અર્બન ફોરેસ્ટક્ષેત્રે અભૂતપૂર્વ ઉદાહરણ એટલે જપાન

એક સવારે ગાંધીજી સરદાર પટેલની રાહ જોતા જોતા અર્બન ફોરેસ્ટની રાષ્ટ્ર્ર્ર વ્યાપી પોલીસી વિશેનો વિચાર કરી રહ્યા હતા. તેમના મનમાં પોલીસીના બંધારણ અને તેના અમલ બાબતે કેટલીક શંકાઓ અને સવાલો હતા. સરદારના આશ્રમ પહોંચતા જ તેમણે સરદાર સાથે એ વિષય છેડ્યો. ‘સરદાર, ગઈકાલે આપણે અર્બન ફોરેસ્ટ માટેની એક નક્કર પોલીસી એ આજના ભારતના જરૂરિયાત છે એ વિશે તો આપણે ચર્ચા કરી. પરંતુ મને મનમાં એમ શંકા જાય છે કે અર્બન ફોરેસ્ટ પોલીસી લાગુ પણ પડી જાય છે તો શું પ્રજા અને સરકાર બંને એ દિશામાં યોગ્ય અમલવારી કરશે?’ ‘એ તો પ્રશ્નનો જવાબ હાલમાં મેળવવો વિકટ છે બાપુ. કારણ કે કોઈ પણ સમસ્યાને માત્ર કાયદાથી જ નિવારી શકાતી હોત તો આજે દેશમાં હત્યા કે બળાત્કાર જેવા ગુના થતા જ ન હોત. પરંતુ કે નિયત માપદંડો પ્રમાણે જ બધુ ચાલતું હોત આજે દેશમાં વિવિધ પ્રકારનું પ્રદૂષણ હોત જ નહીં. પરંતુ મુદ્દો એ છે કે કોઈ પણ સમસ્યાનું માત્ર કાયદાથી નહીં, પરંતુ નિસ્બતથી પણ નિરાકરણ આણવાનું હોય છે અને પ્રજામાં નિસ્બત ઊભી કરવા માટે જે પ્રયત્નો થવા જોઈએ એ પ્રયત્નો આપણે ત્યાં લગભગ નહીંવત થાય છે.’ સરદારે કહ્યું. ‘બિલકુલ સત્ય છે. જોકે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની પ્રજાની નિસ્બત ઊભી કરવી એ પણ કંઈ સરકારનું એકલીનું કામ નથી. સામે પક્ષે પ્રજાએ પણ પોતાનું યોગદાન આપવું રહ્યું અને તેમની પેઢીઓને પર્યાવરણ કેન્દ્રી વિચાર કરતી કરવી રહી.’ ‘સત્ય. બાપુ આ માટે મને જપાનનું ઉદાહરણ યાદ આવે છે, જે દેશે અણું હુમલા પછી ફરી બેઠા થતી વખતે ન માત્ર ખુંવાર થયેલી પ્રજાને બેઠી કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું, પરંતુ એની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ માટે અને એમાંય અર્બન ફોરેસ્ટની દિશામાં અત્યંત મહત્ત્વના પગલાં ભર્યા અને જપાનની હરણફાળમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.’ સરદારે માહિતી આપી. ‘એમ? જપાને એવા તે શું પગલાં ભર્યાં?’ બાપુએ વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ‘અરે બાપુ વર્ષ ૧૯૪૫માં જપાન પર અણુંબોમ્બ ફેંકાયા પછી જપાનમાં અઢી લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને અને લાખો લોકો ઘરબાર વિનાના થઈ ગયા હતા. સાર્વત્રિક અગણિત ખુંવારીઓ હતી અને સાથે પ્રજા અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. એવા સમયે જપાને ફરી બેઠા થવા માટે સ્વાભાવિક જ શહેરીકરણ અને ઔદ્યોગિકરણ પર ભાર આપવો પડે. તો કરોડો રૂપિયાનો બીજો ખર્ચો પ્રજાના રહેઠાણ, ખોરાક અને શુદ્ધપાણી તેમજ આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની બાબતો પાછળ ખર્ચ કરવા પડ્યા.’ સરદાર સહેજ થંભ્યા અને ફરી કહ્યું, ‘કોઈ પણ સરકારે યુદ્ધ પછી ઊભા થવાનું હોય ત્યારે તેના કેન્દ્રમાં નાગરિકોની સુવિધા અને તેમની સુરક્ષા અગ્રક્રમે હોય એ સ્વાભાવીક છે, પરંતુ જપાને એ બધાની સાથોસાથ વર્ષ ૧૯૪૬થી જ નક્કી કર્યું કે ત્યાંના કોઈ પણ શહેરમાં દસ ટકા જગ્યા માત્ર અર્બન ફોરેસ્ટ માટે જ રિઝર્વ રાખવી. એ ઉપરાંત સ્ટ્રીટ ટ્રીઝ અને શહેરોમાં ઠેર ઠેર તૈયાર કરાતા બગીચાઓ તો ખરા જ!’ ‘મને પણ આશ્વર્ય થાય છે કે યુદ્ધ પછીના બીજા જ વર્ષે જપાને અર્બન ફોરેસ્ટના ક્ષેત્રમાં કેમ મજત્ત્વનું પગલું ભરવું પડ્યું?’ ગાંધીજીએ કહ્યું. ‘એનું કારણ એ હતું કે અણું હુમલા પછી જપાનની જીવ સૃષ્ટિ અને પ્રકૃતિને પણ અત્યંત મોટા પ્રમાણમાં હાની પહોંચી હતી. એ સંદર્ભે આંકડા જોઈશું તો ખ્યાલ આવશે કે અણું હુમલા પછી માત્ર ટોકિયો શહેરમાં ૪૮૦૦૦ જેટલા ઝાડ બચ્યા હતા, જ્યાં કુલ સાંઈઠ ટકાથી વધુ વૃક્ષો હુમલામાં બળી કે ધ્વસ્થ થઈ ગયા હતા. આ તો ઠીક થોડા સમયમાં બીજા ૩૫૦૦૦ હજારથી વધુ વૃક્ષો પણ આડઅસરને કારણે નાશ પામ્યા. ’ સરદારે કહ્યું. ‘હે ઈશ્વર…’ ગાંધીજીએ નિસાસો નાંખ્યો. ‘આ કારણે જપાન સરકારે એ દિશામાં પણ એક પોલીસી તૈયાર કરી નાગરિકોને પણ એ માટે તૈયાર કર્યા કે પર્યાવરણ સંરક્ષણ વિના આપણો કોઈ પણ વિકાસ ઝાઝો ટકવાનો નથી! અને બસ, પ્રજા અને સરકાર બંને એ દિશામાં મચી પડ્યા. પરિણામ એ આવ્યું કે વર્ષ ૧૯૮૦ સુધીમાં ટોકિયોનાં સ્ટ્રીટ ટ્રીઝની સંખ્યા જ ૨,૩૫,૦૦૦થી વધુ થઈ ગઈ અને વર્ષ ૧૯૯૦ સુધીમાં ૨૧,૬૩૦ હેક્ટર જમીનમાં ગાઢ જંગલ થઈ ગયું!’ ‘શું વાત કરો છો સરદાર, માત્ર પચાસેક વર્ષના ગાળામાં જ આ તો અત્યંત મહત્ત્વની સિદ્ધિ કહેવાય.’ ગાંધીજીએ કહ્યું. ‘હા, અને એ સિદ્ધિ ત્યારે જ મળે જ્યારે પ્રજા અને સરકાર બંને એક સરખી ગતિ અને નિસ્બથી કામ કરે. નહીંતર કાયદાઓ તો બન્યાં કરશે, પરંતુ એની અમલવારી જ ન થાય તો એનો અર્થ શું?’ ‘સાચી વાત છે સરદાર. આપણે તો હવે એક જ પ્રાર્થના કરી શકીએ કે જપાનની જેમ આપણી પ્રજા અને સરકાર પણ આ દિશામાં નક્કર કામ કરે અને એ રીતે આપણા દેશની પ્રકૃતિને સમૃદ્ધ બનાવે.’ આટલી વાત થતામાં સરદાર અને બાપુ આશ્રમ ફરી આવી ગયા હતા. એટલે બંને પોતપોતાના કામ માટે છૂટા પડ્યા.

Join our Movement