શહેરો પાસે પણ જંગલનો વિકલ્પ છે

એક સવારે મહાત્મા ગાંધી સ્વર્ગમાં બેઠા બેઠા રેટિંયો કાંતી રહ્યા હતા ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ તેમની મુલાકાતે આવ્યા. સરદારને વહેલી સવારે જોઈને બાપુને આશ્વર્ય થયું, કારણ કે આટલી સવારે સરદાર પોતે પણ કામમાં વ્યસ્ત હોય.એટલે કારણ વિના તેઓ મળવા ન આવે. ‘શું સરદાર? કેમ આજે વહેલી સવારે?’ બાપુ સીધા મુદ્દા પર આવ્યા. ‘કંઈ નહીં બાપુ. આ તો થોડા મહિના પહેલા આપણા ગુજરાત પર તાઉતે નામનું ભયંકર વાવાઝોડુ ત્રાટક્યું પછી વૃક્ષોને જે ખુંવારી થઈ એ વિશે ચિંતા છે.’ સરદાર ચિંતિત સ્વરે બોલ્યા. ‘અરેરે… નુકસાન કેટલું થયું?’ ‘નુકસાનની તો વાત જ જવા દો બાપુ. માણસો અને ઢોર- ઢાંખર સુદ્ધાં મર્યા. અને વૃક્ષોને તો જે નુકસાન થયું છે એની વાત જ જવા દો…’ સરદારે બાપુ પાસે બેસીને નિસાસો નાંખ્યો. સહેજ થોભીને ફરી સરદાર બોલ્યા, ‘બાપુ બે દિવસના વાવાઝોડામાં આખાય ગુજરાતમાં લાખો વૃક્ષો એકસાથે ધરાશયી થઈ ગયા હતા. હવે એ ભરપાઈ કરવી જ પડશે.’ ‘અત્યંત દુઃખદ કહેવાય સરદાર. એક તો આમેય દેશમાં વૃક્ષો ઓછા. એમાં જો આવી કુદરતી આપદાઓમાં સાગમટે વૃક્ષો ધરાશયી થતા રહેશે તો માનવજાત કરશે શું?’ ‘એની જ તો ચિંતા છે બાપુ. આમેય કોરોનાની બીજી લહેર વચ્ચે અનેક વૃક્ષોનું નિકંદન થયું હતું. મને તો ત્યારે જ ચિંતા થઈ ગઈ હતી. પરંતુ ત્યારે તો મહામારીએ એવું વિકટ સ્વરૂપ ધર્યું હતું કે ચિંતા કરીને બેસી રહ્યા સીવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો. એવામાં આ તાઉતે ત્રાટક્યું અને લાખો વૃક્ષોનું નિકંદન થઈ ગયું. સમજાતું નથી કે આવા મોટા નુકસાનની દેશવાસીઓ ભરપાઈ કઈ રીતે કરશે?’ સરદાર ઉદાસ સ્વરે બોલ્યા. ‘એનો મતલબ તો એ જ થયોને? કે જો હવે નક્કર દિશામાં પગલાં લેવામાં નહીં આવે તો દેશની નવી પેઢીને માથે મોટું સંકટ તોળાશે…’ બાપુ પણ ઉદાસ થઈ ગયા. ‘હા, આમેય ભારતમાં એકસો ત્રીસ કરોડની વસતી વચ્ચે વ્યક્તિદીઠ વૃક્ષો અઠયાવીસ જ છે. એમાં જો આવા વાવાઝોડા આવશે કે માણસ પોતેય આડેધડ વૃક્ષોનો નાશ કરશે તો એની અસર પ્રાણીસૃષ્ટિ પર પણ પડશે અને માણસે પોતેય મુશ્કેલીમાં મૂકાશે.’ ‘તો હવે આનો ઉકેલ શું સરદાર? કંઈક તો ઉકેલ હશેને આનો?’ ગાંધીજીએ આશાભરી નજરે સરદાર તરફ જોયું. ‘હા છે. ઉકેલ તો ઘણા છે. પરંતુ ઉકેલ મહત્ત્વનો નથી. મહત્ત્વનો છે અમલ. જો અમલ જ નહીં થાય તો ઉકેલનું કરીશું શું?’ સરદારે કહ્યું. સહેજ પોરો ખાઈને ફરી તેઓ બોલ્યા, ‘અત્યાર સુધી માણસ શહેરોને જંગલો સુધી લઈ ગયો. પરંતુ હવે માણસે તાત્કાલિકપણે જંગલોને શહેરોમાં લાવવા પડશે.’ ‘એ કઈ રીતે?’ બાપુને આશ્વર્ય થયું. ‘બાપુ, હવે શહેરી વિસ્તારોમાં થોડા થોડા અંતરે નાની નાની જગ્યામાં પણ ઘટાટોપ જંગલો કરી શકાય એમ છે. જપાનીઝ મિયાવાકી પદ્ધતિથી શહેરોમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરી શકાય અને એ માધ્યમથી શહેરમાં પક્ષીઓને અને અન્ય જીવાતને પણ યોગ્ય વાતાવરણ આપી શકાય.’ ‘આ વિશે મને થોડું ઉંડાણમાં સમજાવશો સરદાર?’ ગાંધીજીને અર્બન ફોરેસ્ટ સાંભળીને આશ્વર્ય થયું. ‘બાપુ, હવે નવો કન્સેપ્ટ એમ કહે છે કે જે રીતે વૃક્ષોનું નિકંદન થયું છે અને જે રીતે શહેરો ઉજ્જડ થઈ રહ્યા અને ગરમ થઈ રહ્યા છે એને માટે શહેરોમાં થોડા થોડા અંતરે નાની તો નાની, પણ જેટલી જગ્યા મળે એટલી જગ્યામાં નજીક નજીક વૃક્ષો રોપવાના, જેથી થોડા જ સમયમાં ત્યાં ઘટાટોપ જંગલ જેવું થઈ જાય. આ રીતે મિયાવાકી પદ્ધતિથી જો અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવે તો શહેરોના તાપમાનને પણ કાબુમાં રાખી શકાય અને જીવ સૃષ્ટિને પણ જીવન મળે. રિસર્ચ તો કહે છે કે ટેનિસ કોર્ટ જેટલી નાનકડી જગ્યામાં પણ થોડા થોડા અંતરે અર્બન ફોરેસ્ટ્સ તૈયાર થશે તો વાયુ પ્રદુષણ સામે આસાનીથી લડી શકાશે, હવામાંના કાર્બન ડાયોક્સાઈડને વધુ પ્રમાણમાં શોષી શકાશે અને આખી ઈકો સિસ્ટમને એનાથી ઘણા લાભો મળશે. બલ્કે હવે તો વિદેશમાં કેટલાક દેશોમાં માત્ર ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે જ અર્બન ફોરેસ્ટ તૈયાર કરાઈ રહ્યા છે.’
