શું કામ માત્ર નેટિવ સ્પિસિસ જ?

એક સવારે ગાંધી બેઠા હતા ત્યાં નિયમ મુજબ સરદાર તેમની મુલાકાતે આવ્યા. ગાંધી અને સરદાર બંનેને એવી આદત કે તેઓ કામ સિવાયની એક પણ વધારાની વાત ન કરે. સરદાર હજુ તો તેમની બાજુમાં બેઠા પણ નહીં ત્યાં તેમણે મુદ્દો છેડ્યો, ‘સરદાર, મને એ સમજાવો કે અર્બન ફોરેસ્ટના કન્સેપ્ટમાં નેટિવ સ્પિસિસના વૃક્ષોનું મહત્ત્વ શું? ઘણીવાર લોકો વિદેશી વૃક્ષોનો પણ અર્બન ફોરેસ્ટમાં સમાવેશ કરતા હોય છે. તો શું એ યોગ્ય છે ખરું?’ ‘બાપુ, આપની વાત તો સાચી. લોકો અર્બન ફોરેસ્ટમાં જ નહીં, પરંતુ પોતાના ઘરની આસપાસ કે રસ્તાઓ પર પણ સપ્તપર્ણી અને કોનોકાર્પસ જેવા વૃક્ષો લગાવે છે. આ સિવાય પણ નિલગીરી અને ગુલમહોર જેવા વૃક્ષો ઠેરઠેર દેખાય છે. એ વૃક્ષો દેખાવમાં તો સરસ લાગે. પરંતુ આવા વૃક્ષોની જે-તે વિસ્તારના પર્યાવરણમાં બહુ ઝાઝી અસર રહેતી નથી.’ સરદારે સ્પષ્ટ જવાબ આપ્યો. ‘અરે અરે. એવું કેમ? જો વૃક્ષો બીજા વિસ્તારમાં ફૂલીફાલી શકતા હોય તો એ પર્યાવરણના ખપમાં તો આવી જ શકેને?’ બાપુએ સવાલ કર્યો. ‘ના. પર્યાવરણમાં જે અસર નેટિવ સ્પિસિસના વૃક્ષો કરે એ અસર નોન નેટિવ પ્લાન્ટ્સ કે ઑર્નામેન્ટલ સ્પિસિસ નહીં કરી શકે.’ ‘એવું કઈ રીતે?’ ગાંધીજીએ આ વિષયમાં હજુ વધુ સમજવું હતું. ‘એટલા માટે કે જે નેટિવ સ્પિસિસના વૃક્ષો હોય છે એ વૃક્ષો જે-તે વિસ્તારના વાતાવરણ, પ્રાણીઓ તેમજ જીવાતો સાથે સદીઓનો નાતો ધરાવતા હોય છે. એવા સંજોગોમાં તેઓ ઈકો સિસ્ટમને જાળવી રાખવામાં કે તેના પ્રોત્સાહનમાં અત્યંત મહત્ત્વનો ફાળો ભજવતા હોય છે.’ ‘અચ્છા. વાતમાં દમ તો છે.’ ‘હા, પણ આપણા દેશની નિયતિ એવી ખરાબ છે કે લેન્ડસ્કેપિંગ વખતે મોટાભાગે બીજા દેશોના નોન નેટિવ પ્લાન્ટ્સની જ વધુ પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના પ્લાન્ટ્સના પાંદડા અને થડમાં પણ જૂદા પ્રકારના કેમિકલ કમ્પાઉન્ડ્સ હોય છે જેને કારણે પક્ષીઓ કે એકબીજા પર આધારિત અન્ય જીવાતોને અથવા પતંગીયાને એ પ્લાન્ટ્સ કોઈ ખપમાં આવતા નથી. આ ઉપરાંત નથી તેમાંથી તેઓ ખોરાક મેળવી શકતા કે ન તેઓ એના પર માળો બાંધી શકે અથવા પ્રજનન કરી શકે. દુઃખની વાત એ છે કે અર્બન ફોરેસ્ટ તો હજુ દૂરની વાત રહી, પરંતુ લોકો પોતાના ફાર્મ પર અને મસમોટી સોસાયટીઓના કોમન પ્લોટ્સમાં અને બગીચાઓમાં પણ દેખાવમાં સુંદર હોય એવા વિદેશી પ્લાન્ટ્સ જ મોટાપાયે લગાવી રહ્યા છે.’ સરદારે સવિસ્તાર કહ્યું. ‘હે ઈશ્વર. આવું હોય તો તો જીવ સૃષ્ટિને મોટા પાયે નુકસાન થવાનું. અને આખી ઈકોસિસ્ટમમાં મસમોટું ગાબડું પડે એનું શું?’ ‘એ જ તો ચિંતા છે બાપુ. લેન્ડસ્કેપિંગ વખતે હંમેશાં એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને એ બાબત છે વૃક્ષોની પસંદગી. જો એમાં જ ગોથું ખાઈ જવાય તો થઈ રહ્યું કલ્યાણ. આપણે ત્યાંના મૂળ વૃક્ષોની અવગણના કરવામાં લોકોને અનેક રીતે નુકસાન છે. પણ તેમને સમજાવે કોણ? પાકિસ્તાનમાં તો ત્યાંની સરકારે આ માટે વિશેષ પગલાં લેવડાવ્યા અને આખા ને આખા શહેરોમાંથી કોનોકાર્પસ જેવા નોન નેટિવ વૃક્ષોને ત્યાંથી કઢાવ્યા. તો આપણા દેશમાંય સમયાંતરે આ સમસ્યા જોવા મળી