સપ્તપર્ણી વિશેની આ વાયકાઓ તમે સાંભળી છે?

સપ્તપર્ણી વિશે ગાંધીજીએ વધુ જાણવું હતું એટલે તેમણે સરદારને બીજા દિવસે ફરી બોલાવ્યા હતા. સરદાર ચોક્કસ સમયે આશ્રમના દરવાજે આવીને ઊભા રહ્યા હતા અને હજુ તો તેઓ સહેજ પોરો ખાય કે બાપુ બહારની તરફ આવતા દેખાયા. સરદારને ગાંધીજીના સમયપાલન વિશે તો ખ્યાલ હતો જ, પરંતુ ગાંધીજીના સમયની તેમને કદર પણ હતી. એટલા માટે તેમણે સપ્તપર્ણી વિશે આગોતરા અભ્યાસ કરી રાખ્યો હતો. ‘બોલો સરદાર સપ્તપર્ણી પર થયેલા સંશોધનો વિશે જણાવો.’ ગાંધીજીએ પહેલો જ સવાલ કર્યો. ‘જી બાપુ. ગઈકાલે આપણે જે તર્ક લગાવ્યો હતો એ તર્ક સાચો હતો અને મને એક ઠેકાણે વાંચવા મળ્યું કે રાત્રિના સમયે એ વૃક્ષના ફૂલોમાંથી વિચિત્ર પ્રકારની ગંધ આવવાને કરણે દુનિયાના કેટલાક હિસ્સામાં તેને ‘ડેવિલ્સ ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે રીતે આ ચર્ચાસ્પદ વૃક્ષને ‘ડેવિલ્સ ટ્રી’ કહેવાય છે એમ આ વૃક્ષને ‘સ્કોલર ટ્રી’ પણ કહેવાય છે. જોકે ‘સ્કોલર ટ્રી’ એ પણ તેનું વૈજ્ઞાનીક નામ નથી, પરંતુ અનેક બીમારીઓમાં ખપમાં આવવાને કારણે આ વૃક્ષને જૂદી જૂદી મિથને હિસાબે સ્કોલર ટ્રી કહેવાય છે.’ સરદારે કહ્યું. ‘અચ્છા.’ ‘આ વૃક્ષ પર થયેલા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આ વૃક્ષની પરાગ વિવિધ પ્રકારની એલર્જી માટે જવાબદાર બને છે. તો વૈજ્ઞાનીકોનો એક વર્ગ એમ પણ માને છે કે ઈનફર્ટિલિટી માટે પણ આ વૃક્ષ જવાબદાર છે. આ કારણે એમ કહેવાય છે સપ્તપર્ણીનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરતા પહેલાં દાક્તરની સલાહ ખાસ લેવી. તો ઉંદરો પર થયેલા સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ વૃક્ષ ટેરાટોજેનિક પ્રભાવને પણ વધારે છે. એટલે કે આ વૃક્ષથી બાળકોમાં કેટલાક જન્મજાત દોષો પણ જોવા મળી શકે છે. જેને કારણે ગર્ભવતી સ્ત્રીઓને સપ્તપર્ણીથી કે તેના સેવનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.’ ‘અચ્છા. તો મને એ કહો કે આ સપ્તપર્ણી નેટિવ સ્પિસિસની વૃક્ષ છે કે નહીં?’ ગાંધીજીએ સવાલ કર્યો. ‘આનો જવાબ હામાં પણ છે અને ના માં પણ. આમ તો આ વૃક્ષનો ઇતિહાસ ઓસ્ટ્રેલિયા અને પેનિસુએલા સુધી જાય છે, પરંતુ આ વૃક્ષનું નામ અત્યંત ભારતીય અને સંસ્કૃત ભાષાનો પ્રભાવ ધરાવતું છે. એનો અર્થ એ થયો કે આ વૃક્ષ મૂળ ભારતીય નહીં હોય તોય તો પણ તેના સંસ્કૃત નામને કારણે ભારત સાથે પાંચેક હજાર વર્ષનો સંબંધ તો ધરાવે જ છે! વળી, વિશ્વના કેટલાક ભાગોમાં તો તેને ‘ઈન્ડિયન ડેવિલ્સ ટ્રી’ના નામે પણ ઓળખાય છે. એનો અર્થ એ થયો કે આ વૃક્ષ હવે મૂળ ભારતીય વૃક્ષ જ કહી શકાય. વળી, હિમાલયના કેટલાક આદિવાસી પ્રદેશોમાં તો આ વૃક્ષ સંદર્ભે કેટલીક લોક-માન્યતાઓ પણ મળી આવે છે!’ ‘એમ ? હિલામયના આદિવાસી વિસ્તારોમાં તેના વિશે લોક-માન્યતાઓ પણ છે એમ? સરદાર તમે તો અત્યંત સંશોધન કરીને આવો છો.’ ‘હા બાપુ. હિમાલયના કેટલાક આદિવાસી વિસ્તારમાં આ વૃક્ષને અશુભ માનવામાં આવે છે. પરંતુ જો કુદરતી રીતે જો આ વૃક્ષ ક્યાંક ઊગી નીકળ્યું હોય તો કોઈ તેને કાપવાની હિંમત નથી કરતું. પણ હા, પછી કોઈ એ વૃક્ષની નીચે બેસતું નથી. એમાં ય જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેને બાળકનો જન્મ થઈ જાય ત્યાં સુધી સપ્તપર્ણીની સામેથી પસાર થવા દેવાતી નથી. ત્યાં એવી માન્યતા છે કે સપ્તપર્ણીએ રાક્ષસી વૃક્ષ છે, જેથી જો ગર્ભવતી સ્ત્રી એ વૃક્ષનો છાંયો લે કે તેની સમીપ જાય તો સ્ત્રીને ગર્ભપાત થઈ જાય છે!’ સરદારે કહ્યું. ‘ઓહો શું વાત કરો છો.’ બાપુને આ લોકમાન્યતા વિશે જાણીને આશ્ચર્ય થયું. ‘હા, પરંતુ એ માત્ર લોકવાયકા છે એટલું જ. એ લોકવાયકા તેની અતિતીવ્ર અને કંઈક અંશે વિચિત્ર કહી શકાય એવી ગંધને કારણે જ બંધાઈ છે. બાકી તો આ વૃક્ષ ઔષધી તરીકે પણ અત્યંત ઉપયોગમાં આવે છે. અને આયુર્વેદમાં પણ આ વૃક્ષના ઉપયોગનો ઉલ્લેખ થયો છે.’ સરદારે કહ્યું. ‘એમ? તો હવે મારે સપ્તપર્ણીના લાભો વિશે જાણવું છે. મને તો હવે આવતીકાલે સવારની પણ રાહ નથી જોવાતી. એટલે જો તમને સમય હોય તો આપણે આજે સાંજે જ મળીએ છીએ.’ ગાંધીજીએ આશ્રમની દિશામાં વળતા કહ્યું. ‘તમારી સાથે વખત ગાળવા મળે તો કોણ ન આવે? હું સાંજે ફરી આવું છું.’ એમ કહીને સરદારે બાપુને આશ્રમના દરવાજે છોડ્યા અને તેમના કામે નીકળી ગયા.

Join our Movement