જો જંગલોની આ સ્થિતિ હોય, તો શહેરોનું શું?

‘શું કરો છો બાપુ? આજે તમે કંઈક ઊંડા વિચારમાં લાગો છોને?’ આજે અચાનક સરદાર બાપુને મળવા આવ્યા. ‘વાત તો તમારી સાચી છે સરદાર. તમે મને કહેલી એક વાત મારા મન પર ચોંટી ગઈ છે.’ ગાંધીજી ગંભીર સ્વરે કહ્યું. ‘એવી કઈ વાત છે બાપુ?’ સરદારને આશ્વર્ય થયું. ‘તમે જે નોન નેટિવ અથવા ઑર્નામેન્ટલ પ્લાન્ટ્સ વિશેની વાત કરેલી એ. જે વૃક્ષો આપણી ઈકો સિસ્ટમને કોઈ લાભ ન આપી શકતા હોય એ વૃક્ષોને પ્રોત્સાહન શું કામ આપવું જોઈએ? શું સરકાર આ બાબતે કોઈ ગાઈડલાઈન જાહેર ન કરી શકે?’ ‘કોઈ પણ દેશની સરકારો અને વનવિભાગોએ સત્તાવાર રીતે કેટલાક નોન- નેટિવ વૃક્ષોની યાદી બહાર પાડવી જોઈએ અને લોકોને એનાથી માહિતગાર કરવા જોઈએ. જેથી લોકોમાં જાગૃતિ આવે. પરંતુ એના માટે સૌથી પહેલી શરત એ છે પર્યાવરણ સુરક્ષા એ કોઈ પણ દેશની સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે દુનિયાની મોટાભાગની સરકારોની પ્રાથમિકતા વેપાર અને આડેધડ અર્બનાઈઝેશન છે.’ સરદારે કહ્યું. સહેજવાર પોરો ખાધા બાદ સરદારે ફરી કહ્યું, ‘તમને ખબર છે બાપુ? માત્ર ભારતમાં નાનાં છોડથી લઈ વૃક્ષો સુધીની ૧૭૩ જેટલી નોન નેટિવ સ્પિસિસ અસ્તિત્વ ધરાવે છે, જેનું ઈકો સિસ્ટમમાં રજમાત્ર યોગદાન નથી. આ તો ઠીક, વિદેશી વૃક્ષો-છોડવાની કેટલીક પ્રજાતિઓ તો એવી છે, જે પ્રજાતિઓ માણસ અને જાનવરોના સ્વાસ્થ્ય માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે.’ ‘શું વાત કરો છો સરદાર? ભારતમાં ૧૭૩ જેટલી વિદેશી પ્રજાતિના વૃક્ષો- છોડવા છે?’ સરદારની વાત સાંભળીને ગાંધી વધુ ગંભીર થયા. ‘આ તો ઠીક બાપુ, ભારતના વેસ્ટર્ન ઘાટમાં તો આ નોન નેટિવ વૃક્ષોને લીધે બહુ મોટી ખુવારી થઈ છે. આઝાદી પછીના પાંચેક વર્ષ પછી જ નિલગીરીના જંગલો અને તમિલનાડુની પલાણી પહાડીઓમાં મોટાપાયે નોન-નેટિવ વૃક્ષોનું વાવેતર થયું. એક આંકડો તો એમ પણ કહે છે કે માત્ર વેસ્ટર્ન ઘાટોમાં જ અગિયાર હજાર હેક્ટરની જમીન પર પલ્પ ઈન્ડસ્ટ્રી અને વુડ ઈન્ડસ્ટ્રી માટે મોટાપાયે નોન નેટિવ વૃક્ષોનું વાવેતર સમયાંતરે ચૂંટાયેલી સરકારો દ્વારા થયું. પરંતુ એ પ્લાન્ટેશન પછી હવે વર્ષો પછી ચોંકાવનારા આંકડા આંકડા સામે આવી રહ્યા છે.’ સરદારે ઉદાસ સ્વરે કહ્યું. ‘ચોંકાવનારા આંકડા જેવા કે?’ ગાંધીજીએ સરદારની ઉદાસ આંખોમાં જોયું. ‘બાપુ શું વાત કરું? માત્ર દક્ષિણ ભારતની જ વાત કરું તો આર્થિક લાભને ધ્યાનમાં રાખીને રોપાયેલા નોન નેટિવ વૃક્ષોને કારણે વેસ્ટર્ન ઘાટની જમીનો એસિડિક થઈ ગઈ છે. જેના કારણે અન્ય સ્થાનિક વૃક્ષોના ઉછેર અને વિકાસમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. બીજો પ્રશ્ન એ ઊભો થયો છે કે દક્ષિણ ભારતના જંગલોમાં વસતા હરણો, સાબર અને જંગલી ભેંસોને પૂરતો અથવા યોગ્ય ખોરાક નથી મળી રહ્યો. આ કારણે જંગલી ભેંસો પોતાના પ્રાકૃતિક આવાસ ત્યજીને ખોરાકની શોધમાં માનવ વસ્તીઓ તરફ જતી થઈ છે, જેને કારણે તેમના અસ્તિત્વ પર જોખમ ઊભુ થયું છે.’ ‘હે ઈશ્વર. હવે તો તું જ કંઈક રસ્તો સૂઝાડ. મને તો ચિંતા એ થઈ રહી છે સરદાર, કે દેશના જંગલો આ રીતે નોન નેટિવ સ્પિસિસથી ભરાયેલા છે અને ત્યાંની બાયોડાયવર્સિટી પર આ રીતની ગંભીર અસરો જોવા મળી રહી છે. તો દેશના શહેરોની તો વાત જ શું કરવી?’ ગાંધીજી અત્યંત ચિંતામાં પડ્યા. ‘એ જ તો જોવાનું છે બાપુ. શહેરોમાં તો આમેય વૃક્ષો ઓછા છે. તેમજ અત્યંત ઓછી જગ્યામાં ઘણી મોટી આબાદી વસવાટ કરે છે. એવામાં જો એ ઓછી જગ્યામાં નોન-નેટિવ વૃક્ષોનું વાવેતર થાય તો શહેરોના વાતાવરણ અને ત્યાંની બાયોડાવર્સિટીનું શું થશે? લોકો સારી હવા માટે તરસી ઉઠશે બાપુ. લોકો અનેક હવા જન્ય રોગોના શિકાર થશે, લોકોને ચામડીના રોગો થશે અને તેમના ફેંફસા પર પણ અસર થશે. અને બાળકોની રોગપ્રતિકારકતા પણ ઘણી ઓછી રહેશે. તેમજ શહેરમાં વસી શકે એવા પક્ષીઓ અને જંતુઓના અસ્તિત્વ પર ખતરો ઊભો થશે એ તો વધારાનો!’ ‘એનો અર્થ એ જ થયો કે શહેર હોય કે ગામડાં કે પછી જંગલો જ કેમ નહીં હોય. લોકો જો ખરા અર્થમાં પ્રકૃતિને ચાહતા હોય કે પછી લોકો સ્વસ્થ રહેવા ઈચ્છતા હોય તો તેમણે નેટિવ પ્રજાતિના વૃક્ષોનું જ વાવેતર કરવું પડશે. પણ સરદાર લોકોને એ જાણકારી મળશે કઈ રીતે કે કયું વૃક્ષ નેટિવ છે અને કયું નોટ-નેટિવ?’ ગાંધીજીએ પ્રશ્ન કર્યો. ‘એ તો બહુ સરળ છે બાપુ. હવે કંઈ આપણા જેવો જમાનો થોડો છે? લોકો ઈન્ટરનેટ પર આસાનીથી શોધી શકે છે કે તેમના વિસ્તારમાં યોગ્ય રીતે વિકસી શકે એવા નેટિવ પ્રજાતિના વૃક્ષો કયા છે. આ સિવાય તેઓ અભ્યાસુ પર્યાવરણ પ્રેમીઓને, પ્રકૃતિના જણકારોને, બોટનીનો અભ્યાસ કરનારાને કે નજીકની વનવિભાગની કચેરીને પણ આ સંદર્ભે પૂછી જ શકેને? કોઈ પણ માણસ માત્ર આટલું કરશે તોયે તે નેટિવ પ્રજાતિના વૃક્ષો વિશેની જાણકારી મેળવી શકશે.’ ‘વાહ. એનો અર્થ એ થયો કે માણસ માત્ર આટલી જ મહેનત કરશે તો પણ તે પોતાના કે પોતાના સંતાનોના સ્વાસ્થ્યને સુધારી શકશે કે જીવ સૃષ્ટિને મદદરૂપ થઈ શકશે.’ સરદારની વાત સાંભળીને ગાંધીજીને ઘણી ધરપત મળી. (લેખક જાણીતા ઈકોપ્રિન્યોર છે, જેમને પર્યાવરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સન્માન એનાયત થયા છે.)

Join our Movement