ઉધના રેલવે સ્ટેશન પાસેનું ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ
‘વાહ ભાઈ વાહ, પણ આવું કરશે કોણ?’ ગાંધીજી બોલ્યા. ‘એ જ તો ચિંતા છે બાપુ. પર્યાવરણની સમસ્યા બાબતે આપણી પાસે ઉકેલ તો છે જ. પરંતુ એનો અમલ નહીં થાય તો ઉકેલ ઉકરડા જેવો સાબિત થાય. આ અત્યંત સરળ પદ્ધતિ છે. અને આ માત્ર સરકારોની જ જવાબદારી નથી. કોઈકની પાસે સહેજ પણ જગ્યા હોય તો અર્બન ફોરેસ્ટ તેની પણ જવાબદારી બને છે. કોઈ પણ શહેરમાં પાંચથી આઠથી દસ અર્બન ફોરેસ્ટ હોય તો શહેરની એક મોટી આબાદીને એનો લાભ મળે અને નવી પેઢીને જીવવા માટે સ્વસ્થ વાતાવરણ મળે.’ ‘આશા રાખું છું કે દેશમાં કોઈક તો એવા જાગૃત નાગરિકો હશે જ, જેઓ તમે કહ્યું એવા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં રસ ધરાવશે.’ ગાંધીજીએ આશા વ્યક્ત કરી. ‘એવા જૂજ લોકો પણ મળી જાયને બાપુ તો પણ દેશ સમૃદ્ધ થઈ જાય. આખરે કોઈ એક માણસનું નાનકડું પગલું જ એક મોટા વર્ગને લાભ આપાવતું હોય છે.’ ‘સાચી વાત છે સરદાર. પરંતુ આ પ્રકારે અર્બન ફોરેસ્ટ તૈયાર કરતી વખતે કંઈ મહત્ત્વની બાબતો ધ્યાનમાં પણ રાખવાની આવતી હશેને?’ ‘હા. એક સૌથી મહત્ત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની એ અર્બન ફોરેસ્ટમાં રોપાતા વૃક્ષો આંબો, પીપળો, આંબલી, સરગવો કે આંબળા જેવા નેટિવ સ્પિસિસના વૃક્ષો હોવા જોઈએ. વધુ ઑક્સિજન આ વૃક્ષો જ આપતા હોય છે. બીજું ધ્યાન એ પણ રાખી શકાય કે અર્બન ફોરેસ્ટમાં વવાતા મોટાભાગના વૃક્ષો ફળ ધરાવતા હોય, જેથી એ ફળનો પક્ષીઓ લાભ લઈ શકે અને એને કારણે પક્ષીઓમાં વધારો થાય. તો જે વૃક્ષોનું વાવેતર થાય છે એ વૃક્ષોને ત્રણથી સાડાત્રણ વર્ષ સુધી કેટલીક કાળજીની જરૂર પડતી હોય છે. એ કાળજીમાં ટપક સિંચાઈ તેમજ તેમનાં ટેકા જેવી બાબતો આવી જાય. પછી તો એ વૃક્ષો આપોઆપ કુદરતી રીતે મોટા થતા હોય છે. પછી માણસોએ એ વૃક્ષોની નહીં, પરંતુ વૃક્ષો માણસોની સંભાળ રાખતા થઈ જાય છે.’ ‘વાહ સરદાર. મને ગમ્યું. આશા રાખું છું કે આપણા દેશવાસીઓ પણ આ વિચારને અમલમાં મૂકે.’ ‘એનો અમલ કરવો જ પડશે બાપુ. નહીંતર ભવિષ્યમાં હાલમાં છે એનાથી વધુ કપરો સમય લોકોએ જોવાનો આવશે એ વાત નક્કી છે.’ સરદારે બાપુને પ્રણામ કર્યા અને વધુ કંઈ બોલ્યા વિના જ પોતાનું કામ કરવા માટે ત્યાંથી વિદાય થયા. (લેખક જાણીતા ઈકોપ્રિન્યોર છે, જેમને પર્યાવરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સન્માન એનાયત થયા છે.)

Join our Movement