પ્રકરણ બાર I ડાયરી ઓફ અ ગ્રીન મેન

ડાયરી ઑફ અ ગ્રીનમેનમાં મને આજે કંઈક જુદા જ પ્રકારની વાત શેર કરવાનું મન થાય છે. મને લાગે છે કે કોઈ ઑર્ગેનાઈઝેશનના ચેરમેન અથવા કંપનીના સીઈઓ તરીકે મારે આ વાત ખાસ શેર કરવી જોઈએ. કારણ કે મારે જે બાબતે વાત કરવી છે એ બાબત સફળ લીડરશીપનું એક મહત્ત્વનું અંગ છે.

વાત છે બોસિઝમની. બોસિઝમ એટલે સામાન્ય રીતે એવું ધારી લેવાય કે પોતાને માટે કામ કરતા કર્મચારીઓ અથવા ઑર્ગેનાઈઝેશનના મહત્ત્વના લોકો સાથે કડકાઈથી અથવા તુચ્છતાથી વાત કરતું વ્યક્તિત્વ. મારા મનમાં પણ આ જ વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક બંધાયેલી છે. પરંતુ એ સંદર્ભે મારું આચરણ સાવ જૂદા છેડાનું અને મારી સાથે કામ કરતા કોઈને પણ માફક આવે એવું હોય છે. કારણ કે એ બાબતે મેં નક્કી કર્યું હતું કે મારી નીચે અથવા મારી સાથે કામ કરનારા તમામ માણસને મારી સાથે કમ્ફર્ટ ફીલ થવી જોઈએ અને તેને મારી સાથે હંમેશાં સેઈફ ફીલ થવું જોઈએ.

કોઈને કદાચ એમ સવાલ થાય કે મારે એવું નક્કી ક્શું કામ કરવું પડ્યું? તો એનો જવાબ એ છે કે જ્યારે મેં કોઈકની નીચે કામ કરેલું ત્યારે મેં ઘણીવાર અત્યંત નીકટતાથી જોયેલું કે કેટલાક ઉપરી લોકો અથવા સંસ્થાના માલિકો તેમના સાથી કર્મચારીઓ કે નીચેના માણસો સાથે કડવાશથી વાતો કરતા અથવા તુચ્છ પ્રકારનું વર્તન કરતા. એવા સમયે જેમની સાથે દુર્વ્યવહાર થયો હોય છે એ લોકોની હાલત જોઈને મને અત્યંત ખરાબ લાગતું અને એટલે જ મેં નક્કી કરેલું કે ભવિષ્યમાં મારે જ્યારે પણ ઉપરી તરીકે કામ કરવાનું થશે અથવા જો મારે જો લીડર થવાનું આવશે તો હું ક્યારેય કોઈની સાથે પદ કે કામના પ્રકારને કારણે હીણપતભર્યું વર્તન નહીં કરું.

અગાઉના પ્રકરણમાં હું કહી જ ગયો છું કે હું એન્ત્રપેન્યોર બન્યો એ પહેલાં મેં સાયબર કાફેથી લઈ કૉલ સેન્ટર અને એલઆઈસીથી લઈ ડીજેઈંગ કે મૉડેલિંગ સુધીના ક્ષેત્રોમાં કામ કર્યું છે. એ બધાય કામો અને અનુભવો દરમિયાન હું અત્યંત ઘડાયો અને જીવન કે કામ પ્રત્યેનો મારો અભિગમ અને દૃષ્ટિકોણ પણ ઘણો બહોળો થયો. અને એ કામો કે એ વર્ષોએ જ મને આજ માટે કે આવનારા ભવિષ્ય માટે તૈયાર પણ કર્યો.

એ કામો દરમિયાન હું ઘણીય વાર મારા સિનિયર્સ કે બોસની ગેરવર્તણૂકનો સાક્ષી બન્યો છું. પરંતુ ત્યારે અને આજે જ્યારે મારી નીચે ચારસો જેટલા માણસો કામ કરે છે ત્યારેય મને એક બાબત ગળે નથી ઉતરી કે માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરવા માટે પોઝિશન્સ કે સિનિયોરિટીને ક્યાં જરૂર પડે? માન્યું કે ઘણીય વાર સાથેના કે નીચેના માણસો ભૂલો કરતા હશે. કે કદાચ કેટલાક કિસ્સામાં એમ પણ બને સાથે કે આપણી નીચે કામ કરતું કોઈક વ્યક્તિ બદમાશી પણ કરે. પરંતુ એને માટે વર્તનમાં દુર્વવ્હારની ક્યાં જરૂર પડે? આવા કિસ્સામાં ક્યાં તો તમારે હેલ્ધી સંવાદ અને સમજાવટની જરૂર પડે અથવા તો કાયદાની જરૂર પડે. ત્રીજી વાતની જરૂર જ શું કામ પડે?

