પ્રકરણ સાત | ડાયરી ઓફ અ ગ્રીનમેન

ડાયરી ઑફ અ ગ્રીનમેન માટે જ્યારે હું જૂના સ્મરણો યાદ કરતો હતો ત્યારે એક કિસ્સો મને અત્યંત તીવ્રપણે યાદ આવ્યો. એ કિસ્સાની મારી જર્નિ અને મારી પર્સનાલિટી પર ઘણી અસર કરી છે એટલે મને લાગ્યું કે એ કિસ્સા વિશે પણ મારે વિગતે કહેવું જોઈએ. જે કિસ્સાની વાત કહેવાનો છું એ કિસ્સો તો આમ તો બે- અઢી વર્ષના સમયગાળાનો જ છે, પરંતુ એ સમયગાળામાં મેં જીવનનો લૉએસ્ટ અને કંઈક અંશે ટફેસ્ટ ટાઈમ જોયો છે. જોકે મારું જે ટ્રાન્સફોર્મેશન થયું છે એ ટ્રાન્સફોર્મેશન પાછળ એ સમયનો સૌથી મોટો ફાળો છે કારણ કે એ સમયમાં જ મેં મારા ઍટિયુડ, એપ્ટિટ્યુડ કે મારી ઓવરઑલ પર્સનાલિટીમાં ફેરફાર કરવાની શરૂઆત કરી હતી અને મારા બાહ્ય ફિઝિકથી લઈ મારી આંતરિક વિચારધારા સુધીની બાબતોમાં મેં ધરખમ ફેરફાર કર્યો હતો.

બે- અઢી વર્ષનો એ સમયગાળો એવો હતો કે ત્યારે મારી સહનશીલતા અને ધીરજની સૌથી વધુ કસોટી થઈ હતી. બીજા શબ્દોમાં કહું તો આ સ્થિતિને કારણે જ જીવનનો મહત્ત્વનો સિદ્ધાંત સમજી શક્યો છું કે અસંતોષ જ પરિવર્તનનું બીજ છે. અને તમે જ્યાં સુધી તમારી કપરી સ્થિતિ પર ગુસ્સે નહીં થાઓ ત્યાં સુધી તમારે જે બનવું છે એ ક્યારેય નહીં બની શકો. એટલે કે જ્યાં સુધી તમે સહન કરો છો ત્યાં સુધી તમે જીવનમાં બદલાવ લાવી શકવાના નથી. મને એ સમજણ પણ હંમેશને માટે બંધાઈ ગઈ છે કે જે સ્થિતિ તમને નથી ગમતી એ સ્થિતિમાં ક્યારેય એડજસ્ટ નહીં થઈ જાઓ અને તેની સામે તમારી તમામ તાકાત વાપરીને બળવો પોકારો.

એ વાત છે મારા અગિયારમા ધોરણના અભ્યાસની, જ્યારે મેં સાયન્સ સ્ટ્રીમ પસંદ કરેલી. અગાઉ મેં કહ્યું જ હતું કે એક સમયે સ્પોર્ટ્સ એ મારે માટે સર્વસ્વ હતું. પરંતુ સાયન્સ સાથે પનારો પડ્યા પછી થોડા જ સમયમાં ખ્યાલ આવ્યો કે એ સમયે મારું જેમાં પેશન હતું એ સ્પોર્ટ્સ અને સાયન્સને હું એકસાથે મેનેજ કરી શકું એમ નહોતો. કારણ કે અગિયાર સાયન્સમાં એડમિશન લીધા પછી મારો મોટા ભાગનો સમય ભણવામાં જતો રહેતો હતો અને રમવા માટે મને ભાગ્યે જ સમય મળતો હતો. એ કારણે એડમિશન લીધાના ચારેક મહિનામાં જ મેં નક્કી કર્યું કે મારે કોમર્સમાં ભણવું છે!

મેં જ્યારે નક્કી કર્યું કે મારે સાયન્સ છોડીને કોમર્સ લેવું છે ત્યારે મારા મમ્મી-પપ્પા તો મારા સપોર્ટમાં જ હતા એટલે એ મોરચે મારે માનસીક સંઘર્ષ ન કરવો પડ્યો, પરંતુ મોકાણ આવ્યું એડમિશન બાબતે. કારણ કે પહેલી ટર્મ પૂરી થવાના થોડા જ સમયની વાર હતી ત્યારે મેં નક્કી કર્યું હતું. એવા સંજોગોમાં મને સારી સ્કૂલમાં તાત્કાલિક એડમિશન મળી જાય એમ નહોતું. અને થયું પણ એવું જ કે મને એક અન્ય સ્કૂલમાં એડમિશન મળ્યું, જે સ્કૂલમાં ભણવું મારા જેવા સેન્ટ ઝેવિયરમાં ભણી આવેલા વિદ્યાર્થી માટે દુઃસ્વપન જેવું હતું. એ સ્કૂલમાં ભાગ્યે જ હું કોઈ મિત્રો બનાવી શક્યો હતો. કારણ કે ઝેવિયરમાંથી આવવાને કારણે લોકો મને સાવ જુદી રીતે જોતા હતા.

