વનસ્નાનનો નાતો માનવ સંસ્કૃતિની શરૂઆત સાથે છે

સવારની રોજિંદી મુલાકાત માટે ગાંધીજી સરદારની રાહ જોઈ જ રહ્યા હતા ત્યાં સરદાર ચોક્કસ સમયે ગાંધીજી પાસે હાજર થયા. સરદાર હજુ તો પોતાની બેઠક લે એ પહેલાં તો સમયના પાબંદ ગાંધીજીએ મુદ્દો ઉપાડ્યો. ‘સરદાર, તમે જે વનસ્નાન એટલે કે શિનરિન યોકુ વિશે વિસ્તારપૂર્વક વિશે વાત કરી એ વિશે મેં ઉંડું ચિંતન કર્યું. જપાને ભલે ૧૯૮૦ના દાયકામાં શિનરિન યોકુ કે વનસ્નાન નામે એક આખી ટર્મ કે કન્સેપ્ટ આપ્યો હોય. એ બાબતે તો જપાનની માણસજાત ઋણી છે. પરંતુ માણસના માનસિક વિકાસ કે તેના સ્વાસ્થ્ય માટે વનો અત્યંત જરૂરી છે એ બાબત અનાદિકાળથી સિદ્ધ થયેલી છે.’ ગાંધીજીએ કહ્યું. ‘બહુ સાચી વાત કરી તમે બાપુ.’ સરદારે કહ્યું. ‘મેં જોયું છે કે લગભગ તમામ ધર્મોમાં પ્રકૃતિનાં સરક્ષણની વાત કરવામાં આવી છે અને તમામ સંસ્કૃતિઓમાં માણસ વનોમાં વિચરતો કે વનોમાં રહેતો આવ્યો છે. ભારતમાં પણ પુરાણકાળમાં વનોમાં રહેવાની વાત છે. અરે ઉંમરના આખરી પડાવનું નામ જ ‘વાનપ્રસ્થાશ્રમ’ અપાયું છે. એટલે કે ઉંમરના પાછલા વર્ષો બધી જ ચિંતા, બધી જ માયા ત્યજીને વનમાં રહેવું અને પ્રકૃતિની વચ્ચે રહીને સ્વસ્થ રહી વૃદ્ધાવસ્થાને માણવી.’ ‘બિલકુલ સત્ય છે આ.’ સરદારને ગાંધીજીના અભ્યાસ પર માન થઈ આવ્યું. ‘અને સરદાર, એ તો જુઓ કે એક જમાનામાં જેને આજે ટીનેએજ કહેવાય છે એ કિશોરઅવસ્થાના બાળકોને તેઓ પુખ્તવયના થાય એ પહેલાં વનમાં મોકલીને ત્યાં અભ્યાસ કરાવવામાં આવતો, જેથી પ્રકૃતિનો લાભ થઈ તેઓ વધુમાં વધુ કુશળ બને અને એ કુશળતાના માધ્યમથી પોતાના જીવનના પડકારોનો સામનો કરી શકે. આજનો માણસ જેને સ્કિલ ડેવલપમેન્ટ કહે છે અને જે સ્કીલ ડેવલપમેન્ટ માટે માણસ શહેરોમાં લાખો રૂપિયા ખર્ચી કાઢે છે એ સ્કિલ ડેવલપમેન્ટ એક જમાનામાં જંગલોમાં થતું. એ સમયે તમામ ગુરુકૂળો જંગલોમાં નદીઓના કિનારે હતા. એ ગુરુકૂળોમાં કિશોરવયના બાળકોને વિવિધ તાલીમ આપવામાં આવતી, વેદો ભણાવવામાં આવતા અને એ માધ્યમથી તેમને શ્રેષ્ઠ રાજા કે શ્રેષ્ઠ નાગરિક બનાવવામાં આવતા. આ જુઓને આર્યન સંસ્કૃતિમાં ભગવાન કૃષ્ણ અને રામે પણ રાજા બન્યા પહેલા વનમાં જઈને જ તેમના ગુરુઓ પાસે તાલીમ લીધી હશેને?’ ગાંધીજીએ કહ્યું. ‘હા. ચોક્કસ જ વળી.’ ‘એનો અર્થ એ થયો કે વન અથવા જંગલોની મહત્તા આપણા જીવનમાં આપણી સંસ્કૃતિઓની શરૂઆત થઈ ત્યારથી છે. માણસે બે સદી પહેલા અર્બનાઈઝેશન કે ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સ્વીકાર્યું એ પહેલાથી વનોનું તેના જીવનમાં આગવું મહત્ત્વ હતું. વનોના માધ્યમથી માણસ સ્કીલ ડેવલપમેન્ટ પણ કરતો અને તેના મનની શાંતિ મેળવી પોઝિટિવિટી પણ મેળવતો.’ ગાંધીજીએ કહ્યું. ‘સાચી વાત છે બાપુ. ફરક માત્ર એટલો છે કે ત્યારે વનસ્નાન જેવી કોઈ ટર્મ કે કન્સેપ્ટ બહાર નહોતો પડ્યો.’ સરદારે સૂર પૂરાવ્યો. ‘જોકે એ કન્સેપ્ટને નામ એટલા માટે નહોતું મળ્યું કે ત્યાં સુધી દુનિયાભરનો માણસ પ્રકૃતિની નજીક જ રહેતો હતો. એટલે ન તો તેને કોઈ હ્રદયરોગ, બ્લડપ્રેશર કે ડાયાબિટિસ જેવી શારીરિક બીમારીઓ હતી કે ન તેને ડિપ્રેશન, તણાવ કે એન્ક્ઝાટી જેવા માનસિક રોગો હતા. ત્યારે શહેરીકરણ એટલું બધું થયું નહોતું અને આસપાસ વૃક્ષોનું પ્રમાણ પણ વધુ હતું. આ ઉપરાંત માણસ તેના પરિવાર સાથે અને પોતાની જાત સાથે અત્યંત સ્મૃદ્ધ સમય વીતાવતો હતો. એટલે તેને વનસ્નાન માટે અલાયદી કોઈ કવાયતની જરૂર નહોતી. પરંતુ હવેનો માણસ શહેરોમાં ઓછા વૃક્ષોની વચ્ચે રહે છે અને અત્યંત ગંભીર કહી શકાય એવી વ્યસ્તતા વચ્ચે જીવે છે, જેને કારણે તેને શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અને એટલે જ તેણે વનસ્નાનનો એક ચિકિત્સાપદ્ધતિ તરીકે ઉપયોગ કરવો પડે છે.’ ગાંધીજીએ કહ્યું. ‘બહુ સાચી વાત કરી તમે તો. વનસ્નાન એ ચિકિત્સાપદ્ધતિ નહીં, પરંતુ એક લાઈફ સ્ટાઈલ છે. લોકોએ આ બાબતને તેમની લાઈફ સ્ટાઈલનો ભાગ બનાવવાનો છે. અને હવે તો એ સમય એકદમ નજીક આવી ગયો છે કે આધુનિક માણસે શહેરોમાં જ અર્બન ફોરેસ્ટ બનાવવા પડશે અને સમયાંતરે તેનો લાભ લેવો પડશે.’ સરદારે કહ્યું. અને તેઓ ગાંધીજીથી છૂટા પડ્યા.

Join our Movement