મારી આ માન્યતા દૃઢ થઈ એની પાછળ બેએક કિસ્સા સૌથી વધુ જવાબદાર છે. એક કિસ્સો છે હું ઘોડદોડ રોડ પરની એક સંસ્થામાં કામ કરતો ત્યારનો. એ સંસ્થામાં હું મેનેજર તરીકે કામ કરતો ત્યારે ત્યાંના ઑનરનું વર્તન મને હંમેશાં હેરત પમાડતું. મારી સાથે કે અન્ય કોઈ કર્મચારી સાથે તેઓ જે સ્તર પર જઈને વાત કરતા કે જે શબ્દોનો પ્રયોગ કરતા એનાથી મને આશ્ચર્ય પણ થતું અને પીડા પણ થતી. કારણ કે મારો ઉછેર સહેજ જૂદી રીતે થયો હતો અને એ ઉછેરમાં અપશબ્દો તો દૂરની વાત રહી, અજાણતામાં પણ સામેનો માણસ આપણા વર્તનથી ન દુભાય એનું ધ્યાન રાખવાની શીખ અપાયેલી. એવા સમયે પોતાની નીચે કામ કરનારા લોકો સાથે ધરાર અપશબ્દો અથવા તો ‘તું તા’ માં અપાતા આદેશો મને દંગ કરી જતા.

તો બીજો કિસ્સો છે મારા એલઆઈસીના કામ વખતનો. મારી કૉલેજના સમયમાં જ મેં એલઆઈસીની પોલીસીઝ લેવાનું શરૂ કરેલું. એ સમયે ડેડી ઘણા મોટા પદ પર કામ કરતા એટલે તેમના જાણીતા લોકોનો પણ સંપર્ક કરેલો. પરંતુ એ સંપર્ક કરવાથી લઈને પોલીસી મેળવવા સુધીની બધીય મથામણો મારી એકલાની જ. ડેડી ન તો એમાં માથું મારે કે નહીં તેમના જાણીતા લોકોને એમ કહે કે હું તેમનો દીકરો છું. રાધર એકાદ- બે લોકોને ખબર હોય કે હું સુધીરભાઈ દેસાઈનો દીકરો છું તો ડેડીએ તેમને સામેથી કહી રાખ્યું હોય કે એને સુધીર દેસાઈના દીકરા તરીકે ટ્રીટ નહીં કરતા! એને એની જાતે જ એનો રસ્તો કરવા દો.

એવા સમયે ઘણીય વાર પોલીસીઝ આપવા કે ક્લાયન્ટ્સને કન્વીન્સ કરવા હું એક ઓફિસથી બીજી ઑફિસ આંટા મારતો. એ દરમિયાન દર વખતે મને જુદો જુદો અનુભવ થાય. દર વખતે એવું તો બને નહીં કે ક્લ્યાન્ટ સાથે મારી સીધી મુલાકાત થઈ જાય. ઘણીય વાર એવું બનતું કે મને ટાઈમ અપાયો હોવા છતાં મારે કલાકો સુધી એ પાર્ટીની ઑફિસની બહાર બેઠા રહેવું પડે. ક્યારેક તો એમ પણ બનતું કે બે-અઢી કલાક બહાર બેસાડ્યા બાદ મને એમ કહેવામાં આવે કે આજે તેમનાથી મળી શકાય એમ નથી. તો ફરી ક્યારેક આવજો!

એ સમય એવો હતો કે મને તો ત્યારે એવો સંઘર્ષ કે પડકાર જેવું લાગતું નહીં. રાધર હું તો મારી કૉલેજ લાઈફ સરસ રીતે એન્જોય કરી રહ્યો હતો. એટલે એવા અનુભવોને કારણે હું દુઃખી થાઉં કે નાસીપાસ થાઉં એવું કશું ન બનતું. પરંતુ ત્યારેય મારી માન્યતા એવી દૃઢ થઈ ગયેલી કે મારે દ્વારે જો કોઈ આવશે તો હું એને આ રીતે રાહ નહીં જોવડાવું. ક્યાં તો તેને મળી લઉં અથવા તો તેને સમૂળગો મળવા ન બોલાવું. પણ બહાર બેસાડી રાખીને કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ પ્રત્યે બેદરકાર નહીં રહું. આખરે કોઈકના પ્રત્યે બેદકારી હોવી કે કોઈકની હાજરીને અવગણી કાઢવી એ પણ એક જાતનું તુચ્છ વર્તન જ છે અને મારે આવા ગુણને મારા જીવનમાં સ્થાન આપવું નહોતું.

અને કુદરતની એ મહેરબાની પણ છે કે હું મારા જીવનમાં કે મારા કામ દરમિયાન આ ગુણને આત્મસાત્ કરી શક્યો છું. હું બહુ દૃઢપણે માનું છું કે આદરનું જીવનમાં અત્યંત મહત્ત્વ છે અને આદર માત્ર આપણા કરતા મોટાઓને કે વડીલોને જ નહીં, દરેક વયની વ્યક્તિને આપવાનો હોય છે. આખરે દરેકનું એક આત્મસન્માન હોય છે અને એ આત્મસન્માનને ઠેસ ન પહોંચે એનું દરેકે ધ્યાન રાખવું જોઈએ.

