પ્રકરણ છ | ડાયરી ઓફ અ ગ્રીનમેન

કોઈકવાર વીતેલા સમયના ફોટોગ્રાફ્સ હાથમાં આવી જાય તો વીતેલો સમય જ નહીં, પરંતુ એ સમયમાં કરેલો સંઘર્ષ અને ત્યારે ઝીલેલા પડકારો પણ એકસાથે આંખોની સામે આવી જાય અને પછી એક નોસ્ટાલ્જિક રોલર કોસ્ટર રાઈડમાં બેસવાનું થાય. એવું જ કંઈક થયું આ ફોટોગ્રાફ્સ જોઈને! આ ફોટોગ્રાફ્સ જોઈને તમને પણ આશ્ચર્ય થાય એમ છે કે ત્યારે હું એટલો ફેર નહોતો દેખાતો, જેટલો આજે છું. અને વાત પણ એટલી જ સાચી કે ત્યારે તડકા અને સતત બહારના એક્સપોઝરને કારણે મારી સ્કીન એટલી સારી નહોતી જેટલી આજે છે. એનું કારણ એક જ કે ત્યારે મને આઉટડૉર ગેમ્સનો એટલો બધો શોખ હતો કે મારા મનમાં માત્ર એક જ વિચાર ચાલતો કે મારે સ્પોર્ટ્સમેન જ થવું છે. એ માટે હું સ્કૂલની ડિસ્ટ્રીક્ટ કે સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં સતત ભાગ લેતો રહેતો, એ મેચીસ માટે માટે પ્રેક્ટિસ કરતો રહેતો અને ભણવા સિવાયનો બાકીનો બધોય સમય માત્ર ગ્રાઉન્ડ પર જ વીતાવતો. ત્યારે તો તાપ શું અને ટાઢ શું? અરે વરસાદ હોય તો પણ સવાર થાય ત્યારથી લક્ષ્ય માત્ર એક જ રહે છે બાસ્કેટ બોલ અથવા ફૂટબોલ જેવી રમતોમાં હું બેસ્ટ પરફોર્મ કરું અને એ બેસ્ટ પરફોર્મ કરવા માટે હું આખોઆખો દિવસ મારી જાતની પરવા કર્યા વિના પ્રેક્ટિસ કરતો રહેતો. એ સખત તડકા અને બહારના એક્સપોઝરને કારણે મારી સ્કીન અત્યંત ડલ અને ખરાબ થઈ ગયેલી. જોકે એ ઉંમરમાં તો મને એવી કોઈ ચિંતા પણ નહોતી, કારણ કે ત્યારે મારે માટે ગમતી રમતો રમવી જ મારો ગોલ હતો. પરંતુ પાછળથી અચાનક એવું થયું કે મારી ટીનએજ પણ પૂરી થવા આવી અને મને સમજાયું કે સ્પોર્ટ્સને કરીઅર તરીકે પસંદ કરી શકાય એમ નહોતું. કારણ કે ત્યારે સ્પોર્ટ્સ એ માત્ર હૉબી કે પેશન હતું, કરિઅર નહીં! વળી, એ સમયે હું મારા પર્સનલ ટ્રાન્ફોર્મેશન બાબતે અત્યંત ડેસ્પરેટ હતો. મારી વોકેબલરીથી લઈ મારી બૉડી લેંગ્વેજ, મારા ઓવરઑલ એટિટ્યુડથી લઈ મારા કોન્ફીડન્સ બાબતે હું સજાગ થઈ રહ્યો હતો અને એ બધી બાબતો પ્રત્યે આકર્ષિત થઈ રહ્યો હતો. એટલે મને મોડેલિંગ કરવાની ઈચ્છા જાગી. ઈચ્છા જ શું કામ, એ સમયે મોડેલિંગ રીતસર મારું પેશન બની ગયેલું એમ કહું તો પણ ખોટું નથી. મોડેલિંગની મારી જર્નિ વિશે તો ‘ડાયરી ઑફ અ ગ્રીનમેન’ના મારા રીડર્સ જાણે જ છે, પરંતુ બધા એ પણ જાણે છે કે મૉડેલિંગ ઈન્ડસ્ટ્રીની અનેક આગવી માગ હોય છે. મોડેલિંગ માટે એક વ્યક્તિમાં જોઈતી આવડતો અને ફીચર્સની યાદી તો ઘણી લાંબી છે, પરંતુ એમાંની એક માગ મુજબ તમારો ચહેરો ડલ નહીં, પરંતુ તેજસ્વી હોવો અત્યંત જરૂરી છે. અને મેં તો અગાઉ કહ્યું એમ ક્યારેય મારા ચહેરા કે મારી સ્કીન વિશે પરવા જ નહોતી કરી. પરંતુ મારી એ ખાસિયત રહી છે કે મને જો કોઈ એક બાબતે પેશન જાગે તો પછી એને માટે કંઈ પણ કરી છૂટવાની તત્પરતા દાખવું છું. પહેલેથી હું એક બાબત અત્યંત દૃઢપણે માનું છું કે જીવનમાં જો ગમતું મેળવવું હોય તો એને માટે તમારે તમારી કમ્ફર્ટ છોડી દેવી પડે અને તમારે થોડા સેક્રિફાઈસ પણ કરવા પડે. કારણ કે સક્સેસ ક્યારેય કમ્ફર્ટમાં મળતી નથી. એવું જ કંઈક મારા મૉડેલિંગને લઈને પણ થયું અને જ્યારે મને મોડેલિંગ માટે પેશન જાગ્યું તો મેં મારી તમામ શક્તિઓ અને સ્ટ્રેટેજીઝ એને માટે લગાવી દીધી. એને માટે મારે પક્ષે મારે જે જે સ્કીલ્સ ડેવલપ કરવા પડે એમ હતી એ સ્કીલ્સ મેં ડેવલપ કરવા મેં મહેનત કરી અને મારી જાતને અપ ટુ ધ માર્ક રાખવાની મથામણો શરૂ કરી. આજે તો હવે સુપર મોડેલ નામનો શબ્દ સાંભળવા પણ નથી મળતો, પરંતુ ત્યારે ફેશન ઈન્ડસ્ટ્રીમાં મિલિંદ સોમન, જોન અબ્રાહમ અને બિક્રમ સલુજા જેવા અનેક સુપર મોડેલ્સ હતા, જેમની એકેએક ગતિવિધિ એ સમયે પેજથ્રી ન્યૂઝ બનતી. અને મેં જ્યારે મોડેલ બનવાનું નક્કી કરેલું ત્યારે મેં સુપર મોડેલ્સને મારા આદર્શ રાખેલા, જેથી હું શ્રેષ્ઠ નહીં, પરંતુ શ્રેષ્ઠતમની સાધના કરી શકું. એ સાધનામાં જો મને ચોક્કસ ફિઝિકની જરૂર હોય તો એ ફિઝિક મેળવવા હું અથાક પ્રયત્નો કરું અને જો સારી સ્કીનની જરૂર હોય તો એને માટે પણ મથામણો કરું. એ ઉપરાંત મૉડેલિંગમાં બૉડી લેંગ્વેજથી લઈને એક મેટ્રો સિટીને છાજે કે દેશભરના કોમ્પિટિટર્સની સામે ટકી શકાય એવા કોન્ફિડન્સની પણ જરૂર પડે તો એને માટે પણ હું મારાથી બનતી મહેનત કરું. એ બધામાં પાછો સૌથી મોટો પડકાર એ કે આજે સ્કિન એક્સપર્ટ્સ અને જીમ જેવી બાબતો અત્યંત સામાન્ય લાગે છે એવું કશુંય સુરતમાં હતું જ નહીં. સ્કીન ટ્રેનર્સ કે પર્સનલ ટ્રેનર્સ તો આજની લક્ઝરી છે, ત્યારે તો સુરતમાં માત્ર એક જ જીમ હતું અને એ જીમમાં પણ સાવ બેઝિક કહી શકાય એવા સાધનો! કે ન તો ત્યારે ગુગલ મહારાજ હતા કે ગુગલ કરી કરીને જાતે પણ બધું શીખી શકાય! ઈનશોર્ટ એ ટાઈમે જો સપનું પોતે જોયું હોય, તો ઝઝૂમવુંય પોતાની ગણતરીઓ કે ફોર્મ્યુલાથી જ પડતું. બીજી તરફ સ્કીન ગ્લો કરવા માટે કે સ્કીનને તેનો મૂળ ઘાટ આપવા બાબતે પણ એ જ સ્થિતિ હતી કે કીચનમાં જે અવેલેબલ હોય તેનાથી કામ ચલાવવાનું. અને પોતાની સૂઝ મુજબ નેચરલ વેમાં સ્કીનને સુધારવાની! જોકે પાછળથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે મેં મોડેલિંગને પણ છોડ્યું કારણ કે એ સમયે મેં એવું નક્કી કર્યું કે પોસ્ટ ગ્રેજ્યુએટ થવું ઘણું શાણપણ ભર્યું છે, જેથી