ક્લાયમેટ ચેન્જ – સબ કો સન્મતિ દે ભગવાન

એક સવારે ગાંધીજી બેઠા હતા ત્યાં સરદાર અત્યંત ગંભીર ચહેરે તેમની સમક્ષ ઉપસ્થિત થયા. સરદારને ચિંતામાં જોઈને ગાંધીજીને પણ ગભરાટ થયો. ‘શું થયું સરદાર? આજે સવાર સવારમાં તમારા ચહેરા પરની રેખાઓ તંગ કેમ છે?’ ‘બાપુ, ખરેખર અત્યંત ચિંતાના સમાચાર છે.’ સરદારે કહ્યું. ‘એમ ? એવી તે શી ચિંતા આવી પડી?’ ‘બાપુ, આજે અખબારમાં વાંચ્યું કે ભારતમાં આઈપીસીસી એટલે કે ‘ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ’ દ્વારા એક રિપોર્ટ રજૂ થયો છે કે ક્લાયમેટ ચેન્જ સંદર્ભે ભારત હવે ગંભીર સ્થિતિમાં આવી ગયો છે અને જો હવે નક્કર પગલાં ન લેવાયા તો આવનારા સમયમાં અસહ્ય ગરમીની સાથોસાથ દેશમાં ખોરાક અને પાણી સંદર્ભની પણ સમસ્યા ઊભી થશે.’ ‘ઓહ. પરંતુ આવા રોપોર્ટ તો આવતા જ રહે છે. એમાં આટલી બધી ચિંતા શું?’ બાપુએ કહ્યું. ‘વાત સાચી કે આવા રિપોર્ટ્સ આવતા જ રહે છે અને આપણા દેશના લોકો પાછલા એક દશકથી અસહ્ય ગરમી અને અનિશ્ચિત ઋતુચક્રનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ વખતે જે બાબત પર ખાસ રિમાર્ક્સ આપવામાં આવી છે એ બાબત વધુ ચિંતાજનક છે. આ વખતે રિપોર્ટમાં એમ સ્પષ્ટ કહી દેવાયું છે કે ભારત અને એશિયાના દેશોમાં કૃષિ ક્ષેત્ર અત્યંત પ્રભાવિત થશે, જેને કારણે ખોરાકની કમી ઉદ્દભવશે અને ખોરાક મોંઘો થશે.’ સરદારે કહ્યું. ‘હે ઈશ્વર. આ તો ચિંતાજનક છે. જો આવું કંઈક થયું તો આ દેશના કરોડો સામન્ય અને મધ્યમવર્ગના માણસો ક્યાં જશે?’ ‘એ જ ચિંતા છે બાપુ. એક તો આમેય આપણે શહેરીકરણને પ્રાધાન્ય આપી રહ્યા છે તો જ્યાં ગામડા છે ત્યાં રિસોર્ટ અને ક્લબ કલ્ચર ઊભુ કરી દીધું છે. આ કારણે હરિયાણા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર્ર કે ગોવા જેવા પશ્ચિમ ભારતમાં સૌથી વધુ જમીનો નોન એગ્રીકલ્ચર થઈ રહી છે. જેને કારણે ખેતી પર આઠથી દસ ટકા જેટલો પ્રભાવ પડ્યો છે. તો આઈપીસીસીના આ રિપોર્ટમાં તો આંકડા સાથે કહેવાયું છે કે આવનારા સમયમાં ખેતી પર કેવી કેવી અસરો થશે.’ સરદારે કહ્યું. ‘એમ? મને જરા એ આંકડા વિશે જણાવો તો?’ બાપુએ પૂછ્યું. ‘આંકડા એમ કહે છે કે જો કાર્બન ઉત્સર્જનને કાબૂમાં ન લેવાયું તો આવનારા દશકમાં તાપમાન એકથી ચાર ડિગ્રી જેટલું વધી શકે છે. આ કારણે ભારતમાં ચોખાના ઉત્પાદનમાં દસથી ત્રીસ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. તો મકાઈના ઉત્પાદનમાં પચ્ચીસથી સીત્તેર ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.’ ‘અરે અરે. આ તો ગંભીર કહેવાય. એક તો આમેય ઋતુચક્રમાં ફેરફાર આવવાને કારણે છાસવારે માવઠા થતા રહે છે અને ઊભા પાકને નુકસાન થાય છે. ત્યાં તાપમાનમાં વધારો થાય તો ખેતીને ઘણું નુકસાન થવાનું. અને ખેતીને નુકસાન થાય એટલી તેની સીધી અસર સામાન્ય માણસના જીવન અને દેશના અર્થતંત્ર પર પડશે. દેશનો પૈસો ખોરાકની અછત પૂરી કરવામાં જ વધુ વપરાશે તો ઈન્ફ્રાસ્ટ્ર્રકચર, શિક્ષણ અને આરોગ્ય પર પણ તેની અછત વર્તાશે.’ ગાંધીજી એક ખેતીને થતા નુકસાનથી અન્ય કેટલા ક્ષેત્રો પ્રભાવિત થઈ શકે એ વિશે કહ્યું. ‘અને હા બાપુ. આરોગ્ય પરથી યાદ આવ્યું કે આપીસીસીએ એમ પણ રિમાર્ક્સ આપી છે કે ક્લાયમેટ ચેન્જ બેક્ટેરિયલ ડિસિઝ અને ડેંગ્યુ જેવા રોગોને પણ પ્રોત્સાહન મળશે.’ સરદારે પુરક માહિતી આપી. ‘એનો મતલબ એ કે ક્લાયમેટ ચેન્જની સમસ્યાઓ કોઈ એક તરફથી નહીં, પરંતુ ચારેબાજુથી પ્રહાર કરશે. અને આપણા સૌની કમનસીબી એ છે કે આપણે ક્લાયમેટ ચેન્જથી વાકેફ છીએ તેમજ તેની અસરોના ભોગ બની રહ્યા છીએ છતાં આપણે એ દિશામાં એટલા ચિંતિત નથી જેટલા આપણે હોવા જોઈએ.’ બાપુએ કહ્યું. ‘બિલકુલ સાચી વાત. આપણા સૌની કમનસીબી જ એ છે કે ક્લાયમેટ એક્શન વિશે આપણે જાણીએ છીએ, છતાં ક્લાયમેટ ચેન્જની સામે બાથ ભીડવા જેટલા આપણે ચિંતિત નથી.’ ‘હવે તો ઈશ્વર જ બચાવે આ બધાથી. હું તો માત્ર એટલી જ પ્રાર્થના કરી શકું કે સબ કો સન્મતિ દે ભગવાન.’ બાપુએ કહ્યું અને બંને છૂટા પડ્યા.

Join our Movement