સોળ સત્તર વર્ષની ઉંમરે એક તો ભણતરની સ્ટ્રીમ બાબતે અનેક ગૂંચવણો અને ગૂંગળામણો થઈ હોય અને પછી અચાનક સાવ જુદા માહોલવાળી સ્કૂલ અને એની સિસ્ટમ સાથે પનારો પડે ત્યારે એક ટીન-એજ છોકરા માટે વિમાસણો જ સર્જાય. આવા સમયે એક ટીન-એજ બાળક ફ્રસ્ટ્રેટ થઈ જાય અને તેનું બિનઅનુભવી મન કોઈક બીજી પ્રવૃત્તિઓના માધ્યમથી પલાયન સાધવા માંડે. કદાચ એવુંય બને કે આખીય સ્થિતિમાંથી ભાગી છૂટવા માટે ટીનએજ છોકરા સાવ નકામી અને પાછળથી તેમના માટે ઘાતક સાબિત થઈ શકે એવી આદતોના રવાડે પણ ચઢે.

હું પણ એ સમયે એવા ફ્રસ્ટેશનનો ભોગ બન્યો જ હતો અને મને સ્કૂલ બદલાવાને કારણે કે જે માહોલ સાથે હું પરિચિત નહોતો કે યુઝ ટુ નહોતો એવા જુદા પ્રકારના માહોલને કારણે અત્યંત ગૂંગળામણ થઈ રહી હતી.

આ તો ઠીક સાયન્સ સ્ટ્રીમ છોડી દેવાનો નિર્ણય સાચો છે કે ખોટો એ વિશે પણ ત્યારે મનમાં અનેક શંકાઓ થયા કરતી કે મારો આ નિર્ણય સાચો કે ભવિષ્યમાં ખોટો સાબિત થશે? કારણ કે કોમર્સમાં ગયા પછી પણ મને અનેક અકળામણો તો થતી જ, કારણ કે ચારેક મહિના પછી હું કોર્સમાં દાખલ થયેલો એટલે મારે એકદમ ઝડપથી અપડેટ થવાનું હતું. પરંતુ વચ્ચેથી કોર્સમાં એન્ટર થવાને કારણે એમાંય ક્યારેક હું મિસ્ટેક્સ કરી બેસતો હતો.

અને જે સમસ્યાઓનો લગભગ તમામ સ્ટુડન્ટ્સ સામનો કરે છે એ સમસ્યા પણ મારે માથે નાગની જેમ ફેણ કાઢીને ઊભી હતી! એ સમસ્યા એટલે બીજા લોકોના ઑપિનિયન્સ અને કેટલાક કિસ્સામાં તો બીજા લોકોની મારા પરની હાંસી. કે યાર, સ્પોર્ટ્સને માટે થઈને તેં સાયન્સનો કોર્સ છોડ્યો? આવી મુર્ખામી તે કંઈ થતી હશે?

પરંતુ હું બ્લેસ્ડ હતો કે મને એ સમયે મારા મમ્મી-પપ્પા તરફથી સપોર્ટ મળ્યો અને હું ટકી ગયો. પરંતુ આજે મને સમજાય છે કે કોઈ પણ ટીનએજરની લાઈફમાં આવતો આવો સ્ટેજ ટેમ્પરરી અને અત્યંત થોડા સમયનો હોય છે. એવા સમયે દરેક માતા-પિતાની પ્રાથમિક ફરજ બને છે કે તેઓ બાળકને પક્ષે ઊભા રહે અને તેનામાં ધીરજ અને શ્રદ્ધા જગાવીને તેને મોટિવેટ કરે.

આ અનુભવે મને એક બાબતે પણ સ્પષ્ટ કરી દીધો કે લાઈફમાં સિચ્યુએશન ભલે ગમે એ હોય કે બીજાઓ ભલે તમારા માટે ગમે એ કહેતા હોય, પરંતુ તમારી અંદરથી જો પોઝિટીવ અવાજ આવતો હોય અથવા તમે તમારા ગોલ બાબતે સો ટકા કન્વીન્સ્ડ હો તો કોઈ પણ સિચ્યુએશનમાં તમે ટકી શકો છો અને એ કપરા સમયમાં પણ તમારી પ્રોડક્ટિવિટી બતાવી શકો છો. હું મારી જ વાત કરું તો એ સમય દરમિયાન જ મને મૉડેલિંગનું પેશન જાગેલું અને અગાઉ કહ્યું એમ મૉડેલિંગ માટે મને ટ્રાન્સફોર્મેશનની સૌથી વધુ જરૂર હતી. તો ઈંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોવા છતાં મેં એક પેજર કંપનીમાં પીએસઓ તરીકે કામ સ્વીકાર્યું. કેમ? તોકે એક જ કારણ કે એ માધ્યમથી હું મારા ઈંગ્લિશને હજુ વધુ નર્ચર કરી શકું અને મારી કોમ્યુનિકેશન સ્કીલ્સને વધુ ડેવલપ કરી શકું!