ભવિષ્યમાં કંઈક થાય તો એ ડિગ્રી કામ આવે. પરંતુ મારા એમબીએનો ફાયદો એ થયો કે એને લીધે બિઝનેસ અને એન્ત્રપેનરશીપ મારું પેશન બન્યું. પણ બિઝનેસમાં પણ મને મોડેલિંગ વખતનો મારો અભિગમ તો અત્યંત કામમાં આવ્યો જ કે જે બાબત પ્રત્યે અત્યંત પેશન હોય કે કશુંક મેળવવાની તીવ્ર ઈચ્છા હોય તો એ મેળવવા માટે માત્ર ઈચ્છા કરવાથી કંઈ નહીં થાય પરંતુ તમારા પક્ષે તમામ એફર્ટ્સ આપવા પણ અત્યંત મહત્ત્વના છે. અને એ એફર્ટ્સ લગાવતી વખતે જ તમારી સહનશીલતાની કે તમારી લાયકાતની ખરી પરીક્ષા પણ થઈ હતી હોય છે. હું તો એમ પણ દૃઢપણે માનું છું કે આપણે પક્ષે તમામ એફર્ટ્સ હોય તો જ લૉ ઑફ એટ્રેક્શનની થિયરી પણ લાગુ પડે અને આપણે જે ઈચ્છેલું હોય એ આપણે મેળવી શકીએ. એ વાત સાચી જ છે કે જે સફળતા અથવા વસ્તુને મેળવવા માટે આપણે દિલથી ઈચ્છા કરી હોય એનો અને તમારો મેળાપ કરાવવામાં બ્રહ્માંડની તમામ શક્તિઓ કામે જતી હોય છે. પરંતુ બ્રહ્માંડની એ શક્તિઓ પણ ત્યારે જ તમારા માટે કામે લાગે છે જ્યારે તમે સક્સેસ થવાની પૂરી શ્રદ્ધા સાથે તમારા એફર્ટ્સ લગાવ્યા હોય. કારણ કે ઘણીવાર આપણે બીજાના ઑપિનિયન્સ કે અનુભવને હિસાબે આપણા એફર્ટ્સ લગાવતા હોઈએ છીએ અને કદાચ એટલે જ આપણે આપણી સક્સેસને પણ કરપ્ટ કરી દેતા હોઈએ છીએ. આજે પણ એફર્ટ્સ આપવાની બાબતે હું એટલો જ સજાગ છું, જેટલો પહેલા હતો. કારણ કે મારે માટે સક્સેસ એટલે એક આખો ડાયાગ્રામ નહીં, પરંતુ ડાયાગ્રામના ડૉટ્સ એ મારે માટે સક્સેસ છે. એ માટે જ આજેય નાનામાં નાનાં કામમાં હું અંગતપણે અત્યંત રસ લઉં છું અને જ્યાં સુધી મારા જીવને ધરવ નહીં થાય ત્યાં સુધી એમાં મચેલો રહું છું. અને આજે પણ એ બાબત સજ્જડ રીતે માનું છું કે સક્સેસ હંમેશાં તમારી અન્ફમ્ફર્ટમાંથી મળે છે. અને હવે અન્ફર્ટેબલ સાથે કન્ફર્ટ થવાની મને આદત થઈ ગઈ છે. આમેય મારે માટે મારું સેટિફેક્શન એ મારું સક્સેસ છે. અને સેટિસ્કેશન ત્યારે જ આવે જ્યારે તમે સંપૂર્ણ જાગૃત રહીને તમારી સામે આવેલા સંજોગોમાં તમારા એફર્ટ્સ લગાવ્યા હોય! બાકી, હાફ હાર્ટેડ વર્ક અથવા માત્ર કરવા પૂરતા કરેલા કાર્યોમાં સંતોષ ક્યારેય નથી હોતો. જોકે મોડેલિંગની આ વાતો નીકળી છે ત્યારે મને બીજા પણ અનેક કિસ્સાઓ અને સંઘર્ષો યાદ આવી રહ્યા છે. પરંતુ મને ચિંતા એ છે કે એક એન્ત્રપેનરની લાઈફ વિશે જાણવામાં બીજાને શું રસ પડે? એટલા માટે જ ક્યારેક હું મારા અંગત સંઘર્ષો અને પ્રસંગો વિશે લખવાનું ટાળું છું. પરંતુ જો તમને એમાં રસ પડતો હોય તો ચોક્કસ જ હું કેટલીક ઈન્સ્ટ્રેસ્ટિંગ સ્ટોરીઝ અને વેલ્યુઝ વિશે વાતો કરીશ. તમે શું કહો છો?

Join our Movement