હું એમ પણ દૃઢપણે માનું છું કે ધારોકે તમને કોઈક સંસ્થાને અથવા કંપનીને લીડ કરો છો તો કુદરત તમને એક તક આપે છે, જે તકના માધ્યમથી તમે તમારી નીચેના કર્મચારીઓ કે નાનામાં નાના વ્યક્તિને આદર અને પ્રેમ આપી શકો છો. આખરે પ્રેમ અને આદરમાં જે તાકાત છે એ તાકાત ડર અને પાવર બતાવવામાં નથી. રાધર એક સક્સેસફૂલ લીડર પણ એ છે જે પ્રેમથી કામ કઢાવી શકતો હોય. પ્રેમના બદલામાં હંમેશાં પ્રેમ જ મળતો હોય છે અને આવા સમયે તમારી ટીમની પ્રોડક્ટિવિટી બમણી થઈ જતી હોય છે.

બાકી, કામ તો આખી જિંદગી કરવાનું જ છે. નછૂટકેય કામ તો આપણે કરવું જ પડશે. પરંતુ કામમાં જ્યારે વેલ્યુઝ ભળે ત્યારે એ કામ વેતરું નહીં પરંતુ ઉત્સવ બનતું હોય છે અને એવી જવાબદારી હંમેશાં એક લીડરની કે સિનિયરની હોય છે.

બની શકે કે ક્યારેક કોઈકને કડવા અનુભવો થાય તો રિપ્લાયમાં એ બીજાને કડવો અનુભવ જ આપે. મારી સાથેય એવું બની જ શક્યું હોત. અને એ વાત સાચી પણ છે કે જ્યારે તમને કડવાશ મળી હોય ત્યારે તમે આસાનીથી બીજાને મીઠાસની ભેટ નથી આપી શકતા. પરંતુ આખરમાં એ જ અભિગમ તમારા જીવનની દિશા નક્કી કરે છે કે તમે તમને મળેલી કડવાશની સાંકળ બરકરાર રાખો છો કે એ સાંકળ તોડીને પછી પ્રેમ અને આદરની નવી પ્રથા શરૂ કરો છો? મેં મારી જ આસપાસમાં એવા લોકો જોયા છે, જેઓ તેમના મનની કડવાશ જલદી જલદી દૂર કરી શકતા નથી. અથવા આજીવન એક ચચરાટ સાથે તેઓ જીવે છે. પરંતુ મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું અપમાનનો બદલો અપમાનથી કે અવગણનાથી નહીં આપું. બલકે સામે પક્ષે બમણો પ્રેમ અને કમ્ફર્ટ આપીશ, જેથી જે અનુભૂતિ મને પસંદ નથી એ અનુભૂતિ હું બીજાને નહીં થવા દઉં.

અને અત્યંત મહત્ત્વની વાત તો એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ વ્યવસાયિક રીતે સફળ થાય છે ત્યારે એ સફળતામાં ક્યારેય કોઈ એક વ્યક્તિના એફર્ટ્સ હોતા નથી. એ સફળતામાં એક આખેઆખી સિસ્ટમનો ભાગ હોય છે અને સિસ્ટમ બને છે માત્ર ને માત્ર સક્ષમ ટીમથી. અને ટીમ ત્યારે જ સક્ષમ બને છે જ્યારે તમે પ્રેમ અને આદરનું સિંચન કર્યું હોય. નહીંતર તમે પૈસા જરૂર કમાઈ શકો, પરંતુ પ્રચંડ સફળતા અને પ્રેમ નહીં મેળવી શકો.

આખી વાત હું માત્ર એક જ ઉદાહરણથી પૂરી કરીશ. વીસમી સદીમાં એક તરફ ગાંધીજી હતા, જે માત્ર પ્રેમ અને સત્યની વાત કરી રહ્યા અને બીજી તરફ એ જ સમયમાં હીટલર હતો, જેણે ડર અને પાવરની તરફદારી કરી હતી. આખરમાં થયું શું? ગાંધીની સાથે આખો દેશ જોડાયો અને અંગ્રેજોએ પણ તેના પ્રેમની તાકાતનો સ્વીકાર કરવો પડ્યો. અને હીટલરને યુરોપે જ મરવા માટે મજબૂર કર્યો. ઈનશોર્ટ પ્રેમ અને આદરનું એક આગવું માહત્મ્ય છે અને ઈશ્વર જ્યારે આપણને એ માટેની તક આપે ત્યારે કોઈને પ્રેમ અને આદર આપવાની તક ક્યારેય ચૂકવી નહીં.

Join our Movement