… કેટલાક ઉપાયો હાથવગા જ છે

‘સરદાર આપ મને કહેતા હતા કે કેટલાક સંશાધનોમાંથી ઉત્પન્ન થતા કાર્બન મોનોક્સાઈડ, બેન્ઝિન, ટોલ્યુઈન, ફોર્મલડીહાઈડ, ઝાયલિન અને એમોનિયાનો શિકાર બનતા લોકોને અટકાવવા હોય તો લોકોએ તેમના ઘરની આસપાસ કે ઑફિસની આસપાસ કેટલાક વૃક્ષો રોપવા જોઈએ. પરંતુ એ વૃક્ષો અને છોડો વિશે આપને કોઈ જાણકારી ખરી?’ બીજા દિવસે ગાંધીજીએ વાતનો દોર ફરી સંભાળ્યો. ‘કેમ નહીં? મેં એ તમામ છોડ વિશે માહિતી એકત્રિત કરી છે, જે છોડને ઘરમાં કે ઑફિસમાં અથવા ઘરની આસપાસ જ્યાં જગ્યા મળે ત્યાં રાખવામાં આવે તો માણસોને એનાથી ઘણા લાભો થઈ શકે છે.’ સરદારે કહ્યું. ‘વાહ સરદાર વાહ. મારે પણ જાણવું છે એ વૃક્ષો અને છોડો વિશે…’ ગાંધીજીને તમામ વિષયોમાં જાણકારી મેળવવાનો રસ હતો. ‘શરૂઆત કરીએ મની પ્લાન્ટથી. મની પ્લાન્ટ ઉગાડવામાં કે મેન્ટેઈન કરવામાં અત્યંત સરળ છે. હૉલ અને બાલ્કનીની સાથે બેડરૂમમાં પણ મનીપ્લાન્ટ રાખવું યોગ્ય છે. હા, જો મનીપ્લાન્ટ પાણીમાં રાખવામાં આવ્યો હોય તો દર ત્રણ-ચાર દિવસે પાણી બદલવાનું રહે ખરું, જેથી પાણીમાં વિકસતા જંતુઓનો ઉપદ્રવ ન થાય. પરંતુ આ મનીપ્લાન્ટ જો ઘરમાં કે ઑફિસમાં હોય છે તો એનાથી ફોર્મલ ડીહાઈડ, બેન્ઝીન, ઝાયલીન, ટોલ્યુઈન કે કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી તત્ત્વો સામે લડી શકાય છે.’ ‘અરે વાહ સરદાર. તમે તો અત્યંત ઊંડો અભ્યાસ કર્યોને કંઈ?’ સરદારની વાત સાંભળીને ગાંધીજી અત્યંત ખુશ થઈ ગયા. ‘હા બાપુ. મને આપણા માણસોની ચિંતા થતી હતી. એટલે મેં આ દિશામાં ઘણો અભ્યાસ કર્યો છે. બાપુ, મનીપ્લાન્ટ સીવાય પીસ લીલી એટલે કે કોબ્રા પ્લાન્ટને પણ ઘરમાં અથવા ઑફિસમાં રાખી શકાય છે. આ છોડના પાંદડા ફણાં કાઢેલા નાગ જેવા હોય છે, એને કારણે એનું નામ કોબ્રા પ્લાન્ટ પડ્યું છે. પરંતુ આ છોડ પણ હવામાંના બેન્ઝિન અને ટ્રાયક્લોરોઈથિનને દૂર કરતું હોય છે.’ સરદાર સહેજ અટકયા, પરંતુ બાપુએ તેમને વચ્ચે પરેશાન નહોતા કરવા એટલે તેઓ વચ્ચે કશું ન બોલ્યા. સહેજ અટકીને સરદારે ફરી કહ્યું, ‘જેમ કોબ્રા પ્લાન્ટ અત્યંત સારો છે એ જ રીતે સ્નેક પ્લાન્ટ પણ અત્યંત મજેદાર અને ખૂબ ઉપયોગી છે. આ છોડને તો બેડરૂમ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ રાત્રે પણ અત્યંત મોટા પ્રમાણમાં પ્રાણવાયુ છોડે છે. તેમજ તે હવામાંના અવાજના તરંગો શોષી લે છે, જેને કારણે ધ્વનિ પ્રદુષણથી લાભ થાય છે.’ ‘શું વાત કરો છો. તમે તો હવે વૃક્ષોના જાણકાર બની ગયા સરદાર.’ ગાંધીજીની વાત સાંભળીને સરદાર મનમાં જ મલકાયા. ‘શું કરીએ બાપુ. હૈયુ જ એવું છે કે સતત બીજાને માટે બળતું રહે. એટલે અમુક અભ્યાસ કે સંશોધનો કર્યા વિના ચાલતું જ નથી.’ સરદારે કહ્યું. ‘તમે ઉપર જણાવ્યા એ સીવાય અન્ય કોઈ છોડવા ખરા?’ ગાંધીજીએ પૂછ્યું. ‘હા ખરાને. એ સીવાય એરેકા પામ, રબર પ્લાન્ટ, એલોવેરા અને સ્પાઈડર પ્લાન્ટ પણ ખરા. આ બધા પ્લાન્ટ્સ પણ ઘરમાં, ઑફિસમાં કે કોઈ પણ ઈન્ડોર એરિયામાં આસાનીથી થઈ શકે છે. સ્પાઈડર પ્લાન્ટ વિશે તો નાસાએ સુદ્ધાં કહ્યું છે કે આ પ્લાન્ટ હવાને શુદ્ધ કરે છે અને હવામાંથી ફોર્મલડીહાઈડ, ઝાઈલીન અને ટોલ્યુઈનને દૂર કરે છે. તો એલોવેરા માત્ર હવામાંના કાર્બન ડાયોક્સાઈડને જ નથી શોષી લેતો, પરંતુ તે અનેક ચામડીના રોગોમાં ઔષધી તરીકે પણ કામ આવે છે. અને એરેકા પામ વિશે જે મેં કહ્યું એ છોડ તો ઑક્સિજન બોમ્બર તરીકે ઓળખાય છે. નાસાએ હવાના શુદ્ધિકરણ માટે આ છોડને પણ અત્યંત અસરકારક તેમજ શ્રેષ્ઠ કહ્યો છે. આ સિવાય ઈંગ્લિશ આઈવી અને ચાઈનીઝ એવરગ્રીન પણ ખરા. જે ઘર કે ઑફિસના સુશોભનમાં તો કામમાં આવે જ, પરંતુ ઘરની હવાને પણ શુદ્ધ કરી દે છે. એટલે કે બાપુ માણસો માત્ર આટલા છોડને જ તેની આજુબાજુ રાખશે તો તેનો બેડો પાર થઈ જશે અને તે એક સાથે અનેક ફાયદાનો લાભ લઈ શકશે. આ બધા છોડ એવા છે કે એનાથી ઘર કે ઑફિસમાં સુશોભન પણ કરી શકાશે અને એનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહી શકશે.’ સરદારની વાત સાંભળીને ગાંધીજી એકદમ ખુશ થઈ ગયા. આખરે સરદારની સલાહનું જો પાલન કરવામાં આવે તો ઘણા લોકોનો ઉદ્ધાર થઈ શકે એમ હતો. કેટલીક સમસ્યાઓ અત્યંત સરળ રીતે હલ કરી શકાતી હોય છે એ બાપુને સરદારની વાત પરથી સમજાયું.

Join our Movement