યું. ‘એન બે-ત્રણ કારણો છે બાપુ. એક કારણ તો એ કે લૈંટાના કૈમરા જેવા ગંભીર પ્રશ્ન પર કામ બહુ મોડું શરૂ થયું. બીજું કારણ એ કે જે કામ ઉચ્ચસ્તરે થઈ રહ્યું છે નીચલા સ્તરે યોગ્ય રીતે નથી થઈ રહ્યું. કારણ કે ઉપલા સ્તરે પોલિસીઝ ફટાફટ ઘડાઈ રહી છે, પરંતુ જે ઝડપે લૈંટાના કૈમરા હટાવી દેવાની હોય કે એની જગ્યાએ ઘાસની અન્ય પ્રજાતિ રોપી દેવાની હોય એ કામગીરી ધીમી થઈ રહી છે. અને ત્રીજો મુદ્દો એ કે સ્થાનિક લોકોમાં અથવા આદિવાસીઓમાં લૈંટાના કૈમરાના નુકસાન વિશે જાગૃતિનો અભાવ છે. જો લોકોમાં જાગૃતિ આવી જાય તો આપોઆપ લોકો એના પર કામ કરતા થઈ જાય અને સરકારની મદદ વિના ઘણું ખરું નક્કર કાર્ય થઈ શકે.’ સરદારે વિસ્તૃત જવાબ આપ્યો. ‘સાચી વાત છે.’ ‘પણ આ તો જીમ કોર્બેટની વાત થઈ. લૈંટાના કૈમરાનો સડો ગુજરાતના શહેરો સુધી આવી પહોંચ્યો છે અને લોકો પોતાના ગાર્ડ્ન્સમાં, પોતાના ફાર્મ્સ પર અને પોતાની સોસાયટીઓના બગીચાઓમાં પણ આ સત્યાનાસીને જ મહત્ત્વ આપી રહ્યા છે. મને તો એની પણ ચિંતા છે કે કોઈકે શહેરોમાં લૈંટાના કૈમરા દ્વારા થતા નુકસાન અને જૈવીક તંત્રમાં તેની ગેરહાજરી વિશે જાણકારી આપવી જ રહી. નહીંતર સુંદરતાના ચક્કરમાં આપણે અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા કરી દઈશું અને આપણા વાતાવરણને અસ્વચ્છ કરતા રહીશું…’ સરદારે કહ્યું. ‘તમારી વાત તો સાચી છે સરદાર. હવે લોકોએ જ સમજવું પડશે અને ખાસ તો આપણી વનસ્પતીઓ અને વૃક્ષો વિશેની તેમણે ચોક્કસ જાણકારી મેળવવી પડશે. નહીંતર અજાણતામાં ને અજાણતામાં લોકો નકામી વનસ્પતીઓને પ્રોત્સાહન આપતા રહેશે બાયોડાવર્સિટીને નુકસાન પહોંચાડતા રહેશે.’ ગાંધીજીએ વાત પૂરી કરી ત્યાં આશ્રમ આવી ગયો હતો એટલે સરદાર પોતાના નિવાસ તરફ ગયા અને બાપુ આશ્રમમાં જઈ ‘નવજીવન’ના તંત્રીલેખોના કામમાં પરોવાયા.

Join our Movement