અર્બન ફોરેસ્ટ્સ માટે કોઈ નક્કર પોલીસી છે ખરી ?

એક સવારે ગાંધીજી સરદારની રાહ જોતા બેઠા હતા. સરદાર પાસે અર્બન ફોરેસ્ટ વિશે અને અર્બન ફોરેસ્ટના લાભો વિશે તો તેમણે ઘણું સાંભળ્યું હતું, પરંતુ બે-ત્રણ દિવસોથી તેમના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો હતો. તેમણે વિચાર્યું કે આજે સરદાર આવશે ત્યારે તેમણે સરદાર સાથે મનના એ પ્રશ્નની ચર્ચા કરશે. સરદાર તેમના ચોક્કસ સમયે બાપુ પાસે આવી પહોંચ્યા હતા એટલે બાપુએ સમય વેડ્ફ્યા વિના સરદારને પૂછ્યું, ‘સરદાર મને અર્બન ફોરેસ્ટને લઈને મનમાં એક પ્રશ્ન છે.’ ‘એમ ? શું પ્રશ્ન છે બાપુ?’ સરદારે કહ્યું. ‘અર્બન ફોરેસ્ટના લાભો વિશે તો આપણે જાણ્યું અને આપણે એ બાબતે પણ સ્પષ્ટ થયા કે અર્બન ફોરેસ્ટ એ ક્લાયમેટ ચેન્જની સમસ્યાઓ માટે સૌથી કારગર અને જરૂરી વિકલ્પ છે.’ ‘બરાબર છે. બાપુ.’ ‘પણ શું અર્બન ફોરેસ્ટના સંરક્ષણ અને તેના પ્રોત્સાહન માટે દેશનમાં કેન્દ્રીય રીતે કે વિવિધ રાજ્યોમાં કોઈ યોગ્ય પોલીસી છે ખરી? શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કે મહાનગરપાલિકાઓ અર્બન ફોરેસ્ટના સંદર્ભે ગંભીર અને સજાગ છે ખરી?’ બાપુએ સવાલ કર્યો. ‘હાલના સંજોગોમાં અર્બન ફોરેસ્ટને સંરક્ષણ મળે કે દરેક રાજ્યોમાં અથવા મોટા શહેરોમાં અમુક ચોક્કસ વિસ્તાર અર્બન ફોરેસ્ટ માટે સંરક્ષીત રહે એ બાબતે કોઈ ચોક્કસ માર્ગદર્શિકા કે નક્કર નિયમાવલી હજુ સુધી તૈયાર નથી થઈ.’ સરદારે કહ્યું. ‘તો પછી અર્બન ફોરેસ્ટ દ્વારા ક્લાયમેટ ચેન્જની સમસ્યાઓમાં જે લાભો થાય છે એ લાભો શહેરોમાં વસતી મોટી આબાદી મેળવી કઈ રીતે શકશે? જો સંરક્ષણના નિયમો નહીં હોય કે કાયદા નહીં હોય તો એને સંરક્ષીત કરશે કોણ?’ બાપુએ ખેદ વ્યક્ત કર્યો. ‘એ જ તો વાત છે બાપુ. શહેરો કાર્બનથી ખદબદી રહ્યા છે. એ કારણે તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે, શહેરોમાં બાયોડાયવર્સિટીમાં મસમોટું ગાબડું પડ્યું છે. શહેરોમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે અને ઈકો સિસ્ટમને હાની પહોંચી છે. આ બધીય સમસ્યાઓને જો એકસાથે નીવારવી હોય તો મોટા શહેરોમાં થોડા થોડા વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ હોવા જરૂરી છે. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમ કે કાયદા ન હોય તો એ દિશામાં કામ કરે કોણ?’ સરદારે કહ્યું. ‘તો પછી તો કઈ રીતે આ દિશામાં નક્કર કામ થશે? લોકો તો આ કામ કંઈ સ્વયંભૂપણે કરવાના નથી. અને લોકો સ્વયંભૂપણે કરશે તોય કેટલા લોકો કરશે? એ થોડું થોડું કામ કંઈ નક્કર પરિણામ લાવી શકે ખરું?’ ‘અરે લોકો કે પર્યાવરણવાદીઓ જો કદાચ સ્વયંભૂપણે અર્બન ફોરેસ્ટની દિશામાં કામ કરશે તો પણ સંરક્ષણની પોલીસી કે કાયદા તો જોઈશે જ. કારણ કે લોકો કે પર્યાવરણવાદીઓ તો સ્વાભાવીક જ જાહેર જગ્યાઓએ અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે. આ જાહેર જગ્યાઓ ક્યાં તો રેલવેઝની હશે, ક્યાં તો નગરપાલિકાઓની હશે, ક્યાં તો કોઈ સંસ્થાઓની હશે. હવે શરુઆતમાં તો સરસ મજાનું પ્લાન્ટેશન થઈને અર્બન ફોરેસ્ટ તૈયાર થશે, પરંતુ ત્રણ- ચાર – પાંચ વર્ષો થશે ત્યાં જે-તે ઓથોરિટી ક્યાં તો કોઈક નવો રસ્તો બનાવવા કે કોઈક નવું મકાન બનાવવા કે કોઈક આખેઆખું સ્ટેશન બનાવવા એ અર્બન ફોરેસ્ટને જમીનદોસ્ત કરવું પડે!’ સરદારે સહેજ પોરો ખાધો અને ફરી બોલ્યા, ‘આ રીતે તો બાપુ અર્બન ફોરેસ્ટ એક ફેશન બની જશે, જે કોઈ પણ રોડમેપ કે વિઝન વિના તૈયાર થશે અને તેના કોઈ લાભો પ્રજાને કે પ્રકૃતિને નહીં મળે.’ ‘બિલકુલ ખરી વાત. આ બાબતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, રાજ્યોના પર્યાવરણ વિભાગો અને મહાનગરોના બગાયતી ખાતાઓ વચ્ચે યોગ્ય સંકલન સાધવું પડશે અને એ સંકલનથી કેન્દ્રીય સ્તરે, રાજ્ય સ્તરે અને મહાનગરોના સ્તરો કેટલાક નિયમો અને કાયદા ઘડવા પડશે, જેથી શહેરોમાં તેમજ શહેરોમાં ભળી રહેલા નવા ભાગોમાં ચોક્કસ જગ્યા અર્બન ફોરેસ્ટ માટે સંરક્ષીત રખાય અને ત્યાં નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર થાય. નહીંતર આવનારા સમયની સમસ્યાઓને કોઈ નહીં અટકાવી શકે.’ ‘સાચી વાત છે બાપુ. આપણે આશા રાખીએ કે આજે નહીં તો કાલે એ દિશામાં નક્કર કામ થાય.’ સરદારે કહ્યું અને તેઓ બંને છૂટા પડ્યા.

Join our Movement