છે કે નોન નેટિવ વૃક્ષોને કારણે કેટલાક પ્રદેશોના લોકો ઈન્ફેક્શનનો શિકાર થયેલા. અને આ સમસ્યા તો બાજુએ મૂકીએ, થોડા મહિના પહેલા જ તાઉતે વાવાજોડું આવ્યું ત્યારે એક નવી સમસ્યા જોવા મળી. સમસ્યા એ જોવા મળી કે મુંબઈ અને ગુજરાતમાં વિદેશથી લવાયેલી ખજૂરીઓ અને ગુલમહોરના અનેક ઝાડો ધરાશયી થઈ ગયા. પરંતુ વડ, પીપળો કે આંબો જેવા વૃક્ષોમાં વિદેશી વૃક્ષોની સરખામણીએ ઘણી ઓછી નુકસાની થઈ. એનો મતલબ એ થયો કે એ વૃક્ષો અહીંની જમીન સાથે તાલમેલ પણ મેળવી શકતા નથી.’ સરદારે ચિંતા વ્યક્ત કરી. ‘નેટિવ સ્પિસિના વૃક્ષોના બીજા શું લાભો છે સરદાર?’ ‘સૌથી મોટો લાભ તો એ જ કે નેટિવ સ્પિસિસના વૃક્ષોને વધુ દેખરેખની જરૂર નથી પડતી. શરૂઆતમાં થોડો સમય તેમની પાછળ ધ્યાન આપવું પડે. પરંતુ પાછળથી તેને કોઈ દરકારની જરૂર નથી પડતી. એ વૃક્ષો સહેજ મોટા થાય ત્યાં પક્ષીઓની અવરજવર વધી જાય છે અને પક્ષીઓની આવનજાવનને કારણે ત્યાંનું વાતાવરણ પ્રફૂલ્લિત તેમજ હકારાત્મક રહે છે. એ ઉપરાંત ઋતુઓ મુજબ એ વૃક્ષો પર ફૂલો અને ફળ થાય. જેને કારણે આસપાસનું સૌંદર્ય અત્યંત વધી જાય. સૌથી મોટી બાબત તો એ કે આ વૃક્ષો પાણીની બચત કરે છે અને અવાજના પ્રદૂષણ તેમજ હવાના પ્રદૂષણને નાથે છે. આ સિવાય પણ બીજા અનેક લાભો છે. પરંતુ લોકોને સમજાવે કોણ? એમણે તો લૉન કરવી છે અને દેખાવમાં સુંદર હોય એવા વૃક્ષો લગાવવા છે.’ ‘હાહાહા. આજનો માણસ કેવો થઈ ગયો છે સરદાર. એમને લીલોતરી તો જોઈએ છે, પરંતુ એ પણ પોતાની શરતે. પછી ગામ આખામાં કહેતા ફરે કે અમે તો પ્રકૃતિ પ્રેમી છીએ. પણ જો એ વૃક્ષો કે છોડ પર વરસને વચલે દિવસે પણ ફળ કે ફૂલ ન બેસવાનું હોય તો શું કામનું?’ ગાંધીજીએ કટાક્ષ કર્યો. ‘એ જ તો વાત છે બાપુ. લોકો પ્રકૃતિને ચાહવાની તો વાત કરે છે, પરંતુ એ ચાહત ભૂલ ભરેલી અને લાભ વિનાની છે.’ ‘લોકો નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વધુમાં વધુ લગાવે એ માટે કોઈ ઉકેલ ખરો?’ ગાંધીજીએ ફરી સવાલ કર્યો. ‘આનો ઉકેલ જાગૃતિ અને લગાવ છે. પહેલાં લોકોમાં આ વિશે જાગૃતિ આણવી પડશે. એ માટે અનેક સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સરકારી તંત્રોએ આગળ આવવું પડશે.’ ‘… અને વૃક્ષો પ્રત્યેનો લગાવ ઊભો કરવા?’ ગાંધીજીએ સરદારની આંખોમાં જોયું. ‘એને માટે દેશપ્રેમ અને કુટુંબપ્રેમનો સહારો લેવો પડે. આખાને આખા ફોરેસ્ટ કે જાહેર પ્લાન્ટેશન દેશના નેતાઓ કે શહીદોને નામે થાય અથવા તો લોકોના મૃત કુટુંબીજનોની યાદમાં પ્લાન્ટેશન થાય કે લોકો પોતાના જીવનના વિશેષ દિવસો પ્લાન્ટેશનના માધ્યમથી ઉજવે… આનાથી થશે શું કે લોકોનો વૃક્ષો સાથેનો ઘરોબો કેળવાશે અને લોકો તેમની દરકાર રાખતા થશે. આખરમાં લાભ તો લોકોને જ થશેને?’ ‘વાહ સરદાર વાહ. મને શ્રદ્ધા છે એવા કેટલાક લોકો તો હશે જ જેઓ આ દિશામાં વિચારશે અને નક્કર પગલાં લેશે.’ ‘જી બાપુ. જો એવું થશે તો આપણા દેશની નવી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે.’ (લેખક જાણીતા ઈકોપ્રિન્યોર છે, જેમને પર્યાવરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સન્માન એનાયત થયા છે.)

Join our Movement