એ વર્ષોને હવે હું યાદ કરું છું તો મને એ તો સમજાય જ છે કે ત્યારે ભલે મને ઝાઝી સમજણ નહોતી કે બાબતોને હું ડિફાઈન નહોતો કરી શકતો, પરંતુ ત્યારે પણ મેં મારી પેશન અને મારા સપનાંને પ્રજ્વલિત રાખ્યા હતા. ત્યારે સો ટકા હું એ બાબતે સજાગ નહોતો, પરંતુ આજે મને સમજાય છે કે ત્યારેય મારી અંદર એ એટિટ્યુટ બરકરાર હતો કે સામે આવેલી સ્થિતિ ગમે એટલી ગૂંગળાવનારી હોય, પરંતુ આપણે આપણા સપનાં સાથે બાંધછોડ કરવી નહીં. બલ્કે, એ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સાચી દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવા, જેથી એ સ્થિતિ આપણે માટે કાયમી ન બની જાય!

ઈવન ત્યારેય કદાચ એ બાબત મારી અંદર નક્કર રીતે અસ્તિત્વ ધરાવતી હતી કે આપણે જેની ચાહત કરી અથવા જે પામવાની આપણને અત્યંત ઉત્કંઠા છે એ મેળવવાની તીવ્રતામાં જરા સરખો પણ ઘટાડો ન કરવો. રાધર આપણી શ્રદ્ધા એટલે કે બિલિફને બરકરાર રાખવી, જેથી એ ટેમ્પરરી અડચણો દૂર ગયા પછી આપણે ઝળહળી શકીએ!

વળી, ત્યારે પણ એ અભિગમ મારામાં સજ્જડપણે હતો કે બીજા મારા માટે શું વિચારે છે કે તેઓ મારે શું ધારી લે છે એ મારે માટે મહત્ત્વનું નહોતું. કારણ કે બીજા હંમેશાં પોતાના અનુભવ અને સમજણને આધારે જ પોતાનું ઑપિનિયન આપતા હોય છે. એવા સમયે આપણે આપણી માન્યતાઓ અને આપણા સપનાં શું કામ બાંધછોડ કરવી? શું કામ આપણે કોઈએ આપણને આપેલા કાંટાથી આપણાં જ સપનાંમાં કાણાં પાડવા અને આપણા સપનાંનો નાશ કરવો? એના કરતા સંજોગો ભલે ગમે એ હોય, પરંતુ આપણી શ્રદ્ધા અને જે પામવું હોય એની ચાહતને વધુને વધુ સ્ટ્રોંગ કરતા રહેવું, જેથી આપણને સક્સેસ મળે અને આપણે જે ધાર્યું હોય એ જ આપણને મળી શકે!

સ્ટુડન્ટ લાઈફમાં થયેલા આ અનુભવ પરથી મારી માન્યતા એ બાબતે પણ દૃઢ થઈ છે કે જ્યારે તમે જીવનમાં સૌથી નીચલા સ્તરે હો અથવા તમામ પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ હોય તો એ સમય તમારા માટે જીવનનો શ્રેષ્ઠ સમય સાબિત થાય છે કે કારણ કે એ સમયે માત્ર દૃઢ શ્રદ્ધા અને અતૂટ ખુમારીથી તમને બેસ્ટ પરફોર્મ કરવાની તક મળે છે. તમારી અંદર જે કંઈ શ્રેષ્ઠ પડ્યું છે એ આ સમયમાં જ ઝળહળી ઊઠે છે. પણ હા, એને માટે તમારી પાસે ધીરજ અને શ્રદ્ધા હોવા જરૂરી છે. પલાયનવાદ આવા સમયે ન કામ આવે!

હવે આજે એ બાબત અત્યંત સજ્જડપણે સમજાય છે કે લાઈફમાં ઘણીય વાર આપણી સામે કેટલીક ટેમ્પરરી અડચણો કે રૂકાવટો આવી જાય છે. પરંતુ એ અડચણો દરમિયાન જો આપણે બાંધછોડ કરી લઈએ કે આપણે એનાથી પ્રભાવિત થઈને આપણા ડિસિઝન્સ પર અસર કરીએ તો કદાચ એ આપણો આપણી જાત સાથેનો ગુનો બને છે!

કારણ કે ટેમ્પરરી સમસ્યા સામેની આપણે સ્ટ્રેટેજીઝ પણ ટેમ્પરરી જ હોવી જોઈએ, એ સમસ્યાઓ દરમિયાન આપણે પણ પરમેનન્ટ ડિસિઝન્સ શું કામ લેવા? કારણ કે સમસ્યાઓથી ડરીને ઉતાવળે પરમેનન્ટ ડિસિઝન્સ લેવા એનો અર્થ એ થાય કે આપણે આપણા સપનાંઓ સાથે પણ બાંધછોડ કરી રહ્યા છીએ. અને જો સપનાં સાથે બાંધછોડ થાય છે એનો મતલબ એ જ થાય છે કે માણસ પોતાની નહીં, પરંતુ બીજાની ધારણા મુજબનું જીવન જીવે છે.

પણ, શું બીજાની ધારણા કે ઑપિનિયન્સ પ્રમાણે જીવવું યોગ્ય છે ખરું?

Leave a Reply