સમસ્યાઓ તો ઘણી છે પણ…

‘આવો સરદાર, આજે તો બહુ ખુશ હો એવું લાગે છેને?’ સરદારને આવતા જોઈને ગાંધીજીએ તેમને પૂછ્યું. ‘અરે બાપુ ગઈકાલે સાંજથી એક સમસ્યા સતાવતી હતી. પરંતુ આજે સવારમાં એનો ઉકેલ જડી ગયો એટલે બહુ ખુશી થઈ.’ સરદારે કહ્યું. ‘એમ? પહેલા મને સમસ્યા વિશે કહો. પછી શું ઉકેલ મળ્યો એ વિશે કહેજો.’ બાપુએ સરદારને બાળક જેવી ઉત્સુક્તા બતાવી. ‘સમસ્યા એ હતી બાપુ, કે આજના સમયમાં માણસ પૃથ્વી પર એટલા બધા સંશાધનોનો ઉપયોગ કરે છે કે ન પૂછો વાત. એ સંશાધનોથી તેમને સવલત તો મળે છે, પરંતુ એનાથી તેમને માટે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. ઘણીવાર તો એ સમસ્યાઓ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય છે, જેને કારણે માણસની જાતે ઘણી પીડાઓનો સામનો કરવો પડતો હોય છે.’ સરદારે વિસ્તારપૂર્વક કહ્યું. ‘જેમ કે? મને સહેજ ઊંડાણમાં સમજાવો સરદાર.’ ‘જેમ કે આજનો માણસ કોસ્મેટિક્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અથવા તો તે તેના ઘર કે ઓફિસમાં પ્લાયવુડનો વધુ ઉપયોગ કરે છે કે કેમીકલયુક્ત ગુંદર, ફ્લોરિંગમાં વપરાતું લાકડું કે અવનવા રંગોનો વધુ ઉપયોગ કરે છે. આ બધાથી તેનું કામ તો ઘણું આસાન થઈ જાય છે, પરંતુ આ બધાના ઉપયોગને કારણે તે ફોર્મલ ડીહાઈડનો પણ શીકાર થાય છે. ફોર્મલડીહાઈડને કારણે તેને ત્વચા, નાક, આંખ કે કાનમાં ખરજવાની સમસ્યા ઊભી થાય છે. કેટલીક વખત તો આ બધા તત્ત્વોના અત્યંત સંપર્કમાં આવવાને લીધે કેન્સર થવાની પણ સંભાવના વધી જાય છે. ‘શું વાત કરો છો? આ તો ગંભીર સમસ્યા છે સરદાર…’ ગાંધીજીએ કહ્યું. ‘આનાથી પણ ગંભીર બાબતોનો સામનો આજનો માણસ કરી રહ્યો છે બાપુ. આ સિવાય આજનો માણસ બેન્ઝિન અને કાર્બન મોનોક્સાઈડનો પણ વધુ શીકાર થતો થયો છે.’ ‘એ કઈ રીતે?’ ગાંધીજીએ પૂછ્યું. ‘અરે બાપુ, આપણા જમાનામાં તો આપણે ઈંઘણનો અત્યંત નજીવો ઉપયોગ કરતા. પરંતુ હવે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ અત્યંત વધી ગયો છે. રાંધણગેસથી લઈને વાહનોના ધૂમાડા કે સિગારેટના ધૂમાડાથી આજનો માણસ બેન્ઝિન અને કાર્બન મોનોક્સાઈડનો શિકાર થઈ રહ્યો છે. આ બધાને કારણે અનિદ્રા, ઉબકા, શ્વાસોશ્વાસની તકલીફ કે થાકની સમસ્યા વર્તાય છે. આ સિવાય પણ આજના જીવનમાં વપરાતા સંશાધનો અન્ય કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે.’ સરદારે વધુ વિસ્તારપૂર્વક વાત કહી. ‘એ સમસ્યાઓ કઈ છે સરદાર?’ ‘એ સમસ્યાઓ છે ટોલ્યુઈન, ઝાયલિન, એમોનિયા અને ટ્રાઈફ્લોરોઈથિલિનની. વિવિધ લ્યુબ્રિકન્ટ્સ, પેઈન્ટ રિમુવર્સ, ગેસોલિન કે થિનર્સના સંપર્કમાં આવતા રહેવાને કારણે માણસો માથાના દુખાવો, નકારાત્મક માનસિક અસરો થાય છે કે માણસની કાર્યક્ષમતા પર નકારાત્મક અસરો થાય છે.’ સરદારે કહ્યું. ‘ઓહ. આ તો બધી સમસ્યાઓ થઈ. પરંતુ આ સમસ્યાઓનો ઉકેલ શું? શું આજના માણસે તેના સંશાધનોમાં ફેરફાર કરવો પડશે કે તેણે સંશાધનોનો ઘટાડો કરવો પડશે?’ ગાંધીજીને ઉત્સુક્તા થઈ. ‘ના. હવેના માણસનું જીવન એટલું ઝડપી થઈ ગયું છે અને તેના જીવનમાં તેણે એટલી બધી વ્યસ્તતાને પાળી છે કે હવે તેના માટે સંશાસનોનું ઘટાડવું અશક્ય છે. તો બીજી તરફ નજીકના ભવિષ્યમાં તેના સંશાધનોનો તેને યોગ્ય વિકલ્પ મળે એવો પણ કોઈ રસ્તો દેખાતો નથી.’ ‘તો પછી આ સમસ્યાનો હલ કઈ રીતે આવે?’ ‘આ સમસ્યાનો હલ અત્યંત હાથવગો અને સરળ છે. આને માટે માણસે બીજું કંઈ જ નથી કરવાનું, પરંતુ તેના ઘરની આસપાસ અને તેના ઘર કે ઑફિસની અંદર કેટલાક વૃક્ષો કે છોડનું વાવેતર કરવાનું છે. કેટલાક છોડ એવા મજાના અને એવા અસરકારક છે કે આપોઆપ જ તેઓ વાતાવરણની અશુદ્ધિઓને દૂર કરે છે અને હવાને શુદ્ધ કરે છે. આ કારણે સંશાધનોથી ઘેરાયેલા હોવા છતાં અને આસપાસ ઝેરી વાયુઓ કે તત્ત્વો હોવા છતાં તેઓ એનાથી બચી શકે છે અને સ્વસ્થ રહી શકે છે. અલબત્ત હું એમ નથી કહેતો માત્ર ઈન્ડોર કે આઉટડોર વૃક્ષો લગાવી દેવાશે એટલે માનવોની શારીરિક સમસ્યાનો હલ આવે જશે. માણસે તેની જીવનશૈલીમાં બદલાવ તો આણવો જ પડશે, પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી કે જો થોડા વૃક્ષો કે છોડ આસપાસમાં હશે તો માણસોને એનો ફાયદો જરૂર થશે…’ આટલું કહીને સરદાર તેમના કામ માટે નીકળી ગયા. પરંતુ બાપુને વચન આપતા ગયા કે ફરીથી તેઓ અહીં આવશે ત્યારે તેઓ આ વિષયને આગળ ધપાવશે. (લેખક જાણીતા ઈકોપ્રિન્યોર છે, જેમને પર્યાવરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સન્માન એનાયત થયા છે.)

Join our Movement