વૃક્ષો સાથે… વૃક્ષો વિના…

બાપુ સરદારની રાહ જોઈને બેઠા જ હતા ત્યાં સરદાર આશ્રમમાં હાજર થયા. આવતાવેંત જ બાપુએ સરદારને સવાલ પૂછ્યો, ‘સરદાર, આ હેપીનેસ ઈન્ડેક્ષ વળી કઈ બલા છે? આજે અખબારોમાં એની બહુ ચર્ચા છે.’ ‘બાપુ, યુનાઈટેડ નેશન્સની મદદથી દર વર્ષે વૈશ્ચિક કક્ષાએ એક સર્વે થાય છે, જેમાં જુદા જુદા માપદંડોને આધારે કોઈ પણ દેશને હેપીનેસ ઈન્ડેક્ષ મુજબ ક્રમાંક આપવામાં આવે છે. જે સર્વેમાં આ વર્ષે એવું કહેવાયું છે કે ભારતીયો વિશ્વના દેશોમાં ૧૩૬માં ક્રમે આવ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન જેવા ગરીબી અને ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહેલા દેશોથી પણ ખુશીઓને મામલે પાછળ છે એવું કહેવાઈ રહ્યું છે.’ સરદારે માહિતી આપી. ‘તો શું એ વાત સાચી છે? એ રીતે કોઈ માપંદડોને આધારે હેપીનેસ ઈન્ડેક્ષ તૈયાર કરી શકાય ખરો?’ બાપુએ પ્રશ્ન રજૂ કર્યો. ‘મને તો અંગતરીતે આ બધુ તૂત લાગે છે. કારણ કે હેપીનેસ ઈન્ડેક્ષના માપદંડોનો મેં જે અભ્યાસ કર્યો છે એ માપદંડો કંઈ વૈશ્વિક રીતે બધે એકસરખી રીતે લાગુ પડતા નથી.’ સરદારે કહ્યું. ‘તમારી વાતમાં તર્ક છે.’ બાપુએ સરદારની વાતને સમર્થન આપ્યું. ‘એટલે આવા માપદંડોથી કંઈ આવા ઈન્ડેક્ષ નક્કી ન થઈ શકે. પરંતુ હું માનું છું કે કોઈ પણ દેશની પ્રજા તો જ સુખી અને ખુશ રહી શકે જો તે દેશમાં પ્રકૃતિ સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવતું હોય અથવા જે દેશોની પ્રજાની જીવનશૈલી પર પ્રકૃતિનો પ્રભાવ હોય.’ સરદારે સાવ જૂદા દૃષ્ટિકોણથી વાત સમજાવી. ‘એમ? એ કઈ રીતે?’ બાપુએ કહ્યું. ‘વિજ્ઞાને અનેક વખત સાબિત કર્યું છે કે જે વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો હોય એટલે કે ગ્રીન કવર હોય એ વિસ્તારના લોકોની માનસીક શાંતિ અન્ય વિસ્તારના લોકો કરતા વધુ હોય છે. આ લોકો સ્ટ્રેસથી પણ દૂર રહે છે અને ડિપ્રેશનથી પણ દૂર રહે છે. તેમજ વધુ વૃક્ષોને કારણે વાતાવરણમાંથી છ પ્રકારના ઝેરી વાયુઓ દૂર થયા હોય એ લોકોને હવા પણ શુદ્ધ મળતી હોય છે. વળી, અનેક રિસર્ચમાં આંકડા સાથે રજૂ કરાયું છે કે જ્યાં વૃક્ષો વધુ છે એવા વિસ્તારોનું તાપમાન અન્ય વિસ્તારોથી મિનિમન બે ડિગ્રી ઓછું હોય છે. તાપમાન ઓછું હોય એની અસર પણ માણસના સ્વભાવ અને તેના વર્તન પર પડતી હોય છે. તો વળી, વૃક્ષો વધુ હોય એવા વિસ્તારોમાં અવાજ પ્રદૂષણ પણ અત્યંત ઓછા પ્રમાણમાં હોય છે. ઘોંઘાટને પણ સીધો સંબંધ છે ઉચાટ સાથે. કારણ કે શહેરોમાં લોકો ઉચાટમાં જ એટલે વધુ હોય છે કારણ કે તેઓ ઘોંઘાટમાં વધુ હોય છે.’ સરદાર સહેજ અટક્યા. ‘તો બાપુ તમે જ કહો. વૃક્ષોથી જો માણસ પર શારિરીક અને માનસિક એમ બંને રીતે જો સારી અસરો પડતી હોય તો સુખી થવાના સ્વાર્થથી પણ વધુ વૃક્ષો વાવવા પર ધ્યાન અપાવું જોઈએ કે નહીં?’ ‘વાવવા જ જોઈએને!’ બાપુએ કહ્યું. ‘એટલે જ હું કહું છું કે કોઈ પણ દેશ જો તેનું ગ્રીન કવર વધારવા પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપશે તો આપોઆપ જેતે દેશના લોકો ખુશ રહેવાના છે. આખરે જીડીપીથી લઈ મહામારી સુધીની બાબતો અત્યંત હંગામી છે, પરંતુ પ્રકૃતિ દ્વારા આવતી ખુશી અને આનંદ કાયમી છે. અને જો આસપાસ પ્રકૃતિ હશે તો માણસને આવા કોઈ સર્વેની તો જરૂર ન રહે, પરંતુ પ્રકૃતિ દ્બારા મળતી ખુશીઓથી તે અન્ય સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને એની સામે બાથ ભીડી શકે છે.’ સરદારે કહ્યું. ‘પરંતુ આપણી કમનસીબી જ એ છે કે આપણે ત્યાં શહેરીકરણ પર અને ડિફોરેસ્ટ્રેશન પર એ હદે ધ્યાન અપાયું છે કે બહારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો બહેતર થઈ રહ્યું છે, પરંતુ માણસનું આંતરિક ઢાંચુ નબળું થઈ રહ્યું છે અને તે સાવ નાની નાની વાતે દુખી થઈ જાય છે. કેટલાક કિસ્સામાં તો એવું પણ બને છે કે સાવ નાંખી દેવા જેવી બાબતે માણસ ન કરવાનું કરી બેસે છે. આખરે માણસ આવું કરે છે કેમ? તેનામાં સહનશીલતા રહી કેમ નથી? તે દુઃખી કેમ છે? કારણ માત્ર એટલું જ કે તેની આસપાસ યોગ્ય પ્રમાણમાં વૃક્ષો નથી. કે નથી તેની આસાપાસ યોગ્ય પ્રમાણમાં પ્રકૃતિ.’ બાપુએ કહ્યું. ‘બિલકુલ બાપુ. પ્રકૃતિ સંવર્ધન અને ગ્રીન કવરમાં વધરો એ એકસાથે અનેક દુખોનો અંત છે. અને અસંખ્ય ખુશીઓનો પ્રવેશદ્વાર છે. બસ આજનો આ માણસ એ વાતને સમજી લે તો સારું.’ સરદારે કહ્યું અને તે બંને છૂટા પડ્યા.

